ખેરાલુ-વડનગરમાં ધરોઈનુ પાણી અનિયમિત મળતા લોકો પરેશાન
ખેરાલુ શહેરમાં ધરોઈનુ પાણી અનિયમિત આવતા વડનગર અને ખેરાલુ શહેરના લોકો વારંવાર પરેશાન થાય છે. અગાઉ સરકાર દ્વારા ખેરાલુ-વડનગર-વિસનગર માટે ધરોઈની નવી એક્ષપ્રેસ લાઈન નાંખવા સર્વે કરી પ્લાન એસ્ટીમેટ બનાવ્યા હતા. પરંતુ વિસનગરને નર્મદા નુ પાણી મળતા આ પ્રોજેક્ટને અભરાઈએ ચડાવી દીધો છે.
વડનગર- ખેરાલુ શહેર માટે નવી સ્પેશ્યલ લાઈન નાંખવા માટે પાલિકા ઉપપ્રમુખ ગીતાબેન વિક્રમભાઈ ચૌધરીએ પ્રચાર સાપ્તાહિકના માધ્યમથી સરકાર સમક્ષ માંગણી કરી છે. ખેરાલુ અને વડનગર શહેર બક્ષીપંચ સમાજના લોકોના શહેર તરીકે ઓળખાય છે. મોટાભાગના લોકો ગરીબ અને મધ્યમ વર્ગના છે. સરકાર દ્વારા બક્ષીપંચ સમાજના લોકોની તકલીફ ધ્યાને રાખી તાત્કાલીક બન્ને શહેરોને ધરોઈથી સીધુ પાણી મળે તેવી એક્ષપ્રેસ લાઈન નાંખવી જોઈએ.
ધરોઈની રપ-૩૦ વર્ષ જુની લાઈનના કારણે વારંવાર પાણીની લાઈનો તુટે છે
વડનગર- ખેરાલુ શહેર માટે નવી પાણીની પાઈપલાઈન નાંખવા ખેરાલુ પાલિકા ઉપપ્રમુખની માંગણી
અઠવાડીયા અગાઉ વડનગર જતી પાઈપ લાઈનમા ભંગાણ સર્જાતા બે દિવસ પાણી બંધ રહ્યુ હતુ. ત્યારબાદ ખેરાલુના સાંઈબાબા મંદિર પાછળ જતો બાયપાસ રોડ નજીક નેશનલ હાઈવે પાસે પાઈપ લાઈન લીકેજ થતા ખેરાલુ શહેરમા પાણી બે દિવસથી બંધ કરવામા આવ્યુ છે. ખેરાલુ શહેરમા છાસવારે પાણીની સમસ્યા સર્જાતા લોકો પારાવાર પરેશાન થઈ ગયા છે. ખેરાલુ શહેરના તમામ સંપ ભરીને તેનો યોગ્ય ઉપયોગ થાય તો ધરોઈનુ પાણી બે દિવસ ન આવે તો પણ ચાલે તેવી વ્યવસ્થા થઈ શકે તેમ છે. પરંતુ ભાજપના ભાગલાને કારણે નગરપાલિકામાં યોગ્ય રીતે કામગીરી કરાતી નથી. તેવા આક્ષેપોનો જવાબ આપતા પાલિકા ઉપપ્રમુખ ગીતાબેન વિક્રભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે લોકો ખોટા આક્ષેપો કરે છે. તમામ સમ્પ યોગ્ય રીતે ભરવામા આવે છે. ધરોઈના પાણીની અનિયમિતતા સમયે બોરનુ પાણી આપવામા આવે છે પરંતુ બોરના પાણીમા ટીડીએસ વધારે આવતા હોવાથી બોરના પાણીનો વપરાશ શક્ય હોય તેટલો ઓછો કરવામા આવે છે. બોરના પાણીમા ફલોરાઈડ વધુ હોવાથી લોકોના આરોગ્ય માટે યોગ્ય નથી જેથી સરકારે યુધ્ધના ધોરણે ખેરાલુ અને વડનગર માટે નવી પાઈપ લાઈન મંજુર કરવી જોઈએ. ધરોઈની પાઈપ લાઈન ડેમેજ થતા બાયપાસ રોડ પણ તુટી ગયો છે. લાઈન રીપેરીંગ થયા પછી આ રોડ પણ પૂર્વ વ્રત ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામા આવશે.