વિદ્યાર્થીઓ અને વાલીઓ વિશેષ કાળજી રાખશે તો બોર્ડની પરીક્ષામાં સારૂ પરિણામ મળશે
ઘણી બાબતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે છતાં
તંત્રી સ્થાનેથી…
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આગામી ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને જે ૧૬ માર્ચે પુરી થશે. આ વર્ષે ધો.૧૦ માં ૮,૯૧,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૧,૦૦૦ તેમજ સામાન્ય પ્રવાહમાં ૪,૨૪,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને લેખિત પરીક્ષાના આડે થોડા દિવસોજ બાકી છે. પોતાની કારકિર્દિ માટેની આ પરીક્ષા વિદ્યાર્થીઓના મતે યુધ્ધથી ઓછી હોતી નથી. વિદ્યાર્થીઓ પણ જાણતા હોય છેકે પરીક્ષા બાદના પરિણામનુ મૂલ્ય કેટલુ હોય છે, જેથી બોર્ડની પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓની મનસિકતા ઉપર ઘણી અસર કરે છે. માતા-પિતા ઉપરાંત્ત સગા સબંધીઓ, અડોશી-પડોશી દરેક વ્યક્તિ કેટલા ટકા આવશે તેની ચર્ચા કરતા હોય છે. વધારે માર્કસની અપેક્ષા રાખતી ચર્ચાઓ વિદ્યાર્થીઓના માથા ઉપર બોજ બનતી હોવાથી તેમજ આવા માહોલમાં તણાવ, ગભરાટ અને ચિંતા પરિણામ ઉપર વિપરીત અસર કરતી હોવાથી પરીક્ષા આપતા બાળકોના દેખતા ચર્ચા ન કરવી વધારે હિતાવહ છે. પરીક્ષાના દિવસો દરમ્યાન ઘરમાં શાંતિ જળવાય તે ખુબજ જરૂરી છે. બોર્ડની પરીક્ષા આપવાના છે તે બાળકોની માનસિક શાંતિ ડિસ્ટર્બ ન થાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. પરિવારમાં નાની મોટી ઘટના બને તો પરીક્ષા આપતા બાળકને તેનાથી દૂર રાખવો જોઈએ. પરીક્ષા દરમ્યાન બાળક સાથે ઉગ્રતાથી વાત પણ કરવી જોઈએ નહી. પરીક્ષા દરમ્યાન ઘરમાં હકારાત્મક સારૂ વાતાવરણ જાળવી બાળક ખુશ મિજાજ રહેશે તો સારી તૈયારી કરી શકશે. પરીક્ષા આપતા વિદ્યાર્થીની આસપાસ રહેતા લોકોએ પણ ખાસ કાળજી રાખવાની છે કે બાળકને અભ્યાસમાં ખલેલ ન પહોચે તેવુ વાતાવરણ પૂરુ પાડવાની આપણા સૌની જવાબદારી છે. બોર્ડની પરીક્ષા અંતર્ગત વિદ્યાર્થી સાથે વાલી પણ ચિંતા અનુભવે તે સ્વાભાવિક બાબત છે. બાળક પરીક્ષાના કારણે ગંભીર હોય અને વાંચવાની તૈયારી કરતુ હોય ત્યારે તેના શરીરમાં પાણીની ખેચ પડે છે. જેથી બાળકને પ્રવાહી માટે પાણી, છાસ, જ્યુસ, ફ્રૂટ વિગેરે આપવાથી તેનો સ્ટેમીના જળવાઈ રહેશે. પરીક્ષા દરમ્યાન હેલ્ધી ડાયટનુ ધ્યાન રાખવુ પણ એટલુજ જરૂરી છે. આ સમયે આહારમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામીન્સ, મિનરલ્સનો સમાવેશ કરતો આહાર લેવો જોઈએ. પરીક્ષાના દિવસો દરમ્યાન રોટલી, લીલા શાકભાજી, કઠોળ, ભાત, દહી, છાસ, સલાડ ખાવા જોઈએ. પરીક્ષા દરમ્યાન રોજીંદા ખાવાની દિનચર્યામાં ફેરફાર કરવો સહેજ પણ હિતાવહ નથી. બોર્ડની પરીક્ષાના આડે હવે ૧૦ દિવસજ બાકી હોવાથી બાળકોને લગ્ન પ્રસંગમાં, કોઈ મેળાવડા કે સામાજીક પ્રસંગોમાં સામેલ કરવા જોઈએ નહી. જેનાથી બાળકની એકાગ્રતા તૂટે છે અને ભારે ભોજનના કારણે ઘણી વખત તબીયત બગડવાનો પણ ભય રહે છે. પરીક્ષાની તૈયારીના દિવસોમાં તથા પરીક્ષા દરમ્યાન જંકફૂડ કે ફાસ્ટફૂડથી દૂર રહેવુ જોઈએ. પરીક્ષા દરમ્યાન દરેક દિવસ અને દરેક કલાક મહત્વના હોય છે. બહારનો ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય બગડે છે અને તેની સીધી અસર પરિણામ ઉપર થતી હોય છે. બાળકને પરીક્ષાની તૈયારી કરવા વાંચનની જે ટેવ પડી છે તે આદત મુજબજ મહેનત કરવા સહકાર આપવો જોઈએ. રાત્રે મોડા સુધી વાંચવાની ટેવ હોય તો તેને બદલવા પ્રયત્ન કરવો જોઈએ નહી. પરીક્ષાના દિવસોમાં બાળક પુરતા પ્રમાણમાં ઉંઘ લે તેની પણ ખાસ કાળજી લેવી જોઈએ. પુરતી ઉંઘ લેવામાં ન આવે તો માનસિક અસ્વસ્થ રહેવાથી કે બીમાર પડવાથી પરિણામ ઉપર અસર થતી હોય છે. પરીક્ષા આપતા વિદ્યાર્થી માનસિક તણાવમાં ન આવે તે માટે શિક્ષણ વિભાગ પણ સમયાંત્તરે પરીક્ષા કાર્યક્રમની પેટર્નમા ફેરફાર કરતો આવ્યો છે. વર્ષો પહેલા બોર્ડની પરીક્ષામાં એકજ દિવસમાં બે પેપર લેવામાં આવતા હતા. ત્યારબાદ દરરોજ એક પેપર લેવામાં આવતુ હતુ. હવે તો દરેક પેપર વચ્ચે એક રજા રાખી રિવિઝન માટે પૂરતો સમય મળી રહે અને વિદ્યાર્થી માનસિક દબાણમાં ન આવે તેનુ ધ્યાન રાખવામાં આવે છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ ખાસ એ સમજવાનુ છેકે તમે જે પરીક્ષા આપો છો તેના પ્રશ્નો વિષયના સિલેબશ પ્રમાણેના હોય છે. જ્યારે વ્યવસાયીક અને સંસારીક જીવનમાં ઘણા પ્રશ્નો સિલેબશ બહારના આવશે, જે તમારી આવડત અને અનુભવ આધારેજ સોલ્વ કરી શકશો. જેથી અત્યારના પરીક્ષાના સમયે તણાવમાં રહેશો તો પાછળના જીવનમાં પણ તણાવ અનુભવશો. જેથી મન શાંત રાખી એકાગ્રતાથીજ પરીક્ષા આપવી જોઈએ. આખુ વર્ષ તૈયારી કરતા બાળકો છેલ્લા સમયે તણાવમાં આવી જતા હોવાથી જે યાદ હોય તે પણ ભુલી જતા હોય છે. પૂરા આત્મવિશ્વાસ, સંયમ અને ધૈર્ય રાખીને પરીક્ષા આપશો તો ઉત્તમ પરિણામ મેળવી શકાશે. પરીક્ષાનો ખોટો હાઉ અને તણાવના કારણે કરેલી તૈયારીઓ ઉપર ખરાબ અસર પડે છે. પરીક્ષાના દિવસોમાં કોઈપણ પ્રકારના તણાવને હાવી થવા ન દેવો તે ખુબજ મહત્વપૂર્ણ બાબત છે. તણાવ દૂર કરવા અને માનસિક સ્વસ્થ રહેવા થોડો સમય ધ્યાન કરી શકાય, રમતો રમી શકાય, મનોરંજન માણી શકાય અને સંગીત પણ સાંભળી શકાય. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ એ બાબતનુ ખાસ ધ્યાન રાખવુ કે પરીક્ષા આપ્યા બાદ પેપર સોલ્યુશન કરવાનુ ટાળવુ જોઈએ. પેપર સોલ્યુશન કરવાથી મુંજવણ ઉભી થતી હોવાથી તેના કારણે બાકી વિષયોના પેપર ઉપર તેની અસરો થતી હોય છે. આત્મવિશ્વાસ, સંયમ અને ધૈર્યથી વર્તશો તો જીવનની તમામ પરીક્ષાઓમાં સફળતા મળશે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક…