વિસનગરના લોકોની લાભ પાંચમ બગડી-ટ્રાફીક ચક્કાજામ
- મુખ્યમંત્રીના બંદોબસ્તમાં પોલીસ સ્ટાફ ફળવાતા
વિસનગરમાં સવાલા દરવાજા આદર્શ વિદ્યાલય આગળના ત્રણ રસ્તા ઉપર વન-વે કરવામાં આવે તો આ વિસ્તારમાં ટ્રાફીકનો કોઈ પ્રશ્ન રહે નહી. ગોઝારીયા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ ફળવાયો હોવાથી શહેરમાં લાભ પાંચમના દિવસે એક પણ પોલીસ કર્મચારી ટ્રાફીક પોઈંટ ઉપર જોવા મળ્યા નહોતા. જેના કારણે સવાલા દરવાજા વિસ્તારમાં આખો દિવસ ટ્રાફીક જોવા મળ્યો હતો.
આઈટીઆઈ ફાટક ઓવરબ્રીજનુ કામ શરૂ થયુ અને હાઈવેનો રસ્તો બંધ કરવામાં આવ્યો ત્યારથી જે પણ દિવસ પોલીસની ગેરહાજરી હોય તે દિવસ શહેરમાં ટ્રાફીકની સ્થિતિ ખુબજ ગંભીર બની જાય છે. શહેરની આ પરિસ્થિતિની જાણ જિલ્લા કલેક્ટર, ડી.એસ.પી. અને સરકાર સુધી છે. તેમ છતા વડાપ્રધાન કે મુખ્યમંત્રીના બંદોબસ્તમાં શહેર પોલીસ સ્ટાફ ફળવાતા શહેરના લોકો ટ્રાફીકના બાનમાં આવી જાય છે. લાભ પાંચમના દિવસે ગોઝારીયાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવ્યા હોવાથી સીટી પોલીસનો મોટાભાગનો સ્ટાફ બંદોબસ્તમાં ફળવાયો હતો. જેના કારણે લાભ પાંચમના દિવસે શહેરના મોટા ભાગના વિસ્તારમાં ટ્રાફીક જોવા મળ્યો હતો.
લાભ પાંચમના દિવસે સવાલા દરવાજા હરિહર સેવા મંડળ સામેના ત્રણ રસ્તા ઉપર આખો દિવસ ટ્રાફીક રહ્યો હતો. હાઈવે બંધ હોવાના કારણે આ ત્રણ રસ્તા ઉપર વધુમાં વધુ ટ્રાફીક રહે છે. ત્યારે મુખ્યમંત્રીના બંદોબસ્તમાં પોલીસ સ્ટાફ ફળવાતા અહી એક પણ પોલીસ કર્મચારી નહી હોવાથી આખો દિવસ ખુબજ ટ્રાફીક રહ્યો હતો. સામાન્ય રીતે પોલીસ કર્મચારીની હાજરી હોય તો દિપરા દરવાજા કે કમાણા રોડ ઉપરથી સવાલા દરવાજા બસ સ્ટેન્ડ તરફ જતા અને સવાલા દરવાજા બસ સ્ટેન્ડથી મહેસાણા રોડ તરફ જતા વાહનોને રોકીને ટ્રાફીક પસાર કરે છે. પરંતુ પોલીસ કર્મચારી નહી હોવાથી આ ત્રણ રસ્તા ઉપર વાહનો સામ સામે આવી જતા ટ્રાફીક ચક્કાજામની સ્થિતિ વારંવાર જોવા મળી હતી. લગભગ આખો દિવસ ટ્રાફીક જામ જોવા મળ્યો હતો. લાભ પાંચમના દિવસે લોકો ધંધાનુ મુહુર્ત કરે છે. ત્યારે ટ્રાફીકના કારણે ઘણા લોકો પોતાના ધંધાનુ એકમ ખોલવામાં મોડા પડ્યા હતા. લાભ પાંચમના દિવસે માઉન્ટ આબુ, રાજસ્થાન અને અંબાજીથી આવતા વાહનોનો ટ્રાફીક ખુબજ હોવાથી સવાલા દરવાજા ચક્કાજામના કારણે એમ.એન.કોલેજ રોડ ઉપર દિવસમાં એક વખત નહી પરંતુ અનેક વખત નવદુર્ગા ભાજીપાઉ, સ્વસ્તિક સોસાયટી સુધી વાહનોની કતાર જોવા મળી હતી.
ત્રણ બાજુથી વાહનો આવતા હોવાથી સવાલા દરવાજા હરિહર સેવા મંડળ આગળ અનેક વખત ટ્રાફીક જામ થતો હોવાથી આ વિસ્તારના વેપારીઓ પણ ત્રાસી ગયા છે. કેટલાક વેપારીઓએ જણાવ્યુ હતું કે, સવાલા દરવાજા બસ સ્ટેન્ડથી મહેસાણા રોડ તરફ જતા વાહનો અટકાવી કમાણા રોડ તરફ વન-વે કરવામાં આવે તો આ ત્રણ રસ્તા ઉપર ટ્રાફીકની કાયમની સમસ્યા દૂર થાય તેમ છે. સવાલા દરવાજા બસ સ્ટેન્ડથી કમાણા રોડ ઉપરથી મહેસાણા ચાર રસ્તા તરફ ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવે તો વાહનોનુ ક્રોશીંગ થાય નહી અને ટ્રાફીકની કાયમની સમસ્યા દૂર થાય તેમ છે.