Select Page

ભાજપ ગૌરવપથના ઝડપી વિકાસમાં ઢીલુ પડ્યુ

ભાજપ ગૌરવપથના ઝડપી વિકાસમાં ઢીલુ પડ્યુ

પ્રમુખના નામની તક્તિ લગાવો તો ઝડપી કામ થશે

જ્યા લોકોની અવરજવર વધારે હોય, વાહન ચાલકોનો ઘસારો હોય અને બજાર વિસ્તાર હોય ત્યા વિકાસ કામ ઝડપી થવુ જોઈએ. જે ભાજપ શાસીત પાલિકા સમજતુ નથી. વિસનગરમાં ગૌરવપથના ઠીચુક ઠીચુક વિકાસથી લોકો ત્રાસી ગયા છે. અઠવાડીયાનુ કામ મહિના સુધી પુરૂ થતુ નથી. હવે તો લોકો કટાક્ષ કરી રહ્યા છેકે પ્રમુખના નામની તક્તિ લગાવો તો પાલિકા ભવન જેવો યુધ્ધના ધોરણે વિકાસ થશે.
ભાજપ શાસીત વિસનગર પાલિકાના બોર્ડમાં ફક્ત તેર મહિનાના સમયમાં પાયા ખોદવાની માડીને લોકાર્પણ સુધીનુ પાલિકા ભવનનુ યુધ્ધના ધોરણે જે કામ થયુ તેવુ કામ શહેરના વિકાસમાં જોવા મળતુ નથી. ગૌરવપથનો વર્ક ઓર્ડર આપ્યો ત્યારબાદ કોન્ટ્રાક્ટરે છ એક મહિના બાદ કામ શરૂ કર્યુ. વર્ક ઓર્ડર આપ્યા બાદ કામ ક્યારે શરૂ થશે તેવા પ્રશ્નમાં મુદત પુરી થાય નહી ત્યા સુધી કોન્ટ્રાક્ટરને કશુ કહી શકાય નહી તેવો જવાબ મળતો હતો. મુદત પુરી થવા આવી ત્યારે કામ શરૂ કર્યુ અને માગ્યા મુજબ મુદતમાં વધારો પણ કરી આપવામાં આવ્યો. ત્યારે વધારેલી મુદતમાં પણ કામ પુર્ણ નહી થતા બીજી વખત મુદતમાં વધારો કરી આપવામાં આવશે કે શું તેવા પ્રશ્નો થઈ રહ્યા છે.
શહેરનો ગૌરવપથ અતિ વ્યસ્ત છે. હજ્જારોની સંખ્યામાં લોકોની અવર જવર છે અને માર્કેટ વિસ્તાર છે. ત્યારે લોકોને હાલાકી પડે નહી અને ઝડપી કામ થાય તેવી કોઈ લાગણી સત્તાધારી પક્ષમાં જોવા મળતી નથી. રેલ્વે સર્કલથી ત્રણ દરવાજા ટાવર સુધી રોડ ઉપર સ્ક્રેચ પાડી પંદર દિવસ સુધી રોડ નહી બનાવતા ટુ વ્હીલર વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી. હવે બજરંગ ચોક સુધી ડામર રોડ બનાવી ત્રણ દરવાજા ટાવરથી રેલ્વે સર્કલ તરફના રોડ ઉપર સ્ક્રેચ પાડવામાં આવ્યા છે. પણ રામ જાણે ડામર રોડ ક્યારે બને છે. અગાઉ ઘણા વર્ષ પહેલા ગૌરવ પથ રોડ ઉપર ડામર રોડ બન્યો હતો. ગુણવત્તવાળો રોડ હોવાથી ભારે ઘસારો હોવા છતા રોડ તુટ્યો નહોતો કે કપચી ઉખડી નહોતી. રોડ ઉપર ડમર રોડ બનાવવામાં આવ્યો હોવાથી ઝડપી કામ થયુ હતુ. અત્યારની પરિસ્થિતિ અલગ છે. રોડની સાઈડમાં ગટરની અને પીવાના પાણીની પીવીસી તથા ડી.આઈ. લાઈનો પસાર થાય છે. ડામર માલ ભરેલી ૬૦ થી ૭૦ ટનના ડંપરના વજનથી પાઈપો તથા કુંડીઓ તુટી જવાનો ભય છે. જેના કારણે રોડની સાઈડમાં ડામર કામ ખુબજ સાવચેતીથી કરવુ પડે તેમ છે.
હાલની પરિસ્થિતિ એ છેકે ડામર રોડ ઉપર પણ ડામરનુ કામ ઝડપથી થતુ નથી. રોડ ઉપર સ્ક્રેચ પાડવાના કારણે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને ખુબજ મુશ્કેલી પડી રહી છે. સતત ડસ્ટ ઉડવાથી ગૌરવપથના વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. સાઈડોમાં રોડ નહી બનાવતા શાકભાજીની લારીઓ રોડ ઉપર ઉભી રહેતી હોવાથી ટ્રાફીકની પણ મુશ્કેલી છે. અતિ વ્યસ્ત વિસ્તાર હોવાથી એક પણ દિવસ કામ બંધ રહે નહી તે રીતે વિકાસ થવો જોઈએ. ત્યારે એક દિવસ કામ થાય છે અને ત્રણ દિવસ બંધ રહે છે. વિકાસની ધીમી ગતિ જોઈ લોકો કટાક્ષ કરી રહ્યા છેકે પ્રમુખના નામની તક્તિ લગાવો તો ઝડપી વિકાસ થશે.