આરોપીઓને ફાંસીની સજા આપો-બુલડોઝર ફેરવો
દુષ્કર્મના બનાવમાં શહેરના આગેવાનોનો ભારે રોષ
વિસનગરમાં દુષ્કર્મના બનાવને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. શહેરના કેટલાક આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. રથયાત્રામા જે રીતે ટોળા હોય છે તેવા ટોળા પોલીસ સ્ટેશન આગળ જોવા મળતા હતા. લોકોનો એકજ રોષ હતો કે આરોપીઓને ફાંસી આપો અને નરાધમોની ગેરકાયદેસર મિલ્કતો ઉપર બુલડોઝર ફેરવો. આ બનાવમાં કયા આગેવાને કેવો રોષ વ્યક્ત કર્યો તે જોઈએ તો,
- નેતાઓ વિસનગરનુ નખ્ખોદ કાઢવા બેઠા હોય તેવુ વર્તન-પી.એસ.પટેલ
કુવાસણાના ભાજપના પાયાના કાર્યકર તાલુકાના પુર્વ પ્રમુખ પી.એસ.પટેલે આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે, વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની જે ઘટના બની છે તેમાં તમામ સમાજના આગેવાનો અને ભાજપના કાર્યકરો સગીરાના પરિવારની સાથે છે. અમે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ. વિસનગર શહેર શૈક્ષણિક અને સંસ્કારી નગરી હતી. પરંતુ છેલ્લા ઘણ સમયથી વિસનગરમાં દારૂ, જુગારના અડ્ડા, ડબ્બા ટ્રેડીંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફુલીફાલી છે. ગેસ્ટ હાઉસોમાં નિયમોનું પાલન થતુ નથી. વિસનગરમાં બેરોકટોક અસામાજીક પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં આગેવાનો મૌન બેઠા છે. આજે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની જે ઘટના બની છે તેવી વિસનગરમાં ફરીથી ઘટના ન બને તે માટે આપણે બધાએ જાગૃત થવુ પડશે. એક વ્યક્તિથી સમાજમાં દુષણ દુર થવાનુ નથી. જોકે ભાજપના આ આગેવાને દુષ્કર્મના આરોપીઓ વિરૂધ્ધ પોલીસે કરેલી કાર્યવાહીની ભારોભાર પ્રસંસા કરી હતી. સાથે સાથે આરોપીઓની મિલ્કત ઉપર દાદાનું બુલડોઝર ફેરવવાની માંગ કરતા જણાવ્યુ કે, અત્યારે નેતાઓના કાન બહેરા થઈ ગયા છે. આ નેતાઓ વિસનગરનુ નખ્ખોદ કાઢવા બેઠા હોય તેવા પ્રકારનુ વર્તન થઈ રહ્યુ છે. પ્રજાએ જાગૃત થવુ પડશે.
- વિસનગરના લોકો અસામાજીક પ્રવૃત્તિઓ ચલાવી લેવાના મુડમાં નથી – વિજય પટેલ
ભાજપના આખાબોલા પાલિકાના કોર્પોરેટર વિજયભાઈ પટેલે દુષ્કર્મનો ભોગ બનનાર દિકરી પ્રત્યે લાગણી વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, વિસનગરમાં ઘણા સમયથી જુગાર, વરલી, મટકા, ડબ્બા ટ્રેડીંગની ઓફિસો તથા નાના મોટા ગેસ્ટ હાઉસોના ધંધા ફુલ્યા ફાલ્યા છે. ગેસ્ટ હાઉસોમાં રૂા.૫૦૦માં છોકરા-છોકરીઓને રૂમો મળે છે. નાની નાની છોકરીઓને ગેસ્ટ હાઉસોમાં કોણ લઈ જાય છે. તેની તપાસ થવી જોઈએ. દારૂ-જુગારના અડ્ડાઓ બંધ થવા જોઈએ. આ ઘટનાથી વિસનગર જાગ્યુ છે. વિસનગરના લોકો કોઈપણ અસામાજીક પ્રવૃત્તિ ચલાવી લેવાના મુડમાં નથી.
- વિસનગરમા રાજકીય પીઠબળથી ગુંડાઓ બેફામ બન્યા છે- ઈશ્વરલાલ નેતા
સામાજીક કાર્યકર ઈશ્વરલાલ પટેલ (નેતા)એ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, આ દુષ્કર્મની ઘટનાને હું શખત શબ્દોમાં વખોડુ છુું. આજે વિસનગરમાં રાજકીય પીઠબળના ગુંડાઓ બેફામ બન્યા છે. રાજકીય પીઠબળના કારણે અસામાજીક તત્વોને કોઈનો ડર નથી. રાજકીય પીઠબળના કારણે વિસનગરમાં દુષ્કર્મની ઘટના બની છે. જેથી સગીર દિકરીને ન્યાય આપવા તમામ કાર્યકરો અને દરેક સમાજે આગળ આવવુ પડશે.
- ઉંડાણપુર્વક તપાસ થાય તો ઘણી છોકરીઓ ગેંગરેપનો શિકાર બની હોવાનુ બહાર આવશે – પિનાકીન આચાર્ય
પિનાકીન આચાર્ય નામના યુવાને જણાવ્યુ હતુ કે, દારૂના બુટલેગરો ઉપર રોષ ઠાલવતા જણાવ્યુ હતુ કે, આ બળાત્કારના ગુનામાં પકડાયેલા આરોપીના પિતા અને દાદાએ તા.૨૩-૭-૨૦૦૮ના રોજ મારૂ અપહરણ કરી ઢોર માર મારીને રોડ ઉપર ફેંકી દીધો હતો. આ અસામાજીક માથાભારે તત્વો છે. આ ગુનાની ઉંડાણપુર્વક તપાસ થાય તો બીજી કેટલીય છોકરીઓ ગેંગરેપનો શિકાર બની હશે. આ અસામાજીક તત્વો ગેંગરેપના વિડીયો બનાવી બ્લેકમેઈલના ધંધા કરતા હોવાનુ બહાર આવશે. આવા અસામાજીક તત્વોનો પોલીસે જાહેરમા વરઘોડો કાઢી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈની દિકરી સાથે આવી દુષ્કર્મની ઘટના ન બને.
- આરોપીઓએ દુષ્કર્મનુ સમર્થન આપ્યુ છે- ડી.વાય.એસ.પી.
ડી.વાય.એસ.પી. દિનેશસિંહ ચૌહાણે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુ કે, પોલીસે સગીર દિકરી સાથે દુષ્કર્મ કરનાર છ આરોપીઓને તાત્કાલિક પકડી તેની પ્રાથમિક પુછપરછ કરતા તેમને ફરિયાદીની હકીકતને સમર્થન આપ્યુ છે. અમે આરોપીઓના ગુનાહિત ભુતકાળની તપાસ કરી રહ્યા છીએ. જ્યારે આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવાના પ્રશ્નમાં ડી.વાય. એસ.પી.એ જણાવ્યુ હતુ કે, અમે આરોપીઓ સામે વરઘોડા કરતા પણ વધુ કડક કાર્યવાહી કરીશુ. અમે આ દુષ્કર્મની ઘટનામાં ઉંડાણપુર્વક તપાસ કરી દિકરીને ન્યાય આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
- શહેર માટે કલંક લગાડનાર જધન્ય અપરાધ બન્યો છે- જીવણભાઈ દેસાઈ
વિસનગરમાં સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં જીવણભાઈ દેસાઈએ જણાવ્યુ છે કે, જધન્ય અપરાધ થયો છે. જે શહેર માટે કલંક લગાડનાર છે. પોલીસની કામગીરી આ બનાવમાં સરાહનીય છે. શહેરમા આવા બનાવો પાછળ અસામાજીક પ્રવૃત્તિઓ થકી જે અઢળક આવક થઈ રહી છે તે જવાબદાર છે. ડબ્બા ટ્રેડીંગ, ક્રિકેટ, સટ્ટો, વિદેશી દારૂનુ વેચાણ, બાજી પત્તા અને વરલી મટકાનો જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ બંધ કરવા પોલીસે મોહીમ ઉપાડવી જોઈએ. અસામાજીક પ્રવૃત્તિઓ બંધ થશે ત્યારેજ શહેરમાં જાહેરમાં માર મારવાના અને દુષ્કર્મના બનાવો બંધ થશે. વધુમાં જીવણભાઈ દેસાઈએ પણ જણાવ્યુ છે કે, બદાજી ઠાકોરના પૌત્રો મોંઘી ગાડીઓની લાઈનો લગાવી તેના રીલ બનાવી સમાજમા રોફ જમાવે છે. ત્યારે બદાજી ઠાકોર અને તેમના પુત્રોની મિલ્કતોની પણ તપાસ કરવી જોઈએ. વિસનગરમાં આવી અસામાજીક પ્રવૃત્તિઓ બંધ નહી થાય ત્યા સુધી શહેરમા શાંતી સ્થપાશે નહી.