Select Page

શહેર સમસ્યાઓથી ઘેરાયેલુ-ત્યારે કોર્પોરેટરોએ પ્રવાસ કર્યો

શહેર સમસ્યાઓથી ઘેરાયેલુ-ત્યારે કોર્પોરેટરોએ પ્રવાસ કર્યો

રોમ ઈઝ બર્નીંગ નીરો ઈઝ ફીડલીંગ

પરિવારમાં સુખ અને શાંતી હોય ત્યારે ફરવા જવાની યાત્રા પ્રવાસની ઈચ્છા થાય, પરંતુ પરિવાર મુશ્કેલીમા હોય અને તેમાનો કોઈ સભ્ય પ્રવાસ કરવા જાય ત્યારે તેને નઠોર કહી શકાય. વિસનગર શહેર અત્યારે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યુ છે. ત્યારે પાલિકાના કેટલાક સભ્યો સૌરાષ્ટ્રનો પ્રવાસ કરતા શહેરના સુજ્ઞ નાગરીકો રોમ ઈઝ બર્નીંગ નીરો ઈઝ ફીડલીંગના ઈતિહાસને યાદ કરી રહ્યા છે.
પાલિકાનો ઈતિહાસ ગવાહ છે કે વર્તમાન બોર્ડ ભૂતકાળના તમામ બોર્ડને સારૂ કહેવડાવે છે. વર્ષે ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીના કોંગ્રેસ અને અપક્ષોનુ વિકાસમંચના બોર્ડ પછી ભાજપના સભ્યોની બહુમતીવાળુ બોર્ડ બનતા સુશાસન આવશે તેવી અપેક્ષા હતી. પરંતુ રામના નામે પથરા તરે તેમ ભાજપના મેન્ડેટ ઉપર સભ્યો ચુંટાતા હોવાથી કોઈ પણ પ્રકારની ક્ષમતા વગરના સભ્યો ચુંટાતા પાલિકાના વહીવટમાં જોઈએ એવો સંતોષ આપી શક્યા નથી. વર્ષ-૨૦૨૨ થી તો વિસનગરના ધારાસભ્ય કેબીનેટ મંત્રી બન્યા છતા પણ પાલિકાના સભ્યો જોઈએ એવો શહેરના વિકાસમાં લાભ લઈ શક્યા નથી. આ ઉપરથી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે પણ વિચારવાનુ છેકે પાલિકામાં ભાજપની સત્તા જોઈએ છેકે શહેરનો વિકાસ કરી શકે અને નગરના લોકોની સેવા કરી શકે તેવા સભ્યો જોઈએ છે.
વર્તમાન બોર્ડ કરતા પોણા ચાર વર્ષનુ ગત બોર્ડનુ વિકાસમંચનુ શાસન સારૂ કહેવાય. જેમને ભાજપના કોઈ પણ પ્રકારના પીઠબળ વગર વિકાસ કર્યો હતો. સ્થાનીક સ્વરાજ્યની સંસ્થામાં મેન્ડેટ ઉપર ચુંટણી ચાલુ થઈ ત્યારથી વિકાસની ઘોર ખોદાઈ છે. શીવાકાકા, સાંકળચંદકાકા, રમણીકભાઈ મણીયારના સમયમાં મેન્ડેટ વગર પાલિકાની ચુંટણી થતી હતી. જેમાં શહેરના બુધ્ધીજીવી વર્ગના લોકો ચુંટાતા હતા. જેમની આવડતથી વિકાસ થતો હતો. અત્યારે પક્ષના નામે ચુંટણી થતી હોવાથી જાતિગત સમિકરણો આધારે ઉમેદવારો ચુંટાતા હોવાથી આવા સભ્યોના બોર્ડનો કોઈ લાભ મળતો નથી. પહેલાના પાલિકાના સભ્યો એવા હતા કે જેમને શહેરની ચીંતા હતી અને ભાજપના આ વર્તમાન બોર્ડમાં કેટલાક સભ્યોમાં આવી કોઈ લાગણી જોવા મળતી નથી. અત્યારે આ એટલા માટે કહેવુ પડે છેકે જ્યારે વિસનગર અનેક સમસ્યાઓથી ઘેરાયેલુ છે ત્યારે લોકોની ચીંતા કે પરવા કર્યા વગર સભ્યો સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી આવ્યા છે.
પાલિકા સભ્યો માટે શહેરના લોકો તેમનો પરિવાર કહેવાય છે. પરિવારના લોકો મુશ્કેલીમાં હોય ત્યારે સભ્યો ફરવા જાય ત્યારે તેમને શુ કહેવાય તેવી ચર્ચાઓ થઈ રહી છે. ભાજપનુ બોર્ડ ગૌરવ લઈ શકાય એવો કોઈ વિકાસ કરી શક્યુ નથી. શહેર ગંદકીની, પીવાના પાણીની, ખાડાની, ઉભરાતી ગટરની, રખડતી ગાયોની, ટ્રાફીકની એવી અનેક સમસ્યાઓથી ઘેરાયેલુ છે. જેમાં ચોમાસામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા છે. જે ભાજપના વર્તમાન બોર્ડ માટે કલંક સમાન છે. ત્યારે પરિવાર સમાન શહેરના લોકોને આવા વિપરીત સંજોગોમાં મુકીને ૧૩ જેટલા સભ્યો ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. જેમાં ચાર મહિલા સભ્યોનો પણ સમાવેશ થાય છે. પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સહિતના સભ્યો અત્યારે પ્રવાસ કરીને આવતા શહેરના લોકોમાં ભારે ચકચાર જાગી છે. આરોગ્ય મંત્રીના હોદ્દાનો ઉપયોગ કરી અગાઉ ક્યારેય થયો ન હોય તેવુ યાદગાર ગૌરવરૂપ વિકાસ કામ કર્યુ હોય અને પ્રવાસ કર્યો હોત તો બરોબર હતુ, પરંતુ શહેરના ખાડા અને રખડતી ગાયો માટે જ્યારે વેપારી મંડળને આવેદન આપવાની ફરજ પડે તેવા વહીવટમાં કરેલો પ્રવાસ ટીકા પાત્ર બન્યો છે. વીઆઈપી પ્રવાસનો ખર્ચ સભ્યો પાસેથી લીધો કે પછી કોઈ કોન્ટ્રાક્ટરનુ સૌજન્ય હતુ તેવા પણ પ્રશ્નો થઈ રહ્યા છે.