ભવિષ્યને ધ્યાનમાં રાખી વર્તમાનમાં ખર્ચ કરવો એજ સાચી સમજદારી
પ્રસંગોમાં ખોટા ખર્ચ બંધ કરવા વિવિધ સમાજો જાગૃત થયા
તંત્રી સ્થાનેથી…
જન્મથી માંડીને મરણ સુધીના વિવિધ પ્રસંગોમાં આંધળુ અનુકરણ કરવાથી સમાજ પાયમાલ થઈ રહ્યો છે. પોતાની શક્તિ કરતા દેખા દેખીમાં વધારે ખર્ચ કરવાના કારણે પરિવારો દેવામાં ડુબી બરબાદ થઈ રહ્યા છે. આપણે શિક્ષણ પાછળ જેટલો ખર્ચ કરતા નથી તેનાથી અનેક ઘણો ખર્ચ પ્રસંગો પાછળ કરી નાણાં વેડફી રહ્યા છીએ. અત્યારના સમયમાં દરેક બાબતે પશ્ચિમી દેશોનુ અનુકરણ કરવાની આંધળી દોટ જામી છે. ત્યારે પશ્ચિમી દેશના લોકો અભ્યાસ પાછળ જેટલો ખર્ચ કરે છે તેના કરતા લગ્ન પાછળ ઘણો ઓછો ખર્ચ કરે છે. ચર્ચમાં સાદગીથી લગ્ન થાય છે. જ્યારે લગ્ન પાછળનો ખર્ચ નહિવત હોય છે. ભારત દેશમાં શિક્ષણ પાછળ ઘણો ઓછો ખર્ચ થાય છે અને લગ્ન પ્રસંગે દેવુ કરીને પણ ખર્ચ કરવામાં આવે છે. અત્યારના આધુનિક સમાજમાં હજુ પણ એવી રૂઢિચુસ્ત જ્ઞાતિઓ છે કે જેમના પરિવારમાં દિકરીનો જન્મ થાય તે સમયેજ લગ્નનો વિચાર કરીને બચત કરવામાં આવે છે અને દાગીના માટે સોનુ ખરીદવામાં આવે છે. સોનાના ભાવ દિવસે દિવસે ઐતિહાસિક સપાટી પર પહોચી રહ્યા છે. ત્યારે ગરીબ પરિવારોનુ સોનુ એવી ચાંદીના ભાવ આસમાને પહોચ્યા છે. મધ્યમ પરિવારો માટે લગ્ન પ્રસંગમાં પાંચ થી દશ તોલા સોનુ તથા ગરીબ પરિવારોને ચાંદીના દાગીના આપવાનુ ગજુ બહાર થઈ ગયુ છે. આવક ક્ષિમિત છે જ્યારે સોના-ચાંદીના ભાવ આસમાને અને મોંઘવારીએ માજા મુકી છે તેવા સંજોગોમાં પરિવારો પ્રસંગો પાછળ પાયમાલ ન થાય તે માટે કેટલાક સમાજોએ વિવિધ પ્રસંગોમાં ખોટા ખર્ચા બંધ કરવા માટે જે મોહિમ ઉપાડી છે તે ખરેખર આવકારદાયી છે. અમદાવાદ જશોદાનગરમાં સમસ્ત ભરવાડ સમાજની મીટીંગમાં રૂઢિચુસ્ત નિયમોને તિલાંજલી આપી સમાજનો વિકાસ કરતુ બંધારણ બનાવવામાં આવ્યુ. જેમાં લગ્ન, સિમંત, મામેરૂ, મરણ, જન્મદિવસની ઉજવણી વિગેરે પ્રસંગો માટે એક બંધારણ તૈયાર કરવામાં આવ્યુ. જેમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા ન થાય તે માટે કડક નિયમો બનાવવામાં આવ્યા અને નિયમોનો ભંગ કરનારને રૂા.૧૧ લાખ દંડ ફટકારવાનુ સર્વામુતે નક્કી કરવામાં આવ્યુ. એવીજ રીતે ઉત્તર ગુજરાતના રબારી સમાજે પણ પ્રસંગો પાછળ થતા ખર્ચા અટકાવવા માટે સમાજની જંગી મેદની વચ્ચે નવુ બંધારણ બનાવ્યુ. ડીસા તાલુકના સમશેરપુરા ગામમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ જિલ્લા રબારી સમાજના આગેવાનોની હાજરીમાં સમાજમાં કુરિવાજોને તિલાંજલી આપતા શિક્ષણનો વ્યાપ વધારતા અને સમાજનો ઉધ્ધાર કરે તેવા નિર્ણયો લેવામાં આવ્યા. જન્મ પ્રસંગ, સગાઈ, લગ્ન, મામેરૂ અને મોસાળુ, આણું, છુટાછેડા, સમુહલગ્ન, વ્યસન, મરણ વિગેરે બાબતે નિયમો ઘડવામાં આવ્યા. એવા નિયમો બનાવવામાં આવ્યા છેકે, આ રબારી સમાજના પરિવારો પ્રસંગ પાછળ થતા ખર્ચમંથી મુક્ત થશે અને સામાજીક ક્રાંતિનુ પરિવર્તન લાવશે. આ સમાજમાં સગાઈ અને લગ્ન પ્રસંગમાં ૧૦ થી ૧૫ તોલા ઉપરાંત્તના દાગીના આપવામાં આવતા હતા તેની જગ્યાએ ફક્ત ચાર તોલા સોનુ આપવાનો નિર્ણય કરતા દાગીના આપવા પાછળનુ ભારણ ઓછુ થશે. આતો ફક્ત બેજ સમાજના દાખલા આપવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતમાં એવા ઘણા સમજ છે જેમણે પ્રસંગો પાછળ ખોટા ખર્ચા ન થાય તેવા નિયમો ઘડીને સામાજીક ક્રાંતિનો શંખ ફૂક્યો છે. કોઈ સમાજ એવો નથી કે જે સમાજમાં સામાન્ય-મધ્યમ વર્ગના પરિવાર નહી હોય તેમ છતાં હજુ પણ મોટાભાગના સમાજ એવા છેકે જેઓ પ્રસંગો પાછળ થતો ખર્ચ ઘટાડવા બંધારણ તૈયાર કરી શક્યા નથી. સામાજીક પ્રસંગોમાં ખોટા રિવાજ અને ખર્ચાથી હજુ પણ અનેક પરિવારો પરેશાન છે. પહેલા બે ત્રણ દિવસના લગ્ન પ્રસંગ થતા હતા. અત્યારે દેખાદેખીમાં પાંચ થી સાત દિવસનો લગ્ન પ્રસંગ ઉજવી રૂપિયાનો ધુમાડો કરે છે. મોંઘવારી અને અન્ય પડકારો વચ્ચે પ્રસંગ ઉજવતા પરિવાર દેવાના ડુંગર તળે આવી જાય છે. સમાજની વચ્ચે રહેલા અને સામાજીક સબંધોમાં બંધાયેલ દરેક વ્યક્તિ અનુકરણ કરી જીવવા માગે છે. બીજા કરે એટલે આપણે પણ કરવુ પડે તેવા દેખાવમાં ઢસડાઈને પ્રસંગ પાછળ ન કરવાનો ખર્ચ કરતા આર્થિક પ્રગતિ અટકી જાય છે. સારુ અને ગુણવત્તાયુક્ત જીવન એજ જીવી શકે છે જે દેખાદેખીમાં નહી પરંતુ પોતાની પરિસ્થિતિ પ્રમાણે વ્યવહાર કરે છે. પ્રસંગોના ભપકા પાછળની ખુશી અલ્પ સમય માટે હોય છે. દેખાદેખી નહી રાખી પરિસ્થિતિ પ્રમાણે જે ખર્ચ કરે છે તેજ લાંબા ગાળાની ખુશી મેળવી શકે છે. ભવિષ્યનો વિચાર કરીને જે વર્તમાનમાં ખર્ચ કરવો એજ સાચી સમજદારી છે. દિર્ઘદ્રષ્ટી ધરાવતા સમાજના આગેવાનો અત્યારે એટલા માટે ચિંતિત છે કે, જો પ્રસંગો પાછળ થતા ખર્ચમાં અંકુશ મુકવામાં નહી આવે તો આવનાર સમયમાં પરિવારોની શું અવદશા થશે તે જાણે છે. હજુ પણ એવા સમાજો છેકે જે પ્રસંગો પાછળ થતા ખોટા ખર્ચ અટકાવવા સંમેલન કરી શકતા નથી કે કરી શક્યા નથી. આવા સમાજના પરિવારોએ ભરવાડ સમાજ, રબારી સમાજ કે અન્ય સમાજ દ્વારા પ્રસંગોમાં ખોટા ખર્ચા અટકાવવા જે બંધારણ તૈયાર કર્યા છે તેનુ પરિવારના કલ્યાણ માટે પાલન કરવુ જોઈએ. જેમણે દેખાદેખી રાખી પ્રસંગો કર્યા છે તેમણે છેવટે પસ્તાવાનો વારો આવે છે.