ખેરાલુ પાલિકાની જનરલમાં કોંગ્રેસના પ્રશ્નો-ભાજપ ગેંગેં ફેંફેં
ખેરાલુ પાલિકાની જનરલ મિટીંગ ૭-૫-૨૫ ના રોજ મળી હતી. પાલિકામાં ૨૪ પૈકી ૧૭ સભ્યોની બહુમતી છે પરંતુ કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈના પ્રશ્નોની વણઝાર સામે ભાજપના સભ્યો ગેંગેં ફેંફેં કરતા જોવા મળ્યા હતા. ભાજપ તરફથી રજુ કરાયેલા ૨૮ એજન્ડાના કામોમાં કોંગ્રેસ દ્વારા ચાર ઉપરાંત્ત એજન્ડાના કામોના ઠરાવો રોકી દીધા છે. ભાજપના સભ્યો કોઈપણ પ્રકારની તૈયારી વગર પરિક્ષા આપવા જનરલ મિટીંગમાં પહોચ્યા હતા જ્યાં નાપાસ થયા હતા. કોંગ્રેસ દ્વારા ડ્રેનેજ ફી, જિલ્લા આયોજનની બચત ગ્રાન્ટ, સ્પોર્ટ કોમ્પલેક્ષ, ઓફિસ ફર્નિચર, મહાકાલેશ્વર મુક્તિધામ પેવરબ્લોક, સથવારા સમાજની વાડી માટે રોડ, સીસીટીવી કેમેરા, ડી.વાય.એસ.પી.ઓફીસ, સાયન્સ કોલેજ જેવા કામોના એજન્ડામાં કોંગ્રેસે જબરદસ્ત વિરોધ કર્યો હતો. જેમાંથી ચાર પાંચ એજન્ડાના કામોમાં ભાજપના સભ્યો ચિફ ઓફીસરને જવાબ આપવાનું કહેતા જોવા મળ્યા હતા. એજન્ડાના કામોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનને સમજણ ન પડતી હોય તો એજન્ડા બનાવ્યો કોણે? ભાજપ પક્ષના નેતા ચેતનજી ઠાકોરે બહુમતીથી ઠરાવ કરવાનું કહ્યું છતા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને સમર્થન કર્યુ નહોતુ. ખરેખર પાલિકા ભાજપની છે પણ કોંગ્રેસનો પ્રમુખ હોય તે રીતે પાલિકાની જનરલ ચાલતી જોવા મળી હતી. મહિલા સભ્ય હિરાબેનના પતિ ભગુભાઈ જનરલ સાંભળવા આવ્યા ત્યારે કોંગ્રેસે અપમાન કરીને કાઢી મુક્યા હતા.
ખેરાલુ પાલિકાની જનરલમાં પ્રથમ અને બીજો કમિટીઓની રચનાનો મુદ્દો સર્વાનુમતે મંજુર કરાયો હતો. ત્રીજા કામમાં ડ્રેનેજ કનેક્શનની વાર્ષિક ફીમાં મુકેશભાઈ દેસાઈએ જોરદાર વિરોધ કરતા ઠરાવ પેન્ડીંગ થયો હતો. કોંગ્રેસે જણાવ્યુ હતું કે, ફેઝ-૧,૨માં વિચારો ખોટુ કરશો તો ભગવાન પણ માફ નહી કરે. કમિટીઓની રચનામાં દંડકને બે હોદ્દા મળતા પેન્ડીંગ રાખવાની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ ડ્રેનેજ કનેક્શનની ચર્ચામાં રહેણાંક માટે ૫૦૦/- તથા બિન રહેણાંક માટે ૧૦૦૦/- ની ફી નક્કી કરવાની હતી. જે મહેશભાઈ બારોટના કહેવાથી પેન્ડીંગ કરાયો હતો. મુદ્દા નં.૪ માં સ્લમ વિસ્તારના રિ-ડેવલપમેન્ટમાં કોંગ્રેસે સમર્થન કર્યુ હતુ. મુદ્દા નં.૫ તાલુકા પંચાયતની જગ્યા મેળવવા કોંગ્રેસે સમર્થન કર્યુ હતુ. ૧ કરોડની ગ્રાન્ટ પાલિકા ભવન માટે મળશે તેવુ ચિફ ઓફિસરે જણાવ્યુ હતુ. મુદ્દા નં.૬માં બચત ગ્રાન્ટ બાબતે ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે તડાતડી થઈ હતી. આ ગ્રાન્ટ મારૂન્ડા માતાથી રબારીવાસ પાસે જતી ખુલ્લી ગટરનું કામ ૪.૫ લાખ ફાળવાતા કોંગ્રેસે વિરોધ કરી અગાઉના ૧૪.૫ લાખ મંજુર થયા છે તેની સાથે કામ મુકવા જણાવ્યુ હતુ. જેની સત્તા પ્રમુખને સોંપાઈ હતી. મુદ્દા નં.૭ થી ૧૩ હાઈસ્કુલ અને ગર્લ્સ હાઈસ્કુલના હોવાથી કોંગ્રેસે વિરોધ કરતા બન્ને હાઈસ્કુલોના પ્રિન્સીપાલોને બોલાવ્યા હતા. જેમાં મહેશભાઈ બારોટે હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જવાની ચર્ચા છેડતા પ્રિન્સીપાલે વિનોદભાઈ ચૌધરીએ સ્કુલમાં આવી તપાસ કરવા જણાવ્યુ હતુ. સ્પોટ્ર્સ કોમ્પલેક્ષ માટે સર્વે નં.૨૧૦, ૨૧૧, ૨૧૨માં નિવાસી શાળા પાસે બનાવવા ઠરાવનો કોંગ્રેસે વિરોધ કરતા જણાવ્યુ હતું કે જેટલી જમીન સ્પોટ્ર્સ કોમ્પલેક્ષ માટે જોઈએ તેટલી જમીનનોજ ઠરાવ કરવા જણાવ્યુ હતુ. મુદ્દા નં.૧૫ માં ઓફિસ ફર્નિચર માટે કોંગ્રેસે જણાવ્યુ કે જેટલી જરૂરીયાત હોય તેટલો પહેલા એસ્ટીમેટ બનાવો તે પછી અંદાજો આવ્યા પછી ઠરાવો કરો ખોટો ખર્ચ થતો અટકાવો. મુદ્દા નં.૧૬ માં કોંગ્રેસે સમર્થન કર્યુ હતુ. જરૂરી વોટર સપ્લાય માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરાશે. મુદ્દા નં.૧૭ માં કેટલ પોન્ડસ (ઢોર ડબો) સર્વે નં.૨૫૧૩ માં નવા ગંજબજાર પાછળ બનાવાશે. આ દરમ્યાન પાલિકા હૉલનું બારણું ખોલતા ખુબજ અવાજ કરતા મહેશભાઈ બારોટે બારણુ રિપેરીંગ તથા હૉલના પંખા રિપેરીંગ કરવા ચિફ ઓફિસરને ટકોર કરી હતી. મુદ્દા નં.૧૮ વિજળી કરણનો હોવાથી સર્વાનુમતે મંજુર કરાયો હતો. મુદ્દા નં.૧૯ મહાકાલેશ્વર મુક્તિધામ(સ્મશાન)માં બ્લોક નાંખવાના ઠરાવનો ઉંમરફારૂક સિંધી અને મુકેશભાઈ દેસાઈએ વિરોધ કરતા જણાવ્યુ કે સ્મશાનમાં પાલિકાને બ્લોક નાંખવાનો અધિકાર નથી. ખોટા નાણાં વેડફ્યા વગર જનરલ કામોમાં નાણાં વાપરો. મુદ્દા નં.૨૦ માં સથવારા સમાજની વાડીની સુચિત જગ્યા માટે પાલિકાનો રોડ વાપરવાના ઠરાવનો કોંગ્રેસે વિરોધ કરી કલેક્ટર પાસે જવા તેમજ પાલિકાને આવા ઠરાવ કરવાની સત્તા નથી તેમ જણાવ્યુ હતુ. મુદ્દા નં.૨૧ મહેકમની જગ્યા મંજુર કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો. મુદ્દા નં.૨૨ સીસીટીવી કેમેરા નાંખવા મુદ્દે ચિફ ઓફિસરને ઠરાવ રદ કરવા કોંગ્રેસે સુચના આપી હતી. નવા નંખાયેલા સીસીટીવી કેમેરા બંધ છે છતા મેઈન્ટેનન્સ થતુ નથી. ચેતનજી ઠાકોરે આ બાબતે સમર્થન કર્યુ હતુ. ચિફ ઓફિસરે જણાવ્યુ કે સીસીટીવી કેમેરા ખોટી રીતે નાંખ્યા છે. પોલીસ સુરક્ષા સમિતિએ સીસીટીવી કેમેરા નાંખવાના હોય છે. હલકી ક્વૉલીટીના કેમેરા નંખાયા છે તેમ જણાવ્યુ હતુ. મુદ્દા નં.૨૩માં ડીવાયએસપી કચેરી માટે જગ્યા આપવા મુદ્દે કોંગ્રેસે કહ્યુ કે માંગણી આવ્યા વગર કેમ ઠરાવો કરો છો જેનું ચિફ ઓફિસરે સમર્થન કર્યુ હતુ. મુદ્દા નં.૨૪ સાયન્સ કોલેજ મ્યુનિસિપલ હાઈસ્કુલમાં શરૂ કરવાના ઠરાવમાં કોંગ્રેસે કહ્યુ કે કેળવણી મંડળની મિલ્કતમાં પાલિકા કેવીરીતે ઠરાવ કરી શકે. આ ઠરાવ રદ કરવા જણાવતા ભાજપના સભ્યો જવાબ આપી શક્યા નહોતા. બાકીના ચાર મુદ્દા સર્વાનુમતે મંજુર કરાયા હતા.
કોંગ્રેસના જબરદસ્ત વિરોધ વચ્ચે ભાજપના હોદ્દેદારોને શું જવાબ આપવો તે સમજાતુ નહોતુ. ખેરાલુ નગરપાલિકામાં ભાજપનું નહી પણ કોંગ્રેસનુ શાસન હોય તેવુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.