હાઈવેની સોસાયટી-કોમ્પલેક્ષ આગળ ડસ્ટબીન મુકાશે
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિસનગર પાલિકા દ્વારા
શહેરનો હાઈવે વિસ્તાર કે જ્યા કચરા માટે ડોર ટુ ડોરની વ્યવસ્થા થઈ શકે તેમ નથી તેવા વિસ્તારમાં સોસાયટીઓ તથા કોમ્પલેક્ષ આગળ પાલિકા દ્વારા ભીનો સૂકો કચરો નાખી શકાય તેવા લોખંડના પાંજરાવાળા ડસ્ટબીન મુકવામાં આવશે. શહેરમાં ગંદકી ન ફેલાય અને સ્વચ્છતા જળવાય તે માટે પાલિકા દ્વારા ડસ્ટબીન મુકવામાં આવતા સહકાર આપવા સ્વચ્છતા પ્રેમી જનતાને ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ અપીલ કરી છે.
વિસનગર શહેરના હાઈવે ઉપરની તેમજ પાલિકા હદ બહાર આવેલી સોસાયટીઓ તથા કોમ્પલેક્ષ આગળ ખુલ્લામાં કચરો નાખવામાં આવતા ભારે ગંદકી ફેલાતી હતી. જેના કારણે હાઈવે ઉપર ખુબજ કચરો એકઠો થતો હોવાથી શહેરની શોભાને અસર થતી હતી. જ્યાં પાલિકાની ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી વ્યવસ્થા પણ નહતી. આવા વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશનની રૂા.૧૨ લાખની ગ્રાન્ટમાંથી પાલિકા દ્વારા કચરા સ્ટેન્ડ મુકવામાં આવી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગ જેવા કે વિસનગરથી કડા રોડ, વિસનગરથી મહેસાણા રોડ તથા પાલડી ત્રણ રસ્તાથી કડા ત્રણ રસ્તા સુધીના હાઈવે ઉપર આવેલ સોસાયટી તથા કોમ્પલેક્ષ આગળ ડસ્ટબીન મુકવા કુલ ૧૦૦ લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. શહેરનો કડા રોડ આઠ ગામ કડવા પાટીદાર સમાજની વાડી સુધી આઈકોનિક રોડ બનવાનો છે. આકર્ષક આઈકોનિક રોડની ગરીમા જળવાય તે માટે પણ પાલિકાની હદ બહારની સોસાયટી, માર્કેટ આગળ ડસ્ટબીન મુકવામાં આવશે. પાલિકાની સ્વચ્છતા વિભાગની ટીમે હાઈવે ઉપરની કંઈ સોસાયટી અને કયા માર્કેટ આગળ લોકો કચરો નાખે છે તેમજ કચરો એકઠો થાય છે તેનો અભ્યાસ કર્યા બાદ ડસ્ટબીન મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા કચરો નાખવાની ઉભી કરેલી સુવિધા ડસ્ટબીનનો લોકો ઉપયોગ કરતા થશે ત્યારે શહેરના હાઈવેના માર્ગ ગંદકી મુક્ત સ્વચ્છ જોવા મળશે. લોખંડનુ સ્ટેન્ડ, તેનુ કલરકામ, ૨૦૦ લી.ના બે બેરલ સાથે રૂા.૧૧,૯૫૦/- ની કિંમતમા એક ડસ્ટબીન ઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યુ છે.
ડસ્ટબીનની ડિઝાઈન બાબતે ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ જણાવ્યુ છેકે સેગ્રીકેશન એટ સોર્સ એટલેકે કચરાના ઉત્પાદન સ્થળેજ સૂકા અને ભીના કચરાનુ વર્ગીકરણ થાય તે રીતે બે બેરલ મુકવામાં આવ્યા છે. ડસ્ટબીન સ્ટેન્ડની ડિઝાઈન એવી રીતે કરાઈ છેકે તેમા સરળતાથી કચરો નાખી શકાશે, રખડતા ઢોર મોઢુ નાખી શકશે નહી અને કચરો ફેલાશે નહી. શહેરના અંદરના વિસ્તારમાં કે જ્યા વેપારીઓ છુટો કચરો નાખે છે અને કચરો એકઠો થાય છે તેવા સ્થળે પણ ડસ્ટબીન મુકવામાં આવશે. જે તે હાઈવે ઉપરની સફાઈ કરતી એજન્સી ડસ્ટબીનમાં એકઠો થયેલો કચરો ઉઠાવી તેનો નિકાલ કરશે. શહેરના હાઈવે ઉપર છુટો કચરો નાખવાના કારણે ગંદકી થતી હોવાથી ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. ડસ્ટબીન મુકવા ટોટલ ૧૦૦ લોકેશન નક્કી કર્યા છે. હાલમાં ૩૦ લોકેશન ઉપર ડસ્ટબીન ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. બાકીના નક્કી કરવામાં આવેલા ૭૦ લોકેશન ઉપર ડસ્ટબીન ઈન્સ્ટોલ કરવામાં આવશે. લોકોની આરોગ્ય અને સુખાકારી તેમજ ગંદકી ન ફેલાય તે માટે ડસ્ટબીન મુકવામાં આવ્યા હોવાથી લોકો ડસ્ટબીન માજ કચરો નાખવા આગ્રહ રાખે તેવી ચીફ ઓફીસર દ્વારા અપીલ કરવામાં આવી છે.