Select Page

પાલિકાનુ જૂનુ કાર્યાલય ચાલુ રાખવાની જગ્યાએ ખંભાતી તાળા

પાલિકાનુ જૂનુ કાર્યાલય ચાલુ રાખવાની જગ્યાએ ખંભાતી તાળા


વિસનગર પાલિકાના જૂના કાર્યાલયની છેલ્લી જનરલ સભામા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે વેરા વિભાગ અને કમ્પલેઈન ટેબલ ચાલુ રાખવાની બાહેધરી આપી હતી. નવા ભવનના લોકાર્પણ બાદ કાર્યાલય સીફ્ટ થયા બાદ જૂના કાર્યાલયને ખંભાતી તાળા મારતા શહેરી વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પાલિકાના એક પૂર્વ કોર્પોરેટરે તો ચીમકી આપી છેકે ટુંક સમયમાં વેરા વિભાગ, આવકના દાખલા, કમ્પલેઈન ટેબલની સેવા શરૂ નહી થાય તો ગાંધી ચીન્ધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે.
જૂનુ કાર્યાલય ચાલુ કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી
વિસનગરનો કોટ વિસ્તાર એક સમયે સરકારી કચેરીઓથી ધમધમતો હતો. જેમાં મામલતદાર ઓફીસ કમ્પાઉન્ડમાંથી કોર્ટ સહિતની કચેરીઓ બહારના વિસ્તારમાં આવી જતા દરબાર રોડનો વિકાસ પડી ભાગ્યો. નગરપાલિકા ઓફીસના કારણે મંડીબજાર વિસ્તાર ધમધમતો હતો. હવે પાલિકા કાર્યાલય નવા ભવનમાં જતા
મંડીબજારના ધંધા ઉપર માઠી અસર પડે તેવો ભય આ વિસ્તારના વેપારીઓને સતાવી રહ્યો છે. મેઈન બજારમાંથી પણ કેટલાક મોટા શો-રૂમ બહારના વિસ્તારમાં આવી જતા આ બજારમાં પણ પહેલા જેવી ચહલ પહલ રહી નથી. ત્યારે કોટ વિસ્તારનો વિકાસ પડી ન ભાગે તે જોવાની જવાબદારી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની છે.
તા.૩૦-૪-૨૦૨૫ ને બુધવારના રોજ મળેલી જનરલ સભા પાલિકાના જૂના કાર્યાલયની છેલ્લી જનરલ હતી. આ જનરલ સભામાં ભાજપના સિનિયર સભ્ય તથા પૂર્વ પ્રમુખ રૂપલભાઈ પટેલે રજુઆત કરી હતી કે તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં બનેલ પાલિકાનુ નવુ ભવન કોટ વિસ્તારમાં રહેતા લોકોને દૂર પડશે. કોટ વિસ્તારમાં રહેતા મિલ્કતધારકો તથા નગરજનોને સ્ટેશન રોડ ઉપરના પાલિકાના નવા ભવન સુધી ધક્કા ખાવા પડે નહી તે માટે વેરા વિભાગ તથા કમ્પલેઈન ટેબલ જૂના ભવનમાં ચાલુ રાખવુ જોઈએ. આ રજુઆતમાં બજાર વિસ્તારમાં લોકોની અવરજવર રહે તેવી પણ લાગણી છુપાયેલી હતી. રૂપલભાઈ પટેલની રજુઆતના પ્રત્યુત્તરમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલે જણાવ્યુ હતું કે, પાલિકાના મંડીબજાર કાર્યાલયમાં વેરા વિભાગ તથા કમ્પલેઈન ટેબલ કાર્યરત રહેશે. જેની ચર્ચા વિચારણા થઈ ગઈ છે. પાલિકાના નવા ભવનનુ લોકાર્પણ થતાની સાથેજ પાલિકાના તમામ ટેબલ અને રેકર્ડ નવા ભવનમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે જુના કાર્યાલયમાં તાળા મારવામાં આવ્યા છે. જનરલ સભામાં પ્રમુખે વેરા વિભાગ અને કમ્પલેઈન ટેબલ કાર્યરત રાખવાનુ જે આશ્વાસન આપ્યુ હતુ તેનુ શુ તેવી ચર્ચાઓ થઈ રહી છે.
પ્રમુખે વેરા વિભાગ અને કમ્પલેઈન ટેબલ ચાલુ રાખવા જનરલમાં જણાવ્યુ હતુ
આ બાબતે પાલિકાના પૂર્વ કોર્પોરેટર તથા કોટ વિસ્તારને ધમધમતો રાખવામાં પ્રયત્નશીલ ફુલચંદભાઈ પટેલે જણાવ્યુ છેકે, જુની મામલતદાર ઓફીસમાં અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ અર્બન હેલ્થ સેન્ટર બનતુ નથી. અર્બન હેલ્થ સેન્ટર બને તો દરબાર રોડ વિસ્તાર ધમધમતો થાય તેમ છે. ફતેહ દરવાજા વિસ્તારમાં સિવિક સેન્ટર બતાવ્યુ તે કોઈ કામનુ નથી. પાલિકાનુ નવુ ભવન બન્યા બાદ જૂના કાર્યાલયમાં જો વેરા વિભાગ, આવકના દાખલા, કમ્પલેઈન માટેની સેવા શરૂ થાય તો આ વિસ્તારમાં અવરજવર રહેશે તેમજ કોટ વિસ્તારમાં રહેતા લોકોને નજીકમાં પાલિકાની સેવા મળશે. જુના કાર્યાલયમાં ટુંક સમયમાં વેરા વિભાગ સાથે અન્ય સેવાઓ શરૂ કરવામાં નહી આવે અને જો સેવાઓ ચાલુ કરવામાં આવશે એવી લોલીપોપ આપવામાં આવશે તો પાલિકાના જૂના કાર્યાલય આગળ ઉપવાસ આંદોલન કરવામાં આવશે.