Select Page

સારા કામ કરશો તો વર્ષો સુધી લોકો યાદ કરશે

સારા કામ કરશો તો વર્ષો સુધી લોકો યાદ કરશે

પાલિકામાં કોઈ પણ પ્રમુખનુ નામ ન હોવુ જોઈએ

વિસનગર પાલિકા પ્રમુખની ચેમ્બરમાં લગાવેલ બોર્ડમાં પૂર્વ પ્રમુખોના નામની બાદબાકી કરવામાં આવતા આ બાબતે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખના પતિએ લાગણી વ્યક્ત કરી છેકે, પ્રમુખની ચેમ્બરમાં કોઈ પણ પૂર્વ પ્રમુખના નામ હોવા જોઈએ નહી. પ્રમુખના હોદ્દાની જવાબદારીમાં સારા કામ કરશો તો વર્ષો સુધી લોકો યાદ કરશે. શહેરના લોકો અત્યારે સાંકળચંદ કાકા, શીવાકાકા અને રમણીકભાઈ મણીયારને યાદ કરે છે તેવા કામ કરી લોકોના મનમાં નામ અંકિત કરવુ જોઈએ.
વિસનગર પાલિકાના નવા ભવનમાં પ્રમુખની ચેમ્બરમાં લગાવેલ બોર્ડમાંથી વર્તમાન પ્રમુખ સીવાય તમામ પૂર્વ પ્રમુખોના નામની બાદબાકી કરવામાં આવતા ખાસ કરીને પૂર્વ પ્રમુખો અને પૂર્વ મહિલા પ્રમુખના પતિદેવોમાં ચર્ચાઓ થઈ રહી છે. જેમાં પાલિકાના એક પૂર્વ મહિલા પ્રમુખના પતિએ લાગણી વ્યક્ત કરતા જણાવ્યુ છેકે, પાલિકા એ સાર્વજનિક સંસ્થા છે. કોઈની માલિકીની સંસ્થા, પેઢી કે ઘર નથી. ઘરના વડીલો ઘણુ સારૂ મૂકીને ગયા હોય કે ઘણુ સારૂ કરીને ગયા હોય છતા પેઢી દર પેઢીથી આપણે ફોટા મુકતા નથી કે નામાવલીની યાદી મુકતા નથી. ત્યારે પાલિકામાં પૂર્વ પ્રમુખોના નામનુ બોર્ડ મુકવાનો આગ્રહ શા માટે. પૂર્વ પ્રમુખન નહી પરંતુ વર્તમાન પ્રમુખના નામનુ પણ ચેમ્બરમાં બોર્ડ હોવુ જોઈએ નહી. પ્રમુખની ઓફીસની બહાર તેમની ઓળખ માટે નંબર પ્લેટ લગાવવામાં આવે તે બરોબર છે. પાલિકા ક્યા કોઈની પેઢી છેકે નામ માટે આગ્રહ હોય.
પૂર્વ મહિલા પ્રમુખના પતિએ એ પણ જણાવ્યુ હતું કે, શહેરના લોકોએ વિશ્વાસ મુકીને મત આપીને પ્રમુખ પદે બેસાડ્યા છે ત્યારે કામ એવા કરવા જોઈએ કે લોકો વર્ષો સુધી યાદ કરે. સારા કામ કરીને લોકોના મનમાં નામ અંકિત થાય એ મહત્વનુ છે. પ્રમુખની ચેમ્બરમાં નામ લખવાથી લોકો યાદ કરશે તેવુ માનવાનુ કોઈ કારણ નથી. સાંકળચંદ કાકા પાલિકાના પ્રમુખ નહોતા. તેમ છતાં શહેર પ્રત્યે લાગણી રાખી અનેક સંસ્થાઓ ઉભી કરતા આજ પણ તેમને લોકો યાદ કરે છે. તેવી રીતે પાલિકાના પૂર્વ પ્રમુખ જેમને શહેરનો સારામાં સારો યાદગાર વિકાસ કર્યો છે તેવા શીવાકાકા અને રમણીકભાઈ મણીયારને લોકો યાદ કરે છે. આમ સારા કાર્યો કરવાથી નામના મેળવી શકાય છે. બોર્ડ લગાવવાથી નામના મળતી નથી.