Select Page

મહેસાણા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા તેમના ધર્મપત્નિ કોંગ્રેસથી નારાજ ખરવડા સીટના મહિલા સદસ્યનો કોંગ્રેસથી મોહભંગ-ભાજપમાં જોડાવાની અટકળો

મહેસાણા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા તેમના ધર્મપત્નિ કોંગ્રેસથી નારાજ ખરવડા સીટના મહિલા સદસ્યનો કોંગ્રેસથી મોહભંગ-ભાજપમાં જોડાવાની અટકળો

વિસનગર તાલુકા પંચાયતની ખરવડા સીટના કોંગ્રેસના સદસ્ય ઘણા સમયથી કોંગ્રેસ પક્ષથી નારાજ હતા. જેઓ આગામી સમયમાં પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે. આ બાબતે કોંગ્રેસના મહિલા સદસ્યના પતિનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતુ કે, અમે કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હોવાથી કોંગ્રેસનો હાથ છોડવાના છીએ. પણ ભાજપમાં જોડાવવાનું હજુ સુધી નક્કી કર્યુ નથી. જોકે આ મહિલા સદસ્ય કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરશે તેવુ લોકોમાં ચર્ચાય છે.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં મારી તથા મારા ધર્મપત્નિ તાલુકા સદસ્ય મમતાબેન રબારીની સતત અવગણના થતા અમે કોંગ્રેસને અલવીદા કરવાના છીએ- ઈશ્વરભાઈ રબારી
પાલડીના કોંગ્રેસના તાલુકા ડેલીગેટ જીતેન્દ્રભાઈ ચૌધરીએ સરપંચની ચુંટણી જીત્યા બાદ પોતાના સમર્થકો સાથે મંત્રી ઋષિભાઈ પટેલની મુલાકાત લેતા લોકોમાં તર્ક વિતર્ક
એક બાજુ કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસને મજબુત બનાવવાના પ્રયત્નો કરે છે. જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નિષ્ફળ નેતાગીરીના કારણે કોંગ્રેસમાં જૂથવાદ વકર્યો છે. કોંગ્રેસથી નારાજ હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડી ભાજપ તથા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે કોંગ્રેસમાં “એક સાંધે ને તેર તુટે” તેવી પરિસ્થિતી સર્જાઈ છે. જેમાં વિસનગર શહેર અને તાલુકામાં કોંગ્રેસ મૃતપાય હાલતમાં છે. આવા સમયે વિસનગર તાલુકા પંચાયતની ખરવડા સીટના કોંગ્રેસના સદસ્ય મમતાબેન ઈશ્વરભાઈ રબારી તથા તેમના પતિ મહેસાણા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ઈશ્વરભાઈ મેલજીભાઈ રબારી પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ આપી કોંગ્રેસને અલવીદા કરવાના હોવાની અટકળો તેજ બની છે. આ બાબતે જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ઈશ્વરભાઈ રબારીનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતુ કે, અમે વર્ષોથી કોંગ્રેસના સક્રીય કાર્યકર હતા. વિસનગર તાલુકા અને જીલ્લામાં કોંગ્રેસને મજબુત બનાવવા અમે ખુબ મહેનત કરી હતી. અમારી મહેનત અને લોકચાહનાના લીધે વર્ષ ૨૦૨૧માં યોજાયેલ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપના વાવાઝોડામાં ખરવડા સીટમાં મારા ધર્મપત્નિ મમતાબેન રબારીનો વિજય થયો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં મારી તથા મારા પત્નિની સતત અવગણના થતા અમે કોંગ્રેસમાંથી નારાજ થયા છીએ. હવે અમે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી અન્ય પાર્ટીમાં જોડાવાના છીએ. જોકે ઈશ્વરભાઈ રબારીએ કોંગ્રેસનો હાથ છોડી કયા પક્ષમાં જોડાશે તેવી કોઈ સ્પષ્ટતા કરી ન હોતી. પરંતુ તાલુકા સદસ્ય મમતાબેન રબારી તથા તેમનાપતિ ઈશ્વરભાઈ રબારી કોંગ્રેસનો હાથ છોડી આવનાર ટુંક સમયમાં પોતાના સમર્થકો સાથે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ભાજપનો કેસરીયો ધારણ કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. વધુમાં પાલડીના કોંગ્રેસના તાલુકા ડેલીગેટ જીતેન્દ્રભાઈ ચૌધરી (ભગત)એ પણ સરપંચની ચુંટણી જીત્યા બાદ તેમના સમર્થકો સાથે ધારાસભ્ય કાર્યાલય પહોંચી મંત્રી ઋષિભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લેતા લોકોમાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.