Select Page

શેરી ગરબાજ આદ્યશક્તિ જગત જનની માઁ અંબાની સાચી ઉપાસના

શેરી ગરબાજ આદ્યશક્તિ જગત જનની માઁ અંબાની સાચી ઉપાસના

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવરાત્રિના નવ દિવસ રંગોનુ મહત્વ

તંત્રી સ્થાનેથી…

આજથી આદ્યશક્તિ માઁ અંબાનો નવ દિવસનો નવરાત્રિ તહેવાર શરૂ થઈ ગયો છે. મંદિરોમાં ઘટસ્થાપન સાથે નવરાત્રિની ઝગમગતી રાત્રીમાં માતાજીના ગરબે ઘુમવા ખેલૈયાઓ તૈયાર થઈ ગયા છે. નવરાત્રિનો તહેવાર દરેક શ્રધ્ધાળુ પોતાની શ્રધ્ધા અને ભક્તિથી ઉજવે છે. પહેલાના સમયમાં ચાર નવરાત્રિ ઉજવાતી હતી જ્યારે હાલના સમયમાં ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ પ્રચલીત છે. નવરાત્રિ બે શબ્દો નવ અને રાત્રિથી બનેલો છે. આ દિવસોમાં ઘણા ભક્તો ભારતના જાણીતા માતાજીના સ્થાનકો વૈષ્ણવદેવી, કામખ્યા દેવી, વિંધ્યાચલ, જ્વાલા દેવી, યાત્રાધામ અંબાજી જેવા શક્તિપીઠોમાં માતાજીના દર્શન કરવા જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અને માન્યતાઓ મુજબ નવરાત્રિના નવ દિવસ માતાજીના નવ સ્વરૂપ અને વસ્ત્રોના રંગનુ ઘણુ મહત્વ છે. નવ દિવસ પ્રમાણે જણાવેલ રંગના વસ્ત્રો પહેરી પૂજા અને ગરબે ઘુમવાનુ મહત્વ છે. પ્રથમ દિવસ માતા શૈલપુત્રીની પૂજા થાય છે. પર્વત રાજા હિમાલયના સ્થાને જન્મ થયો હોવાથી શૈલપુત્રી કહેવામાં આવે છે. આ દિવસે માતાજીની નંદીની સવારી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનુ ફૂલ છે. જ્યારે કેસરી રંગનુ મહત્વ છે. બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા થાય છે. જે માતા દુર્ગાનુ બીજુ સ્વરૂપ છે. માતા પાર્વતી અપરણિત હતા ત્યારે તેમને બ્રહ્મચારિણી સ્વરૂપે ઓળખવામાં આવતા હતા. આ દિવસે સફેદ રંગનુ મહત્વ છે. ત્રીજા દિવસે ચન્દ્રઘંટા મા દુર્ગાનુ ત્રીજુ સ્વરૂપ છે. પૌરાણીક કથા મુજબ એવુ માનવુ છેકે પાર્વતીજીના ભગવાન શિવ સાથેના વિવાહ દરમિયાન આ નામ આપવામાં આવ્યુ હતુ. આ દિવસે લાલ રંગનુ મહત્વ છે. નવરાત્રિના ચોથા દિવસે મા દુર્ગાની કુષ્માંડા સ્વરૂપે પૂજા થાય છે. કુષ્માંડા વાઘની સવારી કરે છે અને આઠ ભુજાઓ છે. આ દિવસે ભુરા રંગનુ મહત્વ છે. નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેયનુ એક નામ સ્કંદ પણ છે. સ્કંદની માતા હોવાથી આ નામ આપવામાં આવ્યુ છે. આ દિવસે પીળા રંગનુ મહત્વ છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે મા દુર્ગાનુ સ્વરૂપ કાત્યાયની છે જે સિંહ પર સવાર છે. આ દિવસે લીલા રંગનુ મહત્વ છે. નવરાત્રિના સાતમના દિવસે મા દુર્ગાનુ સ્વરૂપ કાલરાત્રિનુ છે. મા કાલીના સ્વરૂપની આ દિવસે પૂજા થાય છે. આ દિવસે ગ્રે રંગનુ મહત્વ છે. આઠમના દિવસે મા દુર્ગાની મહાગૌરી સ્વરૂપે પૂજા થાય છે. માતાનુ આ સ્વરૂપ શાંતી અને જ્ઞાનની દેવીનુ પ્રતિક છે. જાંબલી રંગનુ મહત્વ છે. નવરાત્રીની નોમના દિવસે મા દુર્ગાની સિધ્ધિદાત્રીના સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. આ દિવસે મોરપીંછ રંગનુ મહત્વ છે. નવરાત્રિના નવ દિવસની પૌરાણિક દંત કથાઓ છે. એક પૌરાણિક કથા અનુસાર શક્તિશાળી અસુર મહિષાસુરે ભગવાન શિવની તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થઈ દર્શન આપ્યા ત્યારે મહિષાસુરે અમરત્વનુ વરદાન માંગ્યુ. ભગવાન શિવજીએ કોઈ દેવતા કે અસુર એની ઉપર વિજય પ્રાપ્ત કરી શકે નહી તેવુ વરદાન આપ્યુ. વરદાન મળ્યા બાદ પોતાને ભગવાન સમજી આ અસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. મહિષાસુરની શક્તિઓથી ડરીને ઈન્દ્રદેવે ભગવાન શિવને પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાની શક્તિઓ એકત્રિત કરીને એક દૈવીય શક્તિ મા દુર્ગાનુ સર્જન કર્યુ. મા દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ રાત સુધી યુધ્ધ થયુ અને અસુરનુ મસ્તક ધડથી અલગ ધરી દીધુ. બુરાઈનો અચ્છાઈ ઉપર વિજય મેળવવા માટે વિજ્યાદશમીનો તહેવાર મનાવવામાં આવે છે. નવરાત્રિ દરમ્યાન મા શક્તિની ઉપાસના અને આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથીજ લોકો નવરાત્રિના નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. નવરાત્રિ મનાવવાના વિવિધ ધાર્મિક અને પૌરાણિક કારણો સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. નવરાત્રિનો ઉત્સવ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઉજવાય છે. આ નવ દિવસના સમયગાળા દરમ્યાન સામાન્ય રીતે સંધિકાળ હોય છે. એટલે કે બે ઋતુઓ જેવુ સમાન વાતાવરણ હોય છે. સંધિકાળ દરમ્યાન સામાન્ય રીતે શરીરમાં તાવ, કફ, પિત્તના પ્રમાણની વધઘટ થતી હોવાથી રોગપ્રતિકારક ક્ષમતા ઘટતી જાય છે. જેથી નવરાત્રિના નવ દિવસ જાપ, ઉપવાસ, ધ્યાન, હવન અને શારીરીક શ્રમ આપતા ગરબા ઘુમવાથી શરીરની અશુધ્ધીઓનો નાશ થાય છે. નવરાત્રિ પૂજા, ઉપવાસ અને આરાધનનુ પર્વ છે. ત્યારે હવે ડીજે અને લાઈવ ઓરકેસ્ટ્રાના તાલે નાચ, ગાન અને ખેલૈયાઓમાં છવાઈ જવા પ્રદર્શનનો તહેવાર બની ગયો છે. એક સમયે શેરી ગરબાનુ મહત્વ હતુ. શેરીઓમાં તથા ગામના ચોકની વચ્ચે માંડવી મુકીને ગરબા રમવામાં આવતા હતા. ગામડાઓમાં નવરાત્રિના ગરબાની આ પ્રથા હજુ જળવાઈ છે. જ્યારે મોટા શહેરોમાં આનુ સ્થાન પાર્ટીપ્લોટે લઈ લીધુ છે. હવે તો ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો ગવાય છે. જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ આપણી સંસ્કૃતિનો ધ્વંશ થઈ રહ્યો છે અને આપણી ગરબા સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામી રહી છે.