નેશનલ હાઈવે ઓથોરીટી પાસે ડિવાઈડરમાં ગેપ મુકવા માગણી
ખેરાલુ સાંઈમંદિર પાછળ શહેરમા પ્રવેશતા રોડ માટે
ખેરાલુ શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવેના રોડ વચ્ચે દોઢ-મીટર પહોળાઈનુ ડીવાઈડર બનાવવાનુ શરુ કરાયુ છે. જ્યાંથી શહેરમા પ્રવેશતા રસ્તા છે ત્યાં વાહનોની અવર જવર માટે ડિવાઈડર અટકાવી જગ્યા ખુલ્લી મુકવી જોઈએ. આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ છે કે રૂપેણ નદીના પુલ પછી ઠીકરી તળાવ જતા જુનો નાનીવાડા જવાના રસ્તો ખુલ્લો રખાયો છે ત્યારબાદ સીધા નાનીવાડા સુધી રસ્તામા કયાંય પણ ડીવાઈડરમાં ખાંચો મુકાયો નથી. ખેરાલુ વૃદાવન ચોકડીથી સાંઈ મંદિર પાછળ ખેરાલુ શહેરમા પ્રવેશતો રોડ ૧.પ કી.મી. દુર છે. જેથી ખેરાલુ શહેરમા પ્રવેશતા રસ્તા માટે ડિવાઈડરમા ગેેપ મુકવા ખેડુતો માંગણી કરી રહ્યા છે.
નેશનલ હાઈવે જે કોઈ શહેર કે ગામમાંથી પસાર થાય તેગામ કે શહેરની મધ્યથી બન્ને બાજુ અવર જવર માટે બે કી.મી.નો સર્વિસ રોડ બનાવવામા આવે છે. પરંતુ હાલ ખેરાલુમા બની રહેલા નેશનલ હાઈવેની બન્ને બાજુ સર્વિસ રોડ મુકવામા આવ્યો નથી. ખેરાલુ શહેરમાંથી સાંઈમંદિર પાછળના રોડે અવરજવર કરતા ખેડુતોને નાનીવાડા સુધીનો ફોગટનો આંટો મારવો પડશે . ખેરાલુ થી અંબાજી રોડ ઉપર કાયમ ભારે ટ્રાફિકની સમસ્યા રહે છે. જો સાંઈમંદિર પાછળ જતા રોડની અવર જવર માટે નેશનલ હાઈવેમા ખાંચો મુકવો જરૂરી છે. આ વિસ્તારના ખેડુતો દ્વારા પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે જો નેશનલ હાઈવે ઉપર ખેરાલુમા પ્રવેશતા રોડ ઉપર ખાંચો મુકવામા નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવુ પડશે.
ખેરાલુના ખેડુતો અગ્રણી જસુભાઈ કાળુભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા સાંઈ મંદિર પાછળ ખેરાલુ શહેરમા પ્રવેશતા રોડ ઉપર ખાંચો મુકે અથવા રોડની બન્ને બાજુ સર્વિસ રોડ બનાવે તે માટે માંગણી કરાઈ છે. આ બાબતે ખેરાલુ પાલિકા પ્રમુખ મોહીનીબેન વિશલાભાઈ પંડયા અને ઉપપ્રમુખ ગીતાબેન વિક્રમભાઈ ચૌધરી દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી સમક્ષ રજૂઆત કરી છે. ખેડૂતો લડાયક મુડમા છે. જો નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા શહેરમા પ્રવશેવાનો માર્ગ બંધ કરશે તો રોંગ સાઈડ વાહનો દ્વારા અકસ્માતોની વણઝાર વધશે. લોકોની જાનહાની થાય તે પહેલા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી રજૂઆત કરે તે યોગ્ય કહેવાશે.