ઈ-૨૦ – ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચાણના નિર્ણયથી દેશની વિદેશી મુદ્રાની બચત કરવાની નીતિમાં વાહનચાલકોને નુકશાન થવાનો ભય
તંત્રી સ્થાનેથી…
ઈ-૨૦ પેટ્રોલ એ કોઈ નવો વિચાર કે નવો અભિગમ નથી. વિશ્વના દેશોમાં બ્રાઝીલ દેશ એવો છેકે જેણે આજથી ૫૫ વર્ષ પહેલા એટલે કે ૧૯૭૦ મા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો અમલ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કૃડતેલના ભાવ પર જે રીતે કૃડ તેલ ઉત્પાદક દેશોનુ વર્ચસ્વ હતુ અને આયાતી ખર્ચ વધતો જતો હતો, તે સમયે બ્રાઝીલે સર્વપ્રથમ દેશમાં સુગરકેન(શેરડી)નુ ઉત્પાદન વધારવાની તૈયારી કરી પ્રોસેસીંગ યુનિટ સ્થાપીને ઈથેનોલનુ ઉત્પાદન વધાર્યુ અને ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનુ વિતરણ શરૂ કર્યુ. પેટ્રોલના વપરાશકર્તા વાહન ચાલકો આ નવી વ્યવસ્થામાં સ્વીચ ઓવર થઈ જાય તે માટે યોગ્ય મિકેનિઝમ પણ ગોઠવ્યુ. બ્રાઝીલ છેલ્લા ૫૫ વર્ષથી પેટ્રોલમાં ઈથેનોલનો ઉપયોગ કરીને કૃડ તેલની ખરીદીમાં કિંમતી હુંડીયામણ બચાવી રહ્યુ છે. ફક્ત બ્રાઝીલજ નહી પરંતુ વિશ્વના અનેક દેશો બાયોફ્યુઅલનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકા કે જે વિશ્વમાં ૫૦ ટકાથી વધુ ઈથેનોલનુ ઉત્પાદન કરે છે. તે મોટા ભાગે ૧૦ ટકા બ્લેન્ડેડ પેટ્રોલનુ વેચાણ કરે છે. જેની સાથે શુધ્ધ પેટ્રોલ પણ વેચે છે. ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચાણ તરફ વિશ્વના દેશોની નજર એટલા માટે મંડરાઈ છે કે, ઈથેનોલ એક બાયોફ્યુઅલ છે. જે શેરડી, મકાઈ અથવા અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી બને છે. ઈથેનોલનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન ઓછુ થાય છે. જે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદ કરે છે. ઈથેનોલના દહનથી ઓક્સીજનનુ પ્રમાણ વધે છે. જેના કારણે પ્રદૂષણ પણ ઓછુ થાય છે. મહત્વની બાબત એ છેકે જે દેશ ઈથેનોલનુ ઉત્પાદન કરીને પેટ્રોલમા મિશ્રણ કરે છે તે દેશનુ વિદેશી હુંડીયામણ પણ બચે છે. ઈથેનોલ મિશ્રિત પેટ્રોલની વાત અત્યારે એટલા થઈ રહી છેકે ભારત સરકારે ઈ-૨૦ પેટ્રોલનો નિર્ણય કર્યો છે. સરકારનો દાવો છેકે દેશમાં જે રીતે કૃડ તેલની આયાત થાય છે તે આપણા દેશની વિદેશી હુંડીયામણનો મોટો ભાગ ખાઈ જાય છે. આ સાથે કૃડ ઈકોનોમીજ નહી પરંતુ કૃડ પોલીટીક્સ પણ દેશને અસર કરી રહી છે. રશીયા પાસેથી ડીસ્કાઉન્ટમાં કૃડ તેલ ખરીદવાના મુદ્દે અમેરિકાએ ભારત ઉપર ૫૦ ટકા વધુ ટેરીફ લગાવ્યો છે. જેના કારણે બન્ને દેશો વચ્ચેના વર્ષોના સબંધો પણ વિવાદમાં સપડાયા છે. ચોક્કસપણે ભારત માટે કૃડ તેલ એક સમસ્યા છે. પરંતુ તેનો ડામ લોકોને શા માટે અને તે પણ બીનજરૂરી. કોઈ રીતે વાહન ચાલકોને વિશ્વાસમાં લીધા વગર આ પ્રકારનો નિર્ણય પ્રશ્ન સર્જે તે સ્વભાવિક છે. સરકાર ઈચ્છી રહી છે કે લોકો ઈ-૨૦ પેટ્રોલનો ઉપયોગ કરે. પરંતુ આ પ્રકારનુ બ્લેન્ડેડ પેટ્રોલ એ હાલના વાહનો અને ભારતમાં જે વાહનોનુ ઉત્પાદન થઈ રહ્યુ છે તે માટે સંપૂર્ણપણે યોગ્ય છેકે નહી, આ નિર્ણયથી દેશની જનતાને ઈંધણના ખર્ચમાં બચત થશે કે નહી, દેશને પણ કૃડ તેલની આયાતમાં લાભ થશે કે નહી તેવા અનેક પ્રશ્નો લોકોમાં થઈ રહ્યા છે. દેશના પેટ્રોલીયમ મંત્રાલયે આંકડા આપીને જણાવ્યુ છેકે, પેટ્રોલ કરતા ઈથેનોલનુ ઓક્ટેન રેટીંગ વધુ હોવાથી ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ વધુ ઉચ્ચ ગુણવત્તાવાળુ હોય છે. આ અંગે દેશ વિદેશની વિવિધ સંસ્થાઓ દ્વારા પરીક્ષણો કરવામાં આવ્યા છે. ઓટોમેટીવ રીસર્ચ એસોસીએશન ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પેટ્રોલીયમ અને ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓએ કરેલા ટેસ્ટીંગમાં સાબીત થયુ છે. પેટ્રોલીયમ મંત્રાલયે એ પણ સ્વિકાર્યુ છે કે, ઈથેનોલ મિશ્રીત પેટ્રોલના કારણે વાહનોના માઈલેજમાં થોડો ઘણો ઘટાડો થઈ શકે છે. જોકે આ ઘટાડો ઈથેનોલની ઓછી ઉર્જા ઘનતાના કારણે થાય છે. અને એવુ પણ અનુમાન કરવામાં આવ્યુ છે કે નવા વાહનોમાં ૧ થી ૨ ટકા જ્યારે જુના વાહનોમાં ૩ થી ૬ ટકા માઈલેજ ઘટી શકે છે. ઈથેનોલના પરીક્ષણોમાં ભલે કોઈ નુકશાન જોવા મળ્યુ ન હોય પણ કેટલાક જુના વાહનોમાં ઈથેનોલ રબર અને પ્લાસ્ટીક પાર્ટસ ઉપર અસર કરી શકે છે. જેના કારણે લીકેજ કે અન્ય સમસ્યાઓ થવાની શક્યતા રહેલી છે. ઈથેનોલમાં પાણીનો ભાગ વધારે હોવાથી કાટ સર્જક ગણાય છે. વાહનની ટેંકમાં કાટ લાગવાની સમસ્યા પણ ઉભી થાય છે. જે વાહનોનો વપરાશ ખુબજ ઓછો થાય છે તેવા વાહનોમાં ઈ-૨૦ પેટ્રોલના કારણે સ્ટાર્ટીંગ પ્રોબ્લેમ પણ થાય તેમ છે. પેટ્રોલ સાથે ૨૦ ટકા ઈથેનોલનુ મિશ્રણ વાહનોના એન્જીન અને ખાસ કરીને જૂના મોડલના વાહનોને નુકશાન પહોચાડી શકે છે. જોકે સરકારનો દાવો છેકે લાંબા પરીક્ષણમાં વાહનોને ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપર ૧ લાખ કિલોમીટર ચલાવવામાં આવ્યા હતા અને દર ૧૦ હજાર કિ.મી.એ તપાસવામાં આવ્યા હતા. જેમાં પાવર, ટોર્ક અને માઈલેજમાં કોઈ તફાવત જોવા મળ્યો નહોતો. નવા વાહનો આ ફેરફાર સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ જુના વાહનો ઈ-૨૦ ની નીતિ સામે કેટલા ટકશે તેનો હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. બ્રાઝીલમાં ઈ-૨૦ પેટ્રોલના ઉપયોગ માટે વાહનોના એન્જીનને રીએન્જીન કરવામાં આવ્યા હતા. ઈથેનોલના કારણે જે ક્ષતિઓ ઉભી થઈ હતી તેના ઉપાય કરવામાં આવ્યા હતા. જ્યારે ભારત દેશમાં ઈ-૨૦ પેટ્રોલના વેચાણનો અમલ તો થઈ ગયો પરંતુ તેના કારણે વાહનોને જે નુકશાન થવાની શક્યતા છે તે બાબતે સરકાર દ્વારા કોઈ વિચાર કે નિર્ણય કરવામાં આવ્યો હોય તેવુ જણાતુ નથી. ભારતમાં કોઈ ચર્ચા વગરજ અને કોઈ વૈજ્ઞાનિક પુરાવા કે તારણો વગરજ પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણનો જે કંઈ નિર્ણય લેવાયો છે તેમાં વાહન ચાલકોને તેનો સ્વિકાર કર્યા વગર કોઈ વિકલ્પ નથી.