જેને મનુષ્ય પારખી શક્યો નથી તેવી કુદરત સામે માનવે ઝૂકવુ પડે છે
તંત્રી સ્થાનેથી…
માનવજીવનમાં કુદરતી લીલાની લગામ ભગવાનના હાથમાં હોવાથી તેની કૃપા કે ઈચ્છાથીજ જગતમાં ખેલ ખેલાતા હોય છે. ભગવાન તો તટસ્થ હોવાથી કોઈનો પક્ષપાત કરતો નથી. દુનિયામાં થતી ઉથલપાથલ માનવીએ કરેલા કર્મો અનુસારજ છે. કર્મના સિદ્ધાંત અનુસાર માનવી જેવા કર્મ કરે છે તેવુ ફળ મળતું હોય છે. જાણે કે અજાણે થયેલા પાપ કે પુણ્યમાં કર્મનું ફળ મળ્યા વિના રહેતું નથી. કુદરત જ્યારે કોપાયમાન થાય છે ત્યારે વિશ્વના જાપાન જેવા દેશમાં તથા અન્ય જગ્યાએ સુનામી આવે છે, ધરતીકંપ થાય છે, અતિ વરસાદ વરસે છે, વરસાદનો દુકાળ પડે છે. જે વિસ્તારમાં લાવારસ વાળા પર્વતો છે ત્યાં અચાનક લાવારસના ફુવારા ઉડે છે. દરીયામાં તોફાની મોજા ઉછળે છે અને કરાનો વરસાદ પણ પડે છે. વર્ષાઋતુમાં ગડગડાટ સાથે વીજળી ત્રાટકે છે. ઉત્તરપ્રદેશમાં જ્યાં પર્વતીય વિસ્તાર છે ત્યાં ભેખડો ધસી પડે છે. વાવાઝોડા ધસી આવે છે. અનેક જાતની ઉપાધિઓ આવી પડે છે. કુદરતનો પ્રકોપ હોય ત્યારે કોરોના જેવા રોગો ફાટી નીકળે છે. ભગવાનની કૃપાથી કુદરત જ્યારે મહેરબાન બને ત્યારે સારો વરસાદ, સારો પાક થાય છે. હવામાન માફકસરનું ખુશનુમા રહે છે. કુદરત મહેરબાન હોય તો ખેતરો લીલાછમ બની જાય. દરયાઈ મોજા શાંત રહે અને પ્રકૃતિ સુંદર લાગે ને ઋતુઓ સુસંગત બની જાય. આજના આધુનિક જમાનામાં માનવીએ આધુનિક શોધો કરી અનેક કાર્યો માનવીની પહોચની અંદર સમાવી શકે છે. પરંતુ નથી સમાવી શકતો તે છે કુદરતની લીલાને, જે માનવી પોતાના કાબુમાં રાખી શકતો નથી. જેથી માનવીને કુદરત સામે ઝૂકવું પડે છે. જ્યારે કુદરતનો કોરોના જેવો પ્રકોપ થાય ત્યારે સેંકડો માણસો જીવ ગુમાવી દે છે. કોઈ કોઈનું સગુ થતું નથી, રોગ ક્યાંથી આવે છે તે સમજાતું નથી. ક્યારે જાય છે તે પણ કુદરતનીજ લીલા છે. એક સાથે કર્મ બાંધ્યુ હોય તેવા લોકો વિમાન અકસ્માતમાં એક સાથે મૃત્યુ પામે છે. ક્રિકેટની રમતમાં હારતી ટીમ કુદરતની કૃપાથી હવામાનમાં ફરક પડવાથી અથવા કુદરતી વરસાદ પડવાથી, વંટોળ આવવાથી ઓછા પ્રકાશમાં ન રમાતુ હોવાથી મેચ જીતી જાય છે. અમુક સંજોગોમાં કુદરતના પ્રભાવથી મોટા અકસ્માતો સર્જાતા સર્જાતા રહી જાય છે. તે બતાવે છેકે રામ રાખે તેને કોઈ ચૂક આવતી નથી. મોટા અકસ્માતોમાં અનેક જીવો બચી જાય છે. જ્યારે કુદરતનો પ્રકોપ પ્રકાશે છે ત્યારે લોકો ઈશ્વરને યાદ કરે છે. જ્યારે કુદરતી પ્રકોપ આવે છે ત્યારેજ લોકોને ભગવાન યાદ આવે છે. કોરોના જેવા રોગને હટાવવા માટે સમુહ પ્રાર્થનાઓ, ધૂનો થઈ હતી. રોગપીડીતોને આર્થિક તથા માનસિક કે શારિરીક મદદ કરવા લોકો દોડી આવ્યા હતા. તેથી લોકો કુદરતના પ્રકોપ સામે ઊભા રહી શકે. આવા સમયે સમાજમાં એકતાના દર્શન થાય છે. કુદરતની કૃપા કે અપકૃપા વખતે લોકોને ઈશ્વરને યાદ કર્યા વિના રહેતા નથી તેજ બતાવે છેકે કર્મના સિધ્ધાંતમાં ઈશ્વરનો મોટો ફાળો છે. કુદરતને માધ્યમ બનાવી ભગવાન મોટો ભાગ ભજવે છે. કર્મનો સિદ્ધાંત એ કુદરતની અકળ લીલા છે. કરેલા કર્મનું ફળ આ ભવમાં જ ભોગવવું પડે છે. માનવ દુઃખી કે સુખી પોતાના કર્મને આધારિત રહે છે. કુદરત સામે દરેકને ઝૂકવુ પડે છે. અને ભગવાનને યાદ કરવા પડે છે.