Select Page

અધિકારીઓ સાથે વિકાસ કામની અને લોકોને કોઈ અગવડ ન પડે તેની ચર્ચા કરી મંત્રી ઋષિભાઈ પટેલનો કેનાલો ઢાંકવા નિર્દેશ

અધિકારીઓ સાથે વિકાસ કામની અને લોકોને કોઈ અગવડ ન પડે તેની ચર્ચા કરી મંત્રી ઋષિભાઈ પટેલનો કેનાલો ઢાંકવા નિર્દેશ

વિસનગર શહેરમાં અઢળક વિકાસ કામ ચાલતા હોવાથી અને વિકાસ કામના કારણે ફરિયાદો પણ થતી હોવાથી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સમયાંત્તરે અધિકારીઓ સાથે મીટીંગ અને ચર્ચા કરે છે. હોળીના દિવસે ધારાસભ્ય કાર્યાલયમાં વિકાસ કામની સમીક્ષા માટેની મીટીંગમાં શહેરની એક પણ કેનાલ ખુલ્લી ન રહે તે માટે પાલિકાને નિર્દેશકર્યો હતો. જ્યારે કાંસા એન.એ. સહીતના સમાવેશ કરાયેલ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલીંગનો સર્વે ઝડપી પૂર્ણ કરવા વિજ કંપનીના અધિકારીઓને સૂચન કર્યુ હતુ. આ મીટીંગમાં ઘનશ્યામનગર તથા કૃષ્ણનગરની ગટરની સમસ્યા બાબતે કોર્પોરેટર મનીષભાઈ બારોટે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને ચીફ ઓફીસર પાર્થ ત્રિવેદી સાથે ચર્ચા કરી એકસ્ટ્રા લાઈન નાખવા માટે જીયુડીસીના અધિકારીને સૂચના આપી હતી.
કમલ પથના વિકાસમાં રૂા.૨૦૦ કરોડ ઉપરાંત્ત ખર્ચનો અંદાજ
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની સરકારમાં ભલામણ અને પ્રયત્નોથી અત્યારે વિસનગર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામ ચાલી રહ્યા છે. સરકારના કોઈ એક નહી પરંતુ અનેક વિભાગોના કામ ચાલતા હોવાથી કામની ગુણવત્તા જળવાય, સમયમર્યાદામાં પૂર્ણ થાય અને પારદર્શિતાનુ કડક પાલન થાય તે માટે સમયાંત્તરે કેબીનેટ મંત્રી દ્વારા અધિકારીઓ સાથે મીટીંગ કરી ચર્ચા કરવામાં આવે છે. હોળીના દિવસે તા.૨-૩-૨૦૨૬ ના રોજ ધારાસભ્ય કાર્યાલયમાં વિકાસ કામ માટે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં પ્રાન્ત ઓફીસર વિકાસ રાતડા, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થ ત્રિવેદી, ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરી, માર્ગ મકાન વિભાગ, પંચાયત માર્ગ મકાન વિભાગ, વિજ કંપનીના અધિકારીઓ, જીયુડીસીના અધિકારીઓ વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાં અત્યારે વિજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલીંગનુ કામ ચાલી રહ્યુ છે, ત્યારે ટ્રાફીકને નડતરરૂપ તમામ થાંભલા હટાવવા જણાવ્યુ હતુ. થાંભલાના સિમેન્ટના બેજ તાત્કાલીક દુર કરવા ટકોર કરી હતી. એન.એ.વિસ્તારમાં વિજ કંપનીની સેક્શન ઓફીસ જન સંપર્ક કેન્દ્ર બનાવવુ જરૂરી હોવાનુ વિજ કંપનીના અધિકારીએ સૂચન કરતા તેની દરખાસ્ત કરવા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ. વિસનગર પાલિકામાં સમાવેશ કરાયેલા એન.એ.વિસ્તાર સહિતના તમામ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલીંગનો સર્વે ઝડપી પૂર્ણ કરવા માટે પણ સૂચના આપી હતી. પાલિકાના પ્રશ્નો બાબતેની ચર્ચામાં શહેરની તમામ ખુલ્લી કેનાલો ઢાંકવા તથા કાચી કેનાલ આર.સી.સી. કરવા માટે નિર્દેશ કર્યો હતો. કમલપથના વિકાસનો રૂા.૨૦૦ કરોડ ઉપરાંત્તનો ખર્ચ થાય તેમ હોવાથી તેનો પ્લાન એસ્ટીમેટ તૈયાર કરવા તેમજ ટ્રાફીકની સરળતા માટે આંતરીક રોડના વિકાસ માટે ચર્ચા કરાઈ હતી.
શહેરના હાઈવે ઉપર અત્યારે સીસી રોડ બની રહ્યો છે. ટેન્ડરમાં ડંપર અથવા ટ્રાન્ઝીટ મીક્ષરથી સાઈટ ઉપર માલ લાવવાની જોગવાઈ છે. તેમ છતાં ડંપરમાં માલ લાવવાથી સ્લરી બેસી ન જાય અને ૨૫ થી ૩૦ વર્ષ સુધી સીસી રોડને કંઈ થાય નહી તેવી ગુણવત્તાયુક્ત રોડ બનાવવા ટ્રાન્ઝીટ મીક્ષરથીજ માલ લાવવા કોન્ટ્રાક્ટર તથા માર્ગ મકાનના અધિકારીઓને સૂચન કર્યુ હતુ. હાઈવે રોડ ઉંચો બની રહ્યો છે. રોડને અડીને વરસાદી પાણીના નિકાલ માટે બોક્ષ કેનાલ બનાવવામાં આવશે. આ કેનાલ ઉપર ફૂટપાથ પણ બનશે. જેથી બોક્ષ કેનાલની ઉંચાઈના કારણે માર્કેટો દુકાનોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે કેનાલમાં દર બે-ત્રણ મીટરે હોલ રાખવા ચર્ચા કરી હતી. હાઈવેના સીસી રોડનો વિકાસ આસપાસના વેપારીઓને નડતરરૂપ બને નહી તે માટે બોક્ષ કેનાલની ડિઝાઈન તૈયાર કરી તેની ચર્ચા બાદ કામ શરૂ કરવા મંત્રીશ્રીએ સૂચન કર્યુ હતુ. આ સાથે ગૌરવપથનુ વિકાસ કામ પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરને તાકીદ કરી હતી. ૨૦૨૭ સુધીમાં શહેરમાં ચાલતા તમામ વિકાસ કામ પૂર્ણ કરવા તેમજ વિસનગરના સર્વાંગી અને સંતુલીત વિકાસ માટે રાજ્ય સરકાર દ્રઢ પ્રતિબધ્ધ છે તેમજ આ વિકાસયાત્રા અવિરત આગળ વધતી રહેશે તેવુ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ.