Select Page

વિસનગરમાં સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં ૬ આરોપીના ૮ દિવસના રિમાન્ડ મંજુર

વિસનગરમાં સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં ૬ આરોપીના ૮ દિવસના રિમાન્ડ મંજુર

જીલ્લાના મુખ્ય સરકારી વકીલ વિજય બારોટની મદ્દાસરની ધારદાર દલીલો આધારે

વિસનગરમાં ૧૫ વર્ષિય સગીરા ઉપર અવાર નવાર દુષ્કર્મ કરવાની ચકચારી ઘટનામાં શહેર પોલીસે ગણતરીના કલાકોમાં છ આરોપીઓને દબોચી વધુ પુછપરછ માટે વિસનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેમાં ફરિયાદી તર્ફેના જીલ્લા મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ બારોટની ધારદાર દલીલોને ધ્યાને રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના જજશ્રી એન.એસ.સિદ્દિકીએ તમામ આરોપીના ૮ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
વિસનગરમાં રહેતી ૧૪ વર્ષ અને ૧૦ મહિનાની ઉંમર ધરાવતી સગીરા તા.૪-૧૦-૨૦૨૫ના રોજ રાત્રીના સુમારે ચાલતી જતી હતી. તે દરમિયાન શહેરમાં રહેતા છ નરાધમોએ બે દિવસ અલગ અલગ સ્થળે લઈ જઈ તેની મરજી વિરૂધ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનામાં સગીરાએ પરિવારને જાણ કરતા તેમને છ નરાધમો સામે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે છ આરોપીઓ વિરૂધ્ધ આઈ.પી.સી.કલમ ૧૩૭(૨), ૬૪(૨) (એમ), ૬૫(૧), ૭૦(૨), ૧૨૭(૨) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓની વધુ પુછપરછ માટે ગુરુવારના રોજ વિસનગર સેસન્સ કોર્ટમાં ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં ફરિયાદી તર્ફેના મહેસાણા જીલ્લા મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ બારોટે આરોપીઓ વિરૂધ્ધ સેશન્સ કોર્ટમાં એવી દલીલો કરી હતી કે આ ગુનામાં આરોપીઓએ પહેરેલા કપડા તથા સગીરાને જુદી જુદી જગ્યાએ લઈ જવામાં ઉપયોગમાં લીધેલ વાહનો કબજે કરવાના બાકી છેે. પોલીસ તપાસમાં આરોપીઓની ઓળખ પરેડ બાકી છે. બે દિવસ અને બે રાત્રીના સમય ગાળામાં આ આરોપીઓ સિવાય અન્ય કોઈ ઈસમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે કે કેમ તેની પણ તપાસ બાકી છે. વધુમાં સગીરા સાથે સામૂહિક બળાત્કાર થયો હોવાથી અત્યારે તે માનસીક અસ્વસ્થ જણાતી હોવાથી બે દિવસ પછી તેની વધુ પુછપરછ માટે આરોપીઓની હાજરી જરૂરી છે. જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ બારોટની મુદ્દાસરની ધારદાર દલીલોને ધ્યાને રાખી સ્પેશ્યિલ પોક્સો કોર્ટના જજશ્રી એન.એસ.સિદ્દિકીએ તમામ આરોપીઓની પુછપરછ માટે ૮ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.