મુખ્યમંત્રી આવતા સિક્યુરીટીએ બહાર નીકળી જવા જણાવ્યુ વિસનગર તાલુકા પંચાયત ભવનમાં પૂર્વ પ્રમુખોનુ અપમાન
વિસનગર ભાજપ સંગઠનની નવી ટીમની અણ આવડતથી આ વખતે મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમમાં ઘણી અવ્યવસ્થા સર્જાઈ હતી. તાલુકા પંચાયતના નવા ભવનના લોકાર્પણમાં તાલુકા પંચાયતના ભાજપ અગ્રણી જશુભાઈ પટેલ સહિતના આગેવાનોને ઉપસ્થિત રહેવા સૂચના અપાઈ હતી. પરંતુ મુખ્યમંત્રીની મુલાકાત પહેલા સિક્યુરીટીએ પૂર્વ પ્રમુખોને બહાર કાઢી અપમાન કરતા ભાજપના પાયાના સિનિયર આગેવાનોનુ નવી ટીમમાં મહત્વ કેટલુ તે પ્રશ્ન કાર્યકરોમાં થઈ રહ્યો છે.
૪૦ વર્ષની મર્યાદાના કારણે બીન અનુભવી હોદ્દેદારોની અણ આવડતથી ભાજપના ઘરમાંજ કકળાટ
સંગઠનના પ્રમુખોની ૪૦ વર્ષ સુધીની મર્યાદાના નિયમોની આડ અસર હવે સરકારના અને ભાજપના વિવિધ કાર્યક્રમોમાં જોવા મળી રહી છે. વિસનગર તાલુકા ભાજપ પ્રમુખમાં સતિષભાઈ પટેલ, અંકિતભાઈ ઉમતા, શહેર સંગઠનમાં મનિષભાઈ ગળીયા જેવા અનુભવી સંગઠનના હોદ્દેદારો હતા ત્યારે અગાઉ ભાજપના કે સરકારના કાર્યક્રમોમાં ક્યારેય અવ્યવસ્થા ઉભી થઈ નથી. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમોમાં શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલની સિનિયરોને પુછીને કામ કરવાની પધ્ધતિના કારણે શહેર ભાજપમાં કોઈ વિવાદ થયા નથી. પરંતુ તાલુકા ભાજપની અણ આવડતથી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો ભાજપના સંનિષ્ઠ અને સિનિયર કાર્યકરોનુ હળહળતુ અપમાન થયુ છે.
એપીએમસી ગ્રાઉન્ડમાં લોકાર્પણ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી તાલુકા પંચાયતના નવીન ભવનની મુલાકાત લેવાના હોવાથી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જ્યા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પૂર્વ પ્રમુખો સાથે ફોટો સેશન કરવા જણાવ્યુ હતુ. ભાજપના જનસંઘ વખતના પાયાના કાર્યકર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જશુભાઈ પટેલ, નારાયણભાઈ પટેલ કુવાસણા સહિતના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો નવા ભવનમાં હાજર રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી આવે તે પહેલા સિક્યુરીટી આવી પાસ નહી હોવાથી ભવનમાં ઉપસ્થિત તમામ પ્રમુખોને બહાર નીકળી જવા સૂચના આપી હતી. લોકાર્પણ કાર્યક્રમના આગળના દિવસેજ ગોઝારીયા કાર્યક્રમમાં જશુભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનુ સન્માન કર્યુ હતુ. જેની જાણ કરવા છતા પાસ વગર કોઈએ હાજર નહી રહેવા સ્પષ્ટ સૂચના આપતા અપમાનનો ઘુંટડો પીને જશુભાઈ પટેલ સહિતના તમામ પ્રમુખો બહાર નીકળી ગયા હતા.
પૂર્વ પ્રમુખોનો બળાપો હતો કે આવુ અપમાનજ કરવુ હોય તો બોલાવ્યા શું કામ. નોંધપાત્ર બાબત છેકે ભાજપના આ સંનિષ્ઠ આગેવાનોમાંથી કેટલાકને આમંત્રણ પત્રીકા પણ મળી નહોતી. જેમને મુખ્યમંત્રીની મુલાકાત સમયે હાજર રહેવાના પાસ પણ મળ્યા નહોતા અને મૌખીક સુચનાથી બોલાવવામાં આવ્યા હતા. ભાજપ ચુંટણીઓ કોઈ એક વ્યક્તિથી નહી પરંતુ પાયાના આગેવાન કાર્યકરોની મહેનતથી જીતે છે. ૪૦ વર્ષની મર્યાદાવાળા પ્રમુખો નહી પરંતુ ઘડાયેલા આગેવાનોજ ભાષણો કરી શકે છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે આ બાબતની તપાસ કરી સંજ્ઞાન લેવાની જરૂર છે.