વેરાયેલી કપચી-ધૂળની ડમરીઓથી વાહનચાલકો ત્રસ્ત
ખાડા પુરવા વેટમીક્ષ નાંખવાથી નવી સમસ્યા
વિસનગર પાલિકા દ્વારા શહેરમાં ખાડાઓ પુરવા વેટમીક્ષ નાખવાના કારણે હવે શહેરના લોકો ઉભી થયેલી નવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વરસાદના કારણે ખાડામાંથી કપચી અને મેટલ નીકળી જતા તેમજ ડસ્ટ રોડ ઉપર ફેલાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પાલિકા તંત્ર અને માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલીક સફાઈ કરવામાં નહી આવે તો અનેક સમસ્યાઓથી ત્રાસી ગયેલા લોકોને હવે નવી સમસ્યાના નિકાલ માટે આવેદન આપવાની ફરજ પડશે.
પ્રચાર સાપ્તાહિકે આગમચેતી આપી હતી કે ખાડાઓ પુરવામાં વપરાતુ વેટમીક્ષ પ્રથમ વરસાદમાંજ ધોવાશે. ડસ્ટ, કપચી અને મેટલથી વેટમીક્ષ તૈયાર કરવામાં આવે છે. આ મટીરીયલ્સ ખાડામાં નાંખવાથી જામી જતુ નથી. પરંતુ ટેમ્પરરી રાહત આપે છે. વિસનગરમાં ખાડારાજ સર્જાતા લોકોનો ભારે રોષ ફેલાતા પાલિકા દ્વારા વેટમીક્ષથી ખાડાઓ પુરવામાં આવ્યા હતા. જે ભારે વરસાદના કારણે ધોવાતા કપચી અને મેટલ ઉખડી રોડ ઉપર ફેલાય છે. જ્યારે ડસ્ટ ઉખડીને રોડ ઉપર ચોટી ગઈ છે.
ખાડામાંથી કપચી અને મેટલ ઉખડી રોડ ઉપર ફેલાતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કપચી અને મેટલ રોડ ઉપર એટલી હદે પથરાયા છેકે ચાલક ધ્યાન ન રાખે તો ટુ વ્હીલર સ્લીપ થાય તેમ છે. ટુ વ્હીલર ચાલકોને ખુબજ સાવચેતીથી પસાર થવુ પડે છે. મેટલ મોટા વાહનના ટાયરમાં ફસાય છે. જે ગમે ત્યારે છટકીને પાછળ આવતા વાહન ચાલક ઉપર પડે છે. મોટા વાહનના ટાયરના પ્રેશરથી મેટલ છટકવાથી આસપાસ દુકાન ધરાવતા વેપારીઓને પણ ઈજા થવાનો ભય સતાવે છે. ખાડા પુરવા ઉપયોગમાં લેવાયેલ વેટમીક્ષની મેટલ અને કપચી રોડ ઉપર પથરાતા નાના વાહન ચાલકો અત્યારે મુશીબતોનો સામનો કરી રહ્યા છે.
ખાડામાંથી ઉખડેલી વેટમીક્ષની ડસ્ટ પણ રોડ ઉપર જામી ગઈ છે. જ્યારે ટ્રક કે બસ જેવુ મોટુ વાહન પસાર થાય ત્યારે પાછળ ધૂળની ડમરીઓ ઉડતા ધુમ્મસ જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. મોટુ વાહન પસાર થવાના કારણે ડસ્ટ એટલી ઉડે છેકે પાછળ આવતા વાહન ચાલકને વાહન ચલાવવુ મુશ્કેલ થઈ પડે છે. ડસ્ટ ઉડવાના કારણે રોડ ઉપર માર્કેટની દુકાનો ધરાવતા વેપારીઓ પણ ત્રાસી ગયા છે. ડસ્ટ ઉડીને દુકાનોમાં ભરાતા વારંવાર સાફ કરવાની ફરજ પડે છે. શહેરના મોટાભાગના રોડ ઉપર ઉખડીને ફેલાયેલી કપચી તથા ડસ્ટનો ત્રાસ છે. ત્યારે પાલિકા તંત્ર અને માર્ગ મકાન વિભાગ રોડ ઉપર સફાઈ કરાવે તેવી શહેરના લોકો રજુઆત કરી રહ્યા છે.