Select Page

વિસનગરમાં ચાલતા વિકાસ કાર્યોની આરોગ્યમંત્રીએ મુલાકાત લીધી

વિસનગરમાં ચાલતા વિકાસ કાર્યોની આરોગ્યમંત્રીએ મુલાકાત લીધી

સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરી

  • નગરપાલિકાની નવી ડમ્પીંગ સાઈટમાં કાંસા એન.એ. અને કાંસા ગામના કચરાનો પણ નિકાલ કરી ગંદકી દુર કરાશે
  • મંત્રીશ્રીએ વરસાદમાં ડમ્પીંગ સાઈટનું પાણી બાજુમાં આવેલ હું હુ તળાવમાં ન જાય તેની ખાસ તકેદારી રાખવા ચિફ ઓફિસરને સુચન કર્યુ

વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના અથાક પ્રયત્નોથી સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અત્યારે વિસનગરમાં તાલુકા પંચાયત ભવન, સિવિલ હોસ્પિટલમાં નવિન બિલ્ડીંગ, દરબાર રોડ વિસ્તારમાં પાણીની ઓવરહેડ ટાંકી, અંડર ગ્રાઉન્ડ સંપ તથા સુંશી રોડ ઉપર નવી ડમ્પીંગ સ્ટેશનનું નિર્માણકાર્ય ધમધમી રહ્યુ છે. જ્યાં મંત્રી ઋષિભાઈ પટેલે ગત રવિવારે મુલાકાત લઈ બાંધકામનું નિરિક્ષણ કરી અધિકારીઓ અને પદાધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ આરોગ્યમંત્રી બનતા તેઓ સરકારની તમામ જવાબદારીઓ સાથે પોતાના મત વિસ્તારના લોકોની પણ ચિંતા કરી રહ્યા છે. મંત્રી ઋષિભાઈ પટેલ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો વર્ષો સુધી યાદ રાખે તેવા વિકાસકામો કરવા માટે સતત પ્રયત્નો કરે છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામો પણ થઈ રહ્યા છે. પરંતુ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે થતા વિકાસકામોની જનજન સુધી માહિતી પહોંચાડે તેવા મંત્રી ઋષિભાઈ પટેલ પાસે કાર્યકરોનો અભાવ છે. મોટભાગના કાર્યકરો મંત્રી ઋષિભાઈ પટેલ કરતા પોતાની વાહવાહી વધુ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારે મંત્રી ઋષિભાઈ પટેલના અથાક પ્રયત્નો અને સીધી દેખરેખ હેઠળ વિસનગર તાલુકા પંચાયત ભવન, સિવિલ હોસ્પિટલનું નવિન બિલ્ડીંગ, દરબાર રોડ વિસ્તારમાં ૫ (પાંચ) લાખ લીટર કેપેસીટીની ઓવરહેડ ટાંકી અને ૧૦ લાખ લીટર કેપેસીટીની અંડરગ્રાઉન્ડ ટાંકી તેમજ સુંશી રોડ ઉપર નવા ડમ્પીંગ સાઈટ ફરતે કમ્પાઉન્ડ વૉલ, ઓફીસરૂમ, સી.સી.રોડ અને વાચમેન રૂમના નિર્માણકાર્યની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલે ગત રવિવારે તાલુકા પંચાયત, સિવિલ હોસ્પિટલ, દરબાર રોડ તથા સુંશી રોડ ઉપર નવનિર્માણ થઈ રહેલા ડમ્પીંગ સાઈટની મુલાકાત લઈ બાંધકામનું નિરિક્ષણ કર્યુ હતુ. જેમાં મંત્રીશ્રીએ દિવાલ અને છતમાં પાણીનો ભેજ ન આવે તેવુ મજબુત બાંધકામ કરાય તેમજ વરસાદમાં નવી ડમ્પીંગ સાઈટનું ગંદુ પાણી બાજુમાં આવેલ હું હું તળાવમાં ન જાય તેની ખાસ તકેદારી રાખવા અધિકારીઓ અને પદાધિકારીઓને સુચન કર્યુ હતુ. જ્યારે નવી ડમ્પીંગ સાઈટની કેપેસીટી અને કચરાના નિકાલ બાબતે મંત્રીશ્રીએ પાલિકા ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી સાથે ચર્ચા કરતા તેમને જણાવ્યુ કે, આ ડમ્પીંગ સાઈટમાં રોજની વેસ્ટ કચરાની પ્રોસેસિંગ કેપેસીટી ૩૦ (TDP) ટનની છે. જ્યારે નગરપાલિકા વિસ્તારનો રોજનો કચરો આશરે ૨૦ (TDP) જનરેટ થાય છે. જે કચરાનો કોઈના આરોગ્યને નુકશાન ન થાય તે રીતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. જોકે મંત્રી ઋષિભાઈ પટેલ નવી ડમ્પીંગ સાઈટની કેપેસીટી અને કચરાના નિકાલની પ્રોસેસ સમજી આગામી સમયમાં કાંસા એન.એ. અને કાંસા ગામના કચરાનો પણ આ જગ્યામાં નિકાલ થાય તેવું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આમ આ નવી ડમ્પીંગ સાઈટનું કામ પુર્ણ થયા બાદ કાંસા એન.એ. અને કાંસા ગામમાં એકઠો થતો કચરાનો પણ નિકાલ થશે. આ ઉપરાંત તેમને દરબાર રોડ વિસ્તારમાં ઓવરહેડ ટાંકી અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બન્યા બાદ તેમાં નર્મદાનું પાણી કેવીરીતે લાવી શકાય તેની ચર્ચા કરી હતી. મંત્રી ઋષિભાઈ પટેલની આ મુલાકાત દરમિયાન ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), તાલુકા પ્રમુખ સતીષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, વાટરવર્કસ કમિટિના ચેરમેન જગદીશભાઈ પટેલ, પાલિકા કર્મચારી સિધ્ધેશભાઈ પટેલ તેમજ પી.આઈ.યુ.ના અધિકારીઓ, તબીબો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us