શૈક્ષણિક નગરીની યશકલગીમા વધુ એક મોરપીંછ ઉમેરાયુ એમ.એન.કોલેજનેે નેકમાં A ગ્રેડ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર
NAAC ની ત્રીજી સાઇકલમાં વિસનગરની એમ. એન. કોલેજ, ૩.૦૨ CGPA સાથે છ ગ્રેડ મેળવ્યો છે. NAAC PEER Team ના સભ્યો દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪ દરમિયાનના સમયગાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકનમાં
કોલેજને સ્પર્શતા જુદા જુદા સાત ક્રાઇટેરિયામાં તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં શૈક્ષણિક પાસાઓ જેવા કે અભ્યાસક્રમ અને તેને સંબંધિત બાબતો, વિદ્યાર્થી – પ્રાધ્યાપક ની સંખ્યા તેમજ સ્નાતક તથા અનુસ્નાતક સ્તરે ચાલતા વિષયો, સંશોધન,SSIP, એવોડ્ર્સ, MoU, કોલેજની ભૌતિક સગવડો, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળતી વિવિધ ગ્રાન્ટસ, IT સુવિધાઓ, વિદ્યાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા મેળવેલ સિદ્ધિઓ, સપ્તધારા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ કોલેજ દ્વારા કરવામાં આવતી બેસ્ટ પ્રેક્ટિસીસ, ખેલકૂદ અને લાઈબ્રેરી સુવિધાઓ, NSS, NCC અને પ્લેસમેન્ટ જેવી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. આર. ડી. મોઢ,IQAC કમીટીના કોર્ડીનેટર ડૉ. વાય. એમ. પટેલ, NAAC કોર્ડીનેટર ડૉ. આર. એમ. ભાવસાર, ડૉ. રાજેન્દ્ર સુથાર, પ્રા. સંજય રાવળ, ક્રાઇટેરિયા કન્વીનરેે, IQAC તેમજ NAAC કમિટીના તમામ સભ્યો, કોલેજનો શૈક્ષણિક સ્ટાફ, બિન-શૈક્ષણિક સ્ટાફ, પૂર્વ વિદ્યાર્થીઓ તથા હાલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નોના અંતે કોલેજે આ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિસનગરના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના સકારાત્મક પ્રયત્નોથી એમ. એન. કોલેજને ઈન્ફ્રાસ્ટ્ર્કચર ડેવલોપમેન્ટ માટે કુલ ૧૧૪ કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે. જેમણે તાઃ ૩૧/૦૫/૨૦૨૫ના રોજ રૂબરૂ મુલાકાત લઈને સમગ્ર કોલેજની કામગીરી બિરદાવી અને સૌને અભિનંંદન આપ્યા હતા. કોલેજને સારો ગ્રેડ લાવવામાં ઈન્ફ્રાસ્ટ્ર્કચરનો પણ મહત્વનો ફાળો રહેલ છે. જેનો શ્રેય કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલને ફાળે જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે એમ. એન. કોલેજ વિસનગર હેરિટેજ કોલેજનું બહુમાન ધરાવે છે. આ કોલેજની સ્થાપના વર્ષ ૧૯૪૬માં સ્વ. માણેકલાલ નાનચંદ શાહ દ્વારા કરવામાં આવી હતી. એમ. એન. કોલેજ એ ઉત્તર ગુજરાત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં પ્રથમ સાયકલમાં ૨.૮૫, દ્વિતીય સાયકલમાં ૨.૯૭ મેળવેલ હતો, જેમાં સતત પ્રગતિ કરી ત્રીજી સાયકલમાં ૩.૦૨ CGPA સાથે A ગ્રેડ ની સિધ્ધિ પ્રાપ્ત કરી છે. જે આવનાર સમયમાં ચોથી સાયકલમાં વધુ સારો ગ્રેડ મેળવવા કોલેજ પરિવાર કટિબદ્ધતા દર્શાવે છે.