દુષ્કર્મના કેસની કાર્યવાહી ગણતરીના મહિનામાં થશે-આરોગ્ય મંત્રી
રજુઆત માટે ગયેલા અગ્રણીઓને ન ધારેલી કાર્યવાહી થશે તેવુ આશ્વાસન
- ઋષિબાબાનુ બુલડોઝર ફરે તેવી પણ સંભવના
વિસનગરમાં દુષ્કર્મના બનાવની જાણ થતાની સાથેજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ તાત્કાલીક વિસનગર આવી પોલીસ અધિકારીઓ સાથે રિવ્યુ મીટીંગ કરી નરાધમો વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચન કર્યુ હતુ. સમાજના કેટલાક આગેવાનો પણ રજુઆત માટે પહોચતા શહેરના લોકોએ ન ધારી હોય તેવી કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યુ હતુ. તારીખ પે તારીખ નહી પરંતુ ગણતરીના મહિનામાં કોર્ટ કાર્યવાહી થાય તે માટેની ખાત્રી આપી હતી. ગેસ્ટહાઉસમાં જે ગોરખધંધા થાય છે તેની પણ તપાસ કરી આવી ઘટના ન બને તેના પ્રિકોશન માટે પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી.
વિસનગરની સગીરા ઉપર ૬ નરાધમોએ દુષ્કર્મ કરતા આ બનાવની જાણ થતાની સાથેજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ વિસનગર દોડી આવી ધારાસભ્ય કાર્યાલયમાં ડી.વાય.એસ.પી.દિનેશસિંહ ચૌહાણ તથા પી.આઈ. એ.એન.ગઢવી સાથે રિવ્યુ મીટીંગ કરી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતું કે, નરાધમોએ જે કૃત્ય કર્યુ છે તે વિસનગર અને ગુજરાત માટે શરમજનક ઘટના છે. આ બનાવમાં પોલીસ તુરંતજ એક્શનમાં આવી લીંક મેળવી ૬ આરોપીઓ પકડ્યા છે. આ બનાવમાં ઝડપથી કાર્યવાહી કરી મહિનાઓમાં ન્યાય મળે તે માટે સરકાર અને ગૃહ વિભાગ ચોક્કસ કાર્ય કરશે તેની ખાત્રી છે. પોલીસે સંતોષજનક કામગીરી કરી છે. શહેરના જે ગેસ્ટહાઉસમાં ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તેવી તમામ જગ્યાઓ ચેક કરવામાં આવશે. આ ઉપરાંત્ત આરોગ્ય મંત્રીએ બદાજી ઠાકોરની મિલ્કતો ગેરકાયદેસર હોય તો તેના ઉપર બુલડોઝર ફેરવવા માટે પણ તંત્રને સૂચના આપી હતી. બદાજી ઠાકોરના તડીપાર બે પુત્રો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે તે પણ જણાવ્યુ હતુ.
આરોગ્ય મંત્રી ધારાસભ્ય કાર્યાલય આવ્યા હોવાનુ જાણી શહેરના કેટલાક આગેવાનો દુષ્કર્મના બનાવમાં કડક કાર્યવાહી માટે રજુઆત કરવા ગયા હતા. જાગૃત આગેવાનોએ મોડી રાત સુધી કેટલાક લોકો પાર્લરો અને ગલ્લા ઉપર બેસી રહેતા હોવાથી રાત્રે અસામાજીક પ્રવૃત્તિઓ થતી હોવાની રજુઆત થઈ હતી. જેમાં કડા ત્રણ રસ્તા, કમાણા ચાર રસ્તા, મહેસાણા ચાર રસ્તા રાત્રે જે અડ્ડા જામે છે તે બંધ કરવા પોલીસને સૂચન કરાયુ હતુ. વિસનગરમાં રાત્રે ફોરેન જોબની ધમધમતી ઓફીસોના કારણે પણ ખરાબ પ્રવૃત્તિઓ થતી હોવાથી આવી ઓફીસોની તપાસ કરવા સાયબર સેલને સૂચના આપવા જણાવ્યુ હતુ. વિસનગરમાં દુષ્કર્મના બનાવ બાદ આરોગ્ય મંત્રીએ અસામાજીક પ્રવૃત્તિઓ અને અસામાજીક તત્વો વિરુધ્ધ કડક વલણ અપનાવતા શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસને તાકીદ કરી હતી. દુષ્કર્મની રજુઆત કરવા ગયેલા આગેવાનોને અસામાજીક તત્વો અને અસામાજીક પ્રવૃત્તિઓ વિરુધ્ધ શહેરના લોકોએ નધારેલી કાર્યવાહી થશે તેવુ આશ્વાસન આપ્યુ હતુ.