મહેસાણા રોડ શાકભાજી-ફાસ્ટફૂડ ખુમચા સ્ટેન્ડ
વિસનગરમાં આદર્શ વિદ્યાલય પાસે
વિસનગર શહેરનો વિકાસ વધવાની સાથે શાકભાજી અને ખાણી પીણીની લારીઓ ખુમચાના સ્ટેન્ડ પણ વધી રહ્યા છે. પહેલા ગૌરવપથ રોડ ઉપરજ આ નાના વેપારીઓનો સ્ટેન્ડ માટે આગ્રહ રહેતો હતો. હવે આદર્શ વિદ્યાલય પાસે મહેસાણા રોડ ઉપર શાકભાજી પાથરણા તથા ખાણી પીણીના ખુમચા ઝોન શરૂ થતા લોકો તેનો લાભ લઈ રહ્યા છે. આદર્શ પાસેનો મહેસાણા રોડ ઉપરનો પટ્ટો ભરાઈ ગયો છે ત્યારે આદર્શ પાસે કમાણા રોડ ઉપર વ્યવસ્થા કરવામાં આવે તો નાના વેપારીઓને ધંધા રોજગાર માટે નવુ સ્થળ મળી રહે તેમ છે.
વિસનગરમાં એકમાત્ર ગૌરવપથ ઉપર શાકભાજી પાથરણા, પાણીપુરીની લારીઓ તથા નાના વેપારીઓ ધંધો કરતા હતા. નાના વેપારીઓ ધંધો કરવા ગૌરવપથ ઉપર સ્ટેન્ડનો આગ્રહ રાખતા હવે પરિસ્થિતિ એવી થઈ છેકે રોડ ઉપર ખુણે ખાંચરે પણ જગ્યા રહી નથી. ગૌરવપથ ઉપર નાના વેપારીઓના કારણે ટ્રાફીક રહેતા ઘણી વખત પાલિકા તથા પોલીસની પણ કનડગત હોય છે. નાના વેપારીઓ અન્ય જગ્યાએ ખશે તે માટે પાલિકા દ્વારા પણ વખતો વખત પ્રયાસ થયા હતા. નવા આવનાર નાના વેપારીઓને જગ્યા નહી મળતા પ્રથમ તાલુકા સેવાસદનની સામે કેટલાક વેપારીઓએ સ્ટેન્ડ બનાવી ધંધો શરૂ કર્યો હતો. આ જગ્યા પણ હવે ભરાઈ ગઈ છે. ગંજબજારથી કાંસા ચાર રસ્તા સુધી ખોદકામ થતુ હોવાથી ટ્રાફીકની સમસ્યા રહેતા નાના વેપારીઓને ધંધામાં અડચણ થઈ રહી છે.
શહેરના ગૌરવપથ તથા તાલુકા સેવા સદન સામેના સ્ટેન્ડ ઉપરાંત્ત હવે આદર્શ વિદ્યાલય પાસે મહેસાણા રોડ ઉપર પણ શાકભાજી પાથરણા, પાણીપુરી, ફાસ્ટફૂડ ખુમચાનુ સ્ટેન્ડ શરૂ થયુ છે. આ સ્ટેન્ડ ઉપર અગાઉ ચાર પાંચ વેપારીઓ ઉભા રહેતા હતા. પરંતુ શહેરમાં ટ્રાફીક સમસ્યામાં નાના વેપારીઓ પરેશાન થતા હવે આદર્શ પાસેના સ્ટેન્ડ ઉપર સુરક્ષીત જગ્યા મળતા નાના વેપારીઓનો ઘસારો વધ્યો છે. આ સ્ટેન્ડ ઉપર પાણીપુરી, મોમોજ, દાબેલી, શાકભાજી તથા અન્ય ફાસ્ટફૂડના વેપારીઓ શરૂ થતા શહેરીજનોને સ્વાદ માણવા તથા શાકભાજી ખરીદવા નવુ સ્ટેન્ડ મળી ગયુ છે. પરિસ્થિતિ પહેલા એવી હતી કે મહેસાણા તથા કમાણા રોડ ઉપર રહેતા લોકોને શાકભાજી ખરીદવા ગૌરવપથ રોડ ઉપર આવવુ પડતુ હતુ. ટ્રાફીકની સમસ્યા હોવા છતા ગૌરવપથ રોડ ઉપર ખરીદી કરવા માટે મજબુરી હતી. પરંતુ આદર્શ વિદ્યાલય પાસેના સ્ટેન્ડ ઉપર નાના વેપારીઓ ધંધો શરૂ કરતા હવે નજીકના સેન્ટર ઉપરથીજ શાકભાજી ખરીદી શકાશે.
નાના વેપારીઓ હવે આ સ્ટેન્ડ ઉપર ધંધો કરવા ઘસારો કરતા જગ્યા નાની પડી રહી છે. સીંધી સોસાયટીથી મહેસાણા ચાર રસ્તા સુધી લારીઓ ઉભી રહે તેવી બીજી કોઈ જગ્યા નથી. વિસનગર પાલિકાએ થોડા સમય અગાઉ આદર્શ વિદ્યાલય પાસે કમાણા રોડ ઉપર કાચા મકાનોના વર્ષોથી થયેલા દબાણો દૂર કર્યા હતા. જ્યા દબાણ હટાવી પીસીસી કરી લોખંડની રેલીંગ લગાવવામાં આવી છે. જ્યાથી દબાણો હટાવ્યા હતા ત્યા ફરીથી દબાણ શરૂ થયા છે. ત્યારે પાલિકા આ જગ્યા ઉપર શાકભાજી પાથરણા તથા ખાણીપીણીની લારીઓ માટે જગ્યા ફાળવે તો આદર્શ પાસે બીજા સ્ટેન્ડનો વિકાસ થાય તેમ છે.