શિક્ષકોના સન્માનને ઠેસ પહોચે તેવી રખડતા શ્વાન ગણવાની કામગીરી ગુજરાતની ભાજપ સરકાર સરકારી શાળાઓના શિક્ષણનુ સ્તર તળીયે બેસાડીને જપશે
તંત્રી સ્થાનેથી…
વિનાશકાળે વિપરિત બુધ્ધિ આ કહેવતને ગુજરાતની ભાજપ સરકાર સાબીત કરી રહી હોય તેવા નિર્ણયો લઈ રહી છે. છેલ્લા ૩૦ વર્ષથી એકધારી સત્તાના કારણે ભાજપના શાસનમાં એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છેકે જેના કારણે ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પ્રજાના સામાન્ય કામ પૈસા વગર થતા નથી. સરકારના ધારાસભ્યોજ અધિકારીઓ ગણકારતા નહી હોવાનો રોષ વ્યક્ત કરતા હોય તો પછી સામાન્ય પ્રજાનુ તો કંઈ રીતે ગણકારતા હશે? ગુજરાતમાં આમ આદમી પાર્ટીને તો ઉગતીજ ડામી દેવામાં આવી અને કોંગ્રેસને મતદારો સ્વિકારતા નથી. ગુજરાતમાં બીજો કોઈ વિકલ્પ નહી હોવાનુ ભાજપ સારી રીતે સમજે છે. આવી સ્થિતિમાં કોઈ નિર્ણય લેતા પહેલા તેની લોકમાનસ ઉપર શું અસર થશે તેનો કોઈ ખ્યાલ રાખવામાં આવતો નથી. કોઈ વિભાગનો નિર્ણય સારો હોય તો સરકાર તેનો જશ ખાટવા તૈયાર થઈ જાય છે અને નિર્ણય ખોટો હોય તો વિભાગને દોષ આપવામાં આવે છે. અત્યારે વાત છે ગુજરાતના શિક્ષણ વિભાગની. નવુ શૈક્ષણિક સત્ર ચાલુ થવાનુ હોય ત્યારે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો કરવામાં આવે છે. ભાજપના નેતાઓ સરકારી શાળામાં જઈને બાળકોને શૈક્ષણિક પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો કરે છે. જોકે આ લાગણી ફક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ પુરતી હોય છે. બાકી આખુ વર્ષ બાળકો કેવી પરિસ્થિતિમાં અભ્યાસ કરે છે, બાળકોને શું ભણાવવામાં આવે છે તે જોવાની પછી કોઈ તસ્દી લેવામાં આવતી નથી. સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોની દેખરેખ રાખવાની વાત તો એક બાજુ રહી પરંતુ કોઈ નિર્ણય લેતા પહેલા બાળકોના અભ્યાસમાં ખલેલ પડશે કે નહી તેનો પણ વિચાર કરવામાં આવતો નથી. બાળકોના શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતાના કારણે ભાજપ સરકારમાં શિક્ષણનુ સ્તર ધીમે ધીમે નીચે ઉતરતુ જાય છે. ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ‘પરખ’ રાષ્ટ્રીય સર્વેક્ષણ ૨૦૨૪ ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં શિક્ષણનુ સ્તર તળીયે બેસી ગયુ છે. ૧૯૯૦-૯૫ કોંગ્રેસની સત્તાના સમયે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે દેશમાં ૯ થી ૧૧ મા ક્રમાંકે હતુ. સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ ટોપ ટેન પરફોર્મિંગ કરનારની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. આ સર્વેક્ષણમાં ગુજરાતનો સમાવેશ ઓછુ પ્રદર્શન કરનારા દશ રાજ્યોની યાદીમાં થયો છે. ત્યારે શિક્ષણનું સ્તર સુધારવાની જગ્યાએ શિક્ષણનું સ્તર વધારે નીચે ઉતરે તેવા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં રખડતા કૂતરાનો સર્વે કરવાની કામગીરી હવે શિક્ષકોને સોપવાનો પરિપત્ર કમિશ્નર ઓફ સ્કુલની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, દવાખાના, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન વિગેરે વિસ્તારોમાં કૂતરાને શોધી તેનો સર્વે કરી રિપોર્ટ મોકલી આપવાની શિક્ષકોને જવાબદારી સોપવામાં આવતા શિક્ષકો ઉપરાંત્ત શિક્ષણપ્રેમી લોકોમાં ભારે વિરોધ થયો છે. પરીક્ષાનો સમય નજીક આવી ગયો છે ત્યારે શિક્ષકો બાળકોને તૈયારી કરાવે કે શિક્ષણ વિભાગની કમિશ્નર ઓફ કચેરીના આદેશ મુજબ રખડતા કૂતરા ગણવા જાય. અગાઉ તલાટીઓને રખડતા કૂતરાનો સર્વે કરવા જવાબદારી આપતો પરિપત્ર કરવામાં આવ્યો હતો. ગુજરાત તલાટી મંડળના સખત વિરોધથી આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હતો. શિક્ષકોને રખડતા કૂતરાનો સર્વે કરવાના પરિપત્રનો ભારે વિરોધ થયો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા સંચાલક મંડળે પરિપત્રનો વિરોધ કરી તાત્કાલીક પરિપત્ર રદ કરવાની માગણી કરી છે. ચુંટણી પંચના આદેશ પ્રમાણે ‘સર’ના ફોર્મનું ઘેર ઘેર વિતરણ, ફોર્મ કલેક્ટ કરવાના અને ડિઝીટલાઈઝેશન કરવાની કામગીરીમાંથી શિક્ષકો હમણાંજ મુક્ત થયા, ત્યાં કૂતરા ગણવાની જવાબદારી આપતો પરિપત્ર કરાયો. સરકારના માથે કંઈ પણ નવુ કામ કરવાનુ આવે એટલે શિક્ષકોના માથે જવાબદારી થોપી બેસાડવામાં આવે છે. શૈક્ષણિક ગુણવતતામાં ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતા ઘણુ પાછળ હોવા છતા શિક્ષકોને ભણાવવા સીવાયની બીનશૈક્ષણિક કામગીરી સોપવામાં આવે છે. ચુંટણીમાં મતદાન તથા મતગણતરીની કામગીરી સીવાય બીએલઓ તેમજ સુપરવાઈઝરની કામગીરી, અપાર આઈડી બનાવવુ, ખેલ મકાકુંભની એન્ટ્રી, શિષ્યવૃત્તિની ડિજિટલ ગુજરાત અંતર્ગત કામગીરી, ઈમેલ પાઠશાલા, ખેલો ઈન્ડીયામાં રજીસ્ટ્રેશન, હર ઘર તિરંગા કાર્યક્રમ, જાતિ પ્રમાણપત્રો કાઢવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી આપવા, યોગ દિવસની ઉજવણી, નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી, સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી, શાળા બહારના બાળકોનો સર્વે કરવો, તીડ ભગાડવા, ભૂંડ ભગાડવા, પંચર સાધતા શીખવવા, શૌચાલય ગણવા, સભામાં ભીડ ભેગી કરવી, સસ્તા અનાજની દુકાને લાઈન કરવી જેવી ૬૦ થી વધુ બીનશૈક્ષણિક કામગીરી સોંપવામાં આવે છે. વસતી ગણતરીની કામગીરી પણ સરકારી શાળાના શિક્ષકોને સોપવામાં આવશે. શિક્ષકોને જો શિક્ષણ સીવાયની કામગીરીની જવાબદારી આપવામાં આવશે તો ગુજરાતમાં શિક્ષણનું સ્તર ક્યારેય સુધરવાનુ નથી. આવા નિર્ણયો લઈને ભાજપ સરકાર ગુજરાતમાં શિક્ષણનુ સ્તર તળીયે બેસાડીને જપશે.