Select Page

કર્નલ સોફીયા કુરેશી અને વીંગ કમાન્ડર વ્યોમિકા સિંહઉપરની ટીપ્પણી શરમજનક ભારત દેશના નેતાઓના વાણી વિલાસ ઉપર લગામ ક્યારે?

કર્નલ સોફીયા કુરેશી અને વીંગ કમાન્ડર વ્યોમિકા સિંહઉપરની ટીપ્પણી શરમજનક ભારત દેશના નેતાઓના વાણી વિલાસ ઉપર લગામ ક્યારે?

તંત્રી સ્થાનેથી…
આઝાદી કાળનો એક સમય હતો કે દેશના લોકો નેતાઓના વાણી અને વર્તનનુ અનુકરણ કરતા હતા. આઝાદી કાળના નેતાઓ પ્રત્યે નાગરિકોને ભારોભાર સન્માન હતુ. સમાજવાદી નેતાઓની હાકલથી દેશની જનતા રસ્તાઓ ઉપર ઉતરી આવતી હતી. બાળકોને મહાત્મા ગાંધી, ચાચા નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદૂર શાસ્ત્રીના પાઠ ભણાવવામાં આવતા હતા. અત્યારની નેતાગીરીમાં બળાત્કારી, ભ્રષ્ટાચારી, હત્યારા, ભૂમાફીયા નેતાઓનો દબદબો એટલો વધી ગયો છેકે તેમની પાસેથી સારૂ વર્તન, સંસ્કાર અને વાણીની અપેક્ષા રાખવી ખોટી છે. અત્યારના નેતાઓનો જે બફાટ વધી ગયો છે તેના ઉપરથી આઝાદી કાળના નેતાઓને યાદ કરવા જરૂરી બન્યા છે. આપણા વર્તમાન દેશની રાજનીતિની કમનસીબી એ છે કે, અનેક નેતાઓ પોતે દરેક વિષયનુ જ્ઞાન ધરાવતા હોય તેવો વ્યવહાર કરે છે. કેટલાક નેતાઓ એવા છેકે મર્યાદા વટાવીને પોતાના વિધાનો કરી વિવાદ સર્જી દેતા હોય છે. આવા વિધાનો સામે વારંવાર કાનૂની કાર્યવાહી અને અદાલતી કેસ પણ બને છે. આ મુદ્દો અત્યારે ચર્ચામાં લેવો એટલા માટે જરૂરી બન્યો છેકે, ઓપરેશન સિંદુરમાં દેશની શૌર્ય ગાથા રજુ કરનાર બે મહિલા આર્મી ઓફીસર વિરુધ્ધ નેતાઓએ જે વાણી વિલાસ કર્યો છે તે શરમજનક છે. ઓપરેશન સિંદુરમાં સૈન્ય બ્રીફીંગ કરનાર નારી શક્તિનુ સાક્ષાત સ્વરૂપ કર્નલ સોફીયા કુરેશી અંગે મધ્યપ્રદેશની ભાજપ સરકારના મંત્રી વિજય શાહે જે વિવાદાસ્પદ વિધાન કર્યા તે દેશમાં વાણી સ્વાતંત્રના દુર ઉપયોગ છે. ઓપરેશન સિંદુર બાદ કર્નલ સોફીયાના પોસ્ટરો સાથે દેશના તિરંગા યાત્રા નીકળે છે. આ મહિલા લશ્કરી અધિકારીએ પોતાના વ્યક્તિગત સન્માન માટે નહી પરંતુ રાષ્ટ્રના સન્માન માટે ભારત દેશની દિકરી તરીકે કામ કર્યુ છે. તેને જાતિ કે ધર્મ સાથે જોડીને મધ્યપ્રદેશના મંત્રીએ કરેલી ટીપ્પણી ખરેખર આઘાતજનક છે. બફાટ કરવામાં માહેર વિજય શાહના શર્મનાક કિસ્સાઓ યાદ કરીએ તો ૨૦૧૩ મા તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પત્ની વિશે વિવાદસ્પદ ટીપ્પણી કરી હતી અને મંત્રી પદ ગુમાવવુ પડ્યુ હતુ. અન્ય એક કાર્યક્રમમાં બાલીકાઓના ટી-શર્ટનુ વિતરણ કરતા સમયે એવી અભદ્ર ટીપ્પણી કરી હતી કે કદાચ અત્યાર સુધીમાં ભાગ્યેજ જાહેરમાં સાંભળવા મળ્યુ હશે. મંત્રીએ ટીપ્પણી કરી હતી કે બે બે ટીશર્ટ આપો છો તો નીચે શુ પહેરતા હશે. ભારત દેશમાં નારીને શક્તિનુ સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે આવા મંત્રીના બફાટ સામે ભાજપ કેમ નતમતસ્ક થઈ ગયુ છે તે પ્રશ્ન દેશના લોકોને સતાવી રહ્યો છે. મંત્રી વિજય શાહની વિવાદપસ્દ ટીપ્પણી બાદ તેની સામે એફ.આઈ.આર. થઈ. લશ્કરના મહિલા અધિકારી અંગે અભદ્ર ટીપ્પણી કરતા શરમ આવવી જોઈએ તેમ કહી સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવીને એફઆઈઆરની તપાસ કરવા સીટની રચના કરી. વડાપ્રધાન મોદી ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનને આકરો સંદેશો આપવા દેશને સાથે રાખીને આગળ વધતા હોય અને સૈન્યનો પણ જુસ્સો વધારતા હોય તે સમયે આ મંત્રીનુ કર્નલ સોફીયા અંગેનુ વિધાન ભાજપને હજુ સુધી કેમ ખુંચ્યુ નથી તે પ્રશ્ન છે. મીડીયા ડીબેટમાં રાજકીય જ્ઞાનવર્ધક જવાબ આપતા ભાજપના એક પણ માઈના લાલે મંત્રી વિજય શાહના કિસ્સામાં પોતાની દેશભક્તિ બતાવી નથી. પાકિસ્તાન વિરુધ્ધની સૈન્ય કાર્યવાહી સમયે દક્ષિણ ભારતના કોંગ્રેસના નેતાએ વિવાદાસ્પદ નિવેદન કર્યા હતા. ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસે આ નિવેદનો નેતાના વ્યક્તિગત છે તેની સાથે પાર્ટીને કોઈ લેવા દેવા નથી તેમ કહી આવા વિવાદસ્પદ નિવેદનથી કોંગ્રેસ અળગી રહી હતી. ત્યારે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી મધ્યપ્રદેશના મંત્રીના નિવેદન બાબતે જે રીતે ચુપકીદી સેવી છે તે ઉપરથી એમ કહી શકાય કે, મતના રાજકારણ સામે બધુજ ક્ષમ્ય છે. મહત્વપૂર્ણ એ બાબત છેકે વાણી વિલાસનો આ રોગ ફક્ત એક પક્ષ કે નેતા પુરતો નથી. ઉત્તરપ્રદેશ સમાજવાદી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ, પાર્ટીના મહામંત્રી અને પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવના કાકા રામગોપાલ યાદવે વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ વિશે જાતિવાદી શબ્દનો ઉપયોગ કર્યો. જ્યારે એર માર્શલ અવધેશકુમાર ભારતીની પણ જાતિ શોધી ટીપ્પણી કરી હતી. ભાજપના મોવડી મંડળના ફેવરીટ નિશીકાંત દુબેએ દેશના ચીફ જસ્ટીસની ટીપ્પણી કરી હતી. જેમાં ભાજપે વ્યક્તિગત અભિપ્રાય ગણાવીને તેનાથી બચવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો એક બ્રીગેડ એવી રાખે છેકે જે હેટ સ્પીચમાં માહીર હોય છે. પછી જ્યારે વિવાદાસ્પદ નિવેદનોનો રાષ્ટ્રીય લેવલે વિવાદ ઉભો થાય છે ત્યારે પાર્ટી સાથે કંઈ લાગતુ વળગતુ નથી તેમ કહી ખુલાસો કરી નાખે છે. જે તે પાર્ટી હેટ સ્પીચ બ્રીગેડ થકી જે પક્ષને ટાર્ગેટ કરવાના હોય તે કરી દે છે. આ બ્રીગેડને હોદ્દા અને સન્માન પણ મળે છે. પરંતુ તેની અસર દેશની જનતા અને આવનારી પેઢી ઉપર શુ થશે તે એક પણ રાજકીય પાર્ટી વિચારતી નથી.