સરકારની વિવિધ ગ્રાન્ટો અને જન કલ્યાણકારી યોજનાઓમાં સતલાસણા તાલુકામાં કોનો વિકાસ થયો-તપાસ જરૂરી
સતલાસણા તાલુકા પંચાયતમાં આઈ.આર.ડી.શાખાના કેટલાક કરાર આધારિત કર્મચારીઓ મનરેગા યોજનાના કામો કરતા હોવાનું ચર્ચાય છે. છતાં આ બાબતે તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. અને ભાજપના પ્રમુખ કોઈ કાર્યવાહી નહી કરતા લોકોમાં તર્કવિર્તક ઉભા થયા છે. ત્યારે સરકાર આ તાલુકામાં થયેલા વિકાસકામો અને લાભાર્થીઓને આપવામાં આવેલી સહાયોની તટસ્થ તપાસ કરે તો સરકારી યોજનાઓમાં ઉંધઈને જેમ ફેલાયેલો ભ્રષ્ટાચાર બહાર આવશે તેવુ આગેવાનોમાં ચર્ચાય છે.
પહેલા સતલાસણા તાલુકો ગુલ્લીબાજ અને ભ્રષ્ટ કર્મચારીઓ માટે સજારૂપ તાલુકો માનવામાં આવતો હતો. પરંતુ અત્યારે તાલુકા પંચાયતના ભ્રષ્ટ કર્મચારીઓ માટે આ તાલુકો આશિર્વાદરૂપ બન્યો છે
સતલાસણા તાલુકો ગુલ્લીબાજ અને ભ્રષ્ટાચારી કર્મચારીઓ માટે સજારૂપ તાલુકો માનવામાં આવે છે. પરંતુ અત્યારે તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. દ્રષ્ટિબેન ચૌધરી અને ભાજપ પ્રમુખના રાજમાં ભ્રષ્ટાચારી તથા ગુલ્લીબાજ કર્મચારીઓ માટે આશિર્વાદરૂપ તાલુકો બન્યો છે. સરકારે આ તાલુકામાં વિકાસકામો પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના તથા મિશન મંગલમ યોજનામાં હજ્જારો લાભાર્થીઓને સહાય આપી છે છતાં આજે આ તાલુકામાં કોઈ વિકાસ દેખાતો નથી. અત્યારે તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. અને ભાજપ પ્રમુખના છુપા આશિર્વાદથી આઈ.આર.ડી.શાખાના કેટલાક કર્મચારીઓ મનરેગા યોજનામાં વિકાસકામો કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનું ચર્ચાય છે. લોકોમાં એવી ચર્ચા છે કે પહેલા સતલાસણા તાલુકામાં કોઈપણ કર્મચારીની બદલી થાય તો તેેને સજા કહેવાતી હતી. પણ અત્યારે આ તાલુકામાં ભ્રષ્ટ કર્મચારીઓને ઘી કેળા થઈ ગયા છે. સરકારની વિવિધ ગ્રાન્ટો અને જન કલ્યાણકારી યોજનામાં આર્થિકરીતે કર્મચારીઓનો હરણફાળ વિકાસ થયો છે. તાલુકા પંચાયતના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે વિકાસકામોમાં કમિશનના મોટા વ્યવહારો ચાલે છે. મનરેગા શાખાનો એક સામાન્ય પગારદાર કર્મચારી દરરોજ ગાડી લઈને ગાંધીનગરથી સતલાસણા અપડાઉન કરે છે. આ તાલુકામાં અધિકારી કે કર્મચારી વિકાસકામોના કમિશનમાં સેટ થઈ જાય પછી બીજા તાલુકામાં જવાનું નામ લેતા નથી. આ તાલુકો ભ્રષ્ટાચારી અધિકારી અને કર્મચારીઓ માટે સોનાની ખાણ સમાન છે. જોે સરકાર આ ચર્ચાને ગંભીરતાથી લઈને તાલુકા પંચાયત દ્વારા થયેલા કરોડો રૂપિયાના વિકાસકામો અને સરકારની જનકલ્યાણકારી તમામ યોજનામાં લાભાર્થીઓને આપવામાં આવેલી સહાયોની ઉંડી તપાસ કરે તો આ તાલુકામાં ઉંધઈની જેમ ફેલાયેલો ભ્રષ્ટાચાર બહાર આવશે તેવુ સ્થાનિક આગેવાનો છાતી ઠોકીને જાહેરમાં કહી રહ્યા છે. હવે ભાજપ સરકારને સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને દુર કરવામાં કેટલો રસ છે તે તો આ તાલુકા પંચાયતના વહીવટની તટસ્થ તપાસ થાય તો જ લોકોને ખબર પડશે. અત્યારે તો ભાજપના નેતાઓ જ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો હોવાનો જાહેરમાં બળાપો કાઢી રહ્યા છે.