Select Page

ગરીબજનોનો જઠરાગ્નિ જાગશે તો બંગલા બળીને ખાખ થઈ જાશે

ગરીબજનોનો જઠરાગ્નિ જાગશે તો બંગલા બળીને ખાખ થઈ જાશે

તંત્રી સ્થાનેથી

કોરોનાની છેલ્લી બે લહેરો તથા છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહેલી અસહ્ય મોંઘવારીએ ભારત દેશમાં સામાજીક સ્તરે અસમાનતા ઊભી કરી છે. સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. મધ્યમ વર્ગ લુપ્ત થઈ ગરીબ બનતો જાય છે. ઉચ્ચ મધ્યમ વર્ગ પૈસાદાર બની રહ્યો છે. પૈસાદાર સમાજ વધુને વધુ પૈસાદાર બની રહ્યો છે તેવું ભવિષ્ય ભાખી વર્ષો પહેલાં કવિ ઉમાશંકર જોષીએ એક પંક્તિ લખી હતી કે, “ભુખ્યા જનના જઠરાગ્નિ જાગશે, ખંડેર તણી ભષ્મ કણી લાંધશે.”(બંગલા બળીને ખાખ થઈ જશે.) કવિએ કહેલી આ પંક્તિમાં એવો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છેકે દરેક વ્યક્તિને જીવન નિર્વાહ ચલાવવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. ધનિક પાસે લખલૂટ પૈસા અને ગરીબ પાસે ખાવાના ફાંફા હોય તેવી પરિસ્થિતિ લાંબા સમય ચાલી શકતી નથી. આ માટે સરકારે ધનિકો પાસેથી વધુ ટેક્સ વસુલ કરી જરૂરીયાતમંદોને જીવન જરૂરીયાતની વસ્તુઓ પૂરી કરવી જોઈએ. કોરોના મહામારી દરમ્યાન દેશમાં ગરીબોને ખાવાના ફાંફા પડી ગયા હતા. તો બીજી તરફ દેશમાં કોરોના કાળ દરમ્યાન અમીરોની સંખ્યા વધી ગઈ હતી. બિન સરકારી સંગઠન ઓકસફેમ ઈન્ડીયાના એક અહેવાલ મુજબ ૨૦૨૧ માં ભારતમાં અબજોપતિની સંખ્યા ૧૦૨ થી વધી ૧૪૨ થઈ ગઈ એટલે વધારો ૩૯ ટકા થયો. આ આંકડો ભારત દેશમાં અમીરો અને ગરીબો વચ્ચે વધી રહેલી અસમતુલા બતાવી રહ્યો છે. વર્લ્ડ ઈકોનોમી ફોરમ દ્વારા ૨૦૨૨ ના જાહેર કરાયેલ સરવે અનુસાર કોરોના કાળમાં ભારતીય અબજોપતિની કુલ સંપત્તિ બમણી થઈ ગઈ છે. તેમની અમીરીનો અંદાઝ એ વાતથી જાણી શકાય કે ટોપના ૧૦ અમીરો પાસે એટલી દોલત છેકે તેઓ દેશની તમામ શાળાઓ અને કોલેજો આગામી ૨૫ વર્ષ સુધી ચલાવી શકાય, દેશના સૌથી અમીર ૧૦ ટકા લોકો પાસે દેશની ૪૫ ટકા સંપત્તિ છે. જ્યારે દેશની ૫૦ ટકા વસ્તીમાં એટલી બધી ગરીબી છેકે તેમની પાસે દેશની માત્ર ૬ ટકા જ દોલત છે. દેશના ૯૮ અમીર પરિવારો પર એક ટકો વધારાનો ટેક્સ લગાવવામાં આવે તો એ પૈસાથી દેશની આયુષ્યમાન ભારત યોજનાને આગામી સાત વર્ષ સુધી ચલાવી શકાય. અન્ય સરવે પ્રમાણે દેશના ૫૫ ટકા ગરીબો પાસે જેટલી દોલત છે તેટલી દોલત દેશના માત્ર ૯૮ અમીરો પાસે છે. દેશના ૧૪૨ અબજોપતિઓની કુલ સંપત્તિ રૂપિયા ૫૩ લાખ કરોડ જે ૯૮ અમીરો પાસે છે. તેમની કુલ સંપત્તિ ભારત સરકારના ટોટલ બજેટના લગભગ ૪૧ ટકા થાય છે. જો ભારતના ઉચ્ચ ૧૦ અમીરો રોજના એક મીલીયન ડોલર એટલે કે સાત કરોડ રૂપિયા ખર્ચ કરે તો એમની સંપત્તિ ૮૪ વર્ષ સુધી ચાલે. દેશના અમીરો ઉપર વેલ્થ ટેક્સ લગાવાય તો ૫.૮ લાખ કરોડ રૂપિયા એકત્ર કરી શકાય. આ પૈસાથી સરકારનું હેલ્થ બજેટ ૨૭૧ ટકા વધી શકે છે. આ સરવે બતાવી આપે છેકે દેશમાં અમીરો અને ગરીબો વચ્ચે નાણાં બાબતે કેટલી અસમતુલા છે. આ ભેદ તૂટે એવી તંત્ર દ્વારા કાર્યવાહી નહિ કરાય, જો સરકાર નહિ સમજે તો દેશની પરિસ્થિતિ ખરાબ થશે તે ચોક્કસ વાત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us