એક દિવસની કોમન પ્રવેશ પરીક્ષા માટે જો જાહેરનામુ પ્રસિધ્ધ કરાતુ હોય તો બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે તેનાથી વિશેષ કંઈ વિચારવાનુ ન હોય
તંત્રી સ્થાનેથી…
૩૧ મી જાન્યુઆરીના રોજ કોમન પ્રવેશ પરીક્ષા યોજાઈ. તેમાં વિદ્યાર્થીઓ, પરીક્ષા કામગીરીમાં જોડાયેલા લોકો તેમજ પરીક્ષા સ્થળની આજુબાજુ ૩૦૦ મીટરના વિસ્તારને લગતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ. હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ ગુનો દાખલ કરવા માટેની પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામામાં સૂચના આપવામાં આવી. આ પરીક્ષા ફક્ત એક દિવસની અને તે પણ અઢી કલાકની હતી. તેમ છતાં વિદ્યાર્થીઓની કારકીર્દીની ગંભીરતા ધ્યાને રાખવામાં આવી. સરકાર આવી ગંભીરતા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે દાખવતી નથી. તા.૨૬-૨ થી ૧૬-૩-૨૬ સુધી બોર્ડની પરીક્ષા યોજાવાની છે. જેમાં ધો.૧૦ અને ધો.૧૨ ના લાખ્ખો વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પરીક્ષા આપશે. ગુજરાત શિક્ષણ બોર્ડના આંકડા પ્રમાણે જોવા જઈએ તો રાજ્યનુ કોઈ શહેર, કોઈ ગામ કે વિસ્તાર બાકી નહી હોય જ્યાંથી વિદ્યાર્થી પરીક્ષા આપતા નહી હોય. ધો.૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવતાની સાથેજ આ વર્ષે બોર્ડની પરીક્ષા છે તેવી માનસિકતા સાથેજ વિદ્યાર્થીઓ શરૂઆતથીજ તૈયારી કરતા હોય છે. બોર્ડની આ પરીક્ષા બાદ આગળ ઉચ્ચ અભ્યાસ માટે એડમીશન મળતા હોવાથી મેરીટમાં આવે અને સરકારની કે સારી ખાનગી સંસ્થામાં એડમીશન મળે તેવી વિદ્યાર્થીઓની એક તમન્ના હોય છે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષની શરૂઆતથી તૈયારીઓ કરતા હોવા છતા વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી પરીક્ષાના આગળના દિવસ સુધી રિવિઝનનુ મહત્વ આપતા હોય છે. આમ બોર્ડની પરીક્ષા પહેલાનો આ સમય વિદ્યાર્થીઓ માટે ખુબજ મહત્વનો છે. અભ્યાસમાં ખલેલ ન પહોચે તેના માટે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ એટલુજ ધ્યાન રાખતા હોય છે, આપણા શૈક્ષણિક સત્રનુ સમય પત્રકજ એવુ છેકે દર વર્ષે લગ્ન અને ધાર્મિક પ્રસંગો સમયેજ બોર્ડની પરીક્ષા આવે છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ માટે પુરતી કાળજી રાખવાના સમયે પ્રસંગોમાં દિવસે અને ખાસ કરીને રાત્રે અને એ પણ મોડી રાત સુધી મોટા અવાજે વાગતા ડીજે સ્પીકરોથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં કેટલી મુશ્કેલી ઉભી થતી હશે તે કોઈ વિચારતુ નથી. સુપ્રીમ કોર્ટે ધ્વનિ નિયંત્રણ કરવા માટે આપેલા આદેશમાં શાંત વિસ્તારમાં ૫૦ ડેસીબલ, રહેણાંક વિસ્તારમાં ૫૫ ડેસીબલ તથા વાણિજ્ય વિસ્તારમાં ૬૫ ડેસીબલની મહત્તમ માત્રા નક્કી કરવામાં આવી છે. જ્યારે પ્રસંગોમાં ૮૦ થી ૧૦૦ ડેસીબલના અવાજ પેદા કરતા સ્પીકરોનો ઉપયોગ થાય છે. સ્પીકરો વગાડવાનો કાયદેસરનો નિયમ રાત્રે ૧૦-૦૦ કલાક સુધીનો હોય છે. રાત્રે ૧૦-૦૦ થી સવારે ૬-૦૦ કલાક દરમ્યાન સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ છે. ડીજેના મોટા અવાજના કારણે વોઈસ પોલ્યુશન વધવાથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આ મુદ્દો ચમકતા સર્વોચ્ચ ન્યાયાલયના આદેશથી ગુજરાત સરકાર દ્વારા ડેસીબલનુ ચોક્કસ માપદંડ બતાવતુ સાધન વોઈસ ડીટેક્ટર દરેક પોલીસ સ્ટેશનોમાં આપવામાં આવ્યુ છે. પરંતુ વોઈસ ડીટેક્ટરથી ડેસીબલની માત્રા જાણી હજુ સુધી કોઈ પોલીસ કેસ કરવામાં આવ્યા હોય કે ડીજેના સાધનો જપ્ત કરવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ નથી. એવુ ઘણી વખત બન્યુ છે કે, નવરાત્રી જેવા તહેવારોમાં નિયત સમય સુધી સ્પીકર વગાડવાના આદેશ થયા છે. હિન્દુ ધર્મમાં આ મહત્વનો તહેવાર હોવાથી આવા આદેશોના હોબાળા પણ થયા છે. તેમ છતાં સરકાર દ્વાર સ્પીકર વગાડવાના નિયત સમયના પરિપત્રો કરવામાં આવ્યા છે. તહેવાર તો દર વર્ષે આવે છે જ્યારે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થી કાળમાં એકજ વખત આવે છે. સરકારની સૂચનાથી એક દિવસની એ પણ અઢી કલાકની પરીક્ષા માટે જે વહિવટી તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવતુ હોય તો બોર્ડની પરીક્ષાને લક્ષમાં રાખી મોટા અવાજે વાગતા સ્પીકરો ઉપર પ્રતિબંધ મુકતુ કેમ કોઈ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવતુ નથી. બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ અત્યારે રિવિઝન કરતા હોય છે. જેમને ધ્વનિ પ્રદુષણ કરતા સ્પીકરો અભ્યાસમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. પરીક્ષા શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓ મોડી રાત સુધી અને વહેલી સવારે ઉઠીને તૈયારીઓ કરતા હોય છે. આખુ વર્ષે ભલે અભ્યાસ કર્યો હોય અને તૈયારી કરી હોય, પરંતુ સ્પીકરોના અવાજના ઘોંઘાટમાં જો રિવિઝન ન થાય તો વિદ્યાર્થીઓ તણાવમાં આવી જતા હોય છે. જેની અસર બાકીના વિષયોની પરીક્ષા ઉપર પણ થતી હોય છે. અત્યારે મોડી રાત સુધી લગ્ન અને ધાર્મિક કાર્યક્રમોના સ્પીકર વાગે છે. જ્યારે વહેલી સવારે મંદિર અને મસ્જીદોના સ્પીકર વાગે છે. લોકોની શાંતિમાં ખલેલ પહોંચે એવો કોઈ ધર્મ ન હોય. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ પોતે એક સંત હોવા છતા ધ્વની પ્રદુષણનુ ધ્યાન રાખીને તેમના રાજ્યમાં ધાર્મિક સ્થળો ઉપર વાગતા સ્પીકરો ઉતરાવ્યા છે. ત્યારે ગુજરાત સરકાર બોર્ડની પરીક્ષાના સમય દરમ્યાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચાડતા મોટા અવાજે વાગતા સ્પીકરો ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પાડવા દરેક જિલ્લાના કલેક્ટરોને સૂચન કરવુ જોઈએ. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ ન પહોંચે તેનાથી વિશેષ કંઈ વિચાર કરવાનો ન હોય.