Select Page

સતલાસણામાં સીટની ભલામણ કરતા લોકપાલની વાત ભ્રષ્ટાચારી તંત્ર સ્વીકારશે

સતલાસણામાં સીટની ભલામણ કરતા લોકપાલની વાત ભ્રષ્ટાચારી તંત્ર સ્વીકારશે

મનરેગાના રૂા.૧.૬૫ લાખના ભ્રષ્ટાચારનો પરપોટો ફુટ્યો, છેલ્લા ૧૦ વર્ષના કામોની તપાસ માટે

સતલાસણા તાલુકામાં ૨૦૨૧ના વર્ષમાં અગ્રણી એડવોકેટ કનુભાઈ એલ.પટેલ દ્વારા સતલાસણા તાલુકાના ગામે ગામના મનરેગા કૌભાંડો બાબતે રાજ્ય કક્ષાએ અરજીઓ કરી હતી. તત્કાલીન લોકપાલ દ્વારા વ્યાપક પ્રમાણના ભ્રષ્ટાચારને ઊઘાડો પાડવાને બદલે દબાવી દેવામાં આવ્યા હતા. જેમાં રાજકીય આગેવાનોનો પણ હાથ હતો તેવુ ચર્ચાય છે. ત્યારે હવે લોકપાલ ગરીશભાઈ શર્મા દ્વારા ખેરાલુનુ આંબા કૌભાંડ, ચાચરીયાનુ માટીકામ કૌભાંડ, જોટાણા અને હવે સતલાસણામાં પણ મનરેગાના કામો કર્યા વગર લાખો રૂપિયા ઘરભેગા કરનાર જવાબદાર અધિકારીઓને સખ્ત સજા કરવા ગુજરાત રાજ્યના ચિફ સેક્રેટરી આઈ.એ.એસ. પંકજકુમારને અહેવાલ મોકલી આપ્યો છે. જેમાં સતલાસણામાં છેલ્લા ૧૦ વર્ષના મનરેગાના કામોની ચકાસણી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા કરાવવા ભલામણ કરી છે. પરંતુ ભ્રષ્ટાચારી સરકારી તંત્ર દ્વારા ખાસ તપાસ થાય તેવુ લાગતુ નથી. કારણકે, ૨૦૨૧માં સતલાસણામાં અનેક ગામોના ભ્રષ્ટાચાર ઉજાગર થયા હતા. છતાં એક પણ મનરેગાના કામમાં ભ્રષ્ટાચાર થયાનુ સાબિત થયુ નથી. જે બતાવે છે કે, લોકપાલ ગીરીશભાઈ પટેલની મુદ્દત વધુ ત્રણ વર્ષ મહેસાણામાં થવી જોઈએ પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને નેતાઓ લોકપાલની મુદ્‌તમાં વધારો થવા દેશે નહી તેવુ નિશ્ચિત દેખાય છે.
સતલાસણા ગામના કૌશિકકુમાર નરેન્દ્રભાઈ પટેલે લોકપાલ ગીરીશભાઈ શર્માને તા.૧૪-૮-૨૦૨૫ના રોજ ફરિયાદ કરી હતી જેણે મનરેગામાં કામ માટે અરજી કરી નથી અને જેનુ જોબકાર્ડ બન્યુ નથી તેવી વ્યક્તિના નામે મનરેગાનુ કામ મંજુર થઈ ગયુ અને લાભાર્થીના ખેતરના બદલે બીજા કોઈ ઈશ્વરભાઈ પટેલના ખેતરમાં રૂા.૧.૬૫ લાખનુ કામ કરી દેવાયુ. લોકપાલે તપાસ દરમ્યાન કૌશિકભાઈ નરેન્દ્રભાઈ પટેલના ખેતરમાં કામ થયુ છે. તેમજ મેટ દ્વારા મનરેગાના કર્મચારીઓ એ સ્થળ બતાવવામાં ભુલ કર્યાનુ સ્વીકાર્યુ હતુ. શરતચુક થવા બાબતે રૂા.૧.૬૫ લાખ મનરેગાના એકાઉન્ટમાં જમા કરાવામાં આવ્યા છે. તેમ જણાવ્યુ હતુ જે રિકવરીનો ઓર્ડર થયા પછી તા.૧૬-૯-૨૦૨૫ના રોજ જમા કરાવ્યા છે.
આ બાબતે લોકપાલ ગીરીશભાઈ શર્માએ અવલોકન કરી રાજ્ય સરકારના ચિફ સેક્રેટરીને મોકલેલ અહેવાલમાં જણાવ્યુ હતુ કે (૧) મનરેગામાં અરજી કરી નથી જોબકાર્ડ બન્યુ નથી. તેના નામે કામ મંજુર કરી અન્ય કોઈ ઈશ્વરભાઈ પટેલના ખેતરમાં રૂા.૧,૬૫,૦૦૦૦/-નુ કામ આવ્યુ છે. (૨) મેટની નિમણુક ૨૦થી વધુ શ્રમિકો હોય ત્યાં હોય છે. કૌશિકભાઈ પટેલના કિસ્સામા યોજનાપુર્વક તદ્‌ન ખોટી રીતે મેટ ઉભો કરાયો છે. (૩) જેના ખેતરમાં કામ થયુ છે તે ઈશ્વરભાઈ પટેલે જમીન સમતળ માટે અરજી કરી હતી. વહીવટી મંજુરી મળેલ નથી છતાં કામ થયુ છે. (૪) મનરેગામાં સિટીઝન ઈન્ફર્મેશન બોર્ડ લગાવ્યુ જ નથી. (૫) કૌશિકભાઈ પટેલની ફરિયાદના સમર્થનમાં ત્રણ સોગંધનામા આવ્યા છે. પાંચ વર્ષમાં જમીન સમતળનું કામ થયુ નથી. (૬) તપાસ સમિતિનો અહેવાલ બિલકુલ ખોટો બનાવટી અને ઢાંક પિછોડ કરવા કર્યા છે. કોઈપણ પ્રકારે, કોઈપણ રીતે જવાબદારોને બચાવવા હિન કક્ષાનો બાલિશ પ્રયત્ન કરાયો છે. (૭) કૌશિક પટેલ જેવા નિર્દોષ, નિષ્પક્ષ નાગરિકોના દસ્તાવેજો ગુનાહીત માનસિક્તાથી મેળવી મનરેગાનુ કામ મંજુર કરાવી બીજા ખેડુતોના ખેતરમાં કામ કરવુ તે સરકારી ફંડનો ભ્રષ્ટાચાર કોઈપણ પ્રકારે ક્ષમાને પાત્ર નથી. (૮) કૌશિકભાઈ પટેલના વિવાદમાં સંભવ છે કે ઈશ્વરભાઈ પટેલને પોતાની જમીન સમતળ કરાવવી હશે. પરંતુ તેમની વહીવટી મંજુરી ન મળી અને મેટ તથા મટીરીયલ્સ સપ્લાય એજન્સી અને મનરેગા કર્મચારીઓની પરસ્પર સમજુતી ઈશ્વરભાઈ પટેલ પાસેથી નાણાં પડાવી જમીન સમતળ કરાવી હોય. (૯) ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિના અભાવે ભ્રષ્ટાચાર આચરતા લોકો ટુકડી બનાવી સરકારી ફંડનો દુરઉપયોગ કરવાની ફાવટ આવી હોય તેવુ જણાય છે. (૧૦) આ અકલ્પનીય ઘટના દ્વારા ખુબજ મોટા પ્રમાણમાં ચોક્કસ ટુકડી તમામ નિતિ નિયમોને નેવે મુકી મનરેગા કર્મીઓની સહાયથી મોટા પ્રમાણમાં સરકારી ફંડનો ભ્રષ્ટાચાર કરવામાં નિષ્ણાત બની ગઈ છે. જેથી આવી હિન માનસિક્તાવાળી ટોળીને ખુલ્લી પાડવી સખ્તમાં સખ્ત સજા કરવી જરૂરી છે. એક વર્ષ સુધી નાણાં વાપરી જમા કરાવી ૧૮% વ્યાજ વસુલવાનુ સમિતિને ભાન ન આવ્યુ. મેટની ભુમિકા બિલકુલ ખોટી છે.
મેટ એતો માત્ર પાણી ઉપર તરતો બરફનો ટુકડો છે. દરિયામાં હિમશીલા તરતી દેખાય છે. જિલ્લા કક્ષાના નિવૃત ન્યાયધીશની અધ્યક્ષતામાં ખાસ તપાસ ટીમ બનાવી સતલાસણા ગામમાં છેલ્લા ૧૦ વર્ષના કામોની તપાસ થવી જરૂરી છે. તેવુ લોકપાલ ગીરીશભાઈ શર્માએ રાજ્ય કક્ષાએ લખીને મોકલ્યુ છે. તપાસ થવાની નથી અને ગુનેગારો નિર્દોષ છુટી જવાના છે. કારણકે, ભ્રષ્ટાચારમાં કોઈ અધિકારીને સજા થઈ હોય તેવુ ક્યારેય બનતુ નથી. વધુમાં વધુ બદલી થાય છે પછી ભીનું સંકેલાઈ જાય છે.