Select Page

ખેરાલુ પાલિકાની જનરલ મિટીંગમાં ૧૧ કરોડના વિકાસ કામો મંજુર કરાયા

ખેરાલુ પાલિકાની જનરલ મિટીંગમાં ૧૧ કરોડના વિકાસ કામો મંજુર કરાયા

તાજેતરમાં ૨૯-૭-૨૦૨૫ ના રોજ ખેરાલુ નગરપાલિકાની જનરલ મિટીંગ મળી હતી. જેમાં ખેરાલુ પાલિકાના ભાજપના ૧૭ સભ્યોમાં સ્પષ્ટ ભાગલા જોવા મળ્યા હતા. કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા શહેરના હિતમાં ભાજપના વિકાસલક્ષી તમામ મુદ્દાઓમાં સમર્થન કર્યુ હતુ. ભાજપના સભ્યો વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખ કે ધારાસભ્ય સમાધાન કરાવી શક્યા નથી તે પણ સનાતન સત્ય છે. ભારતીય જનતા પાર્ટીની શિસ્તના પાલિકાની જનરલમાં લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા.
ગત મિટીંગના ઠરાવો વંચાણે લઈ બહાલ કરવામાં આવ્યા હતા. મુદ્દા નં.બે માં મ્યુનિસિપલ હાઈસ્કુલ અને ગર્લ્સ હાઈસ્કુલમાં ટ્રસ્ટ મંડળની રચનાનો ભાજપના વિમલભાઈ સથવારાએ વિરોધ કરતા મુલત્વી રાખવામાં આવ્યો હતો. મુદ્દા નં.ત્રણ મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો નક્કી કરવામાં ઉપપ્રમુખ ગીતાબેન વિક્રમભાઈ પટેલ દ્વારા દસ સભ્યોની સહીથી દરખાસ્ત મુકી હતી. જેમાં ભાજપનું પ્રમુખ સામેનું ગૃપ વિમલભાઈ સથવારા, મન્જીતભાઈ પ્રજાપતિ, પિન્કીબેન ઠાકોર, આશાબેન પ્રજાપતિ, હીરાબેન પટેલ, એકતાબેન દેસાઈ, પ્રકાશભાઈ પરમાર, સવિતાબેન પરમાર તથા ગાયત્રીબેન જનસારીએ સહીઓ કરી વિકાસ કામોની અલગ દરખાસ્ત મુકી હતી. ભાજપમાં થનારા વિકાસ કામોમાં તમામ ભાજપી સભ્યો જસ લેતા હોય છે. પરંતુ હાલમાં ઉપપ્રમુખ ગૃપ વ્યક્તિગત જસ લેતુ હોય તેવુ લાગ્યુ હતુ. મુદ્દા નં.૪ માં ૧૫ મા નાણા પંચના કામો રદ કરવાને બદલે ભાજપના સભ્યોના વિરોધમાં યથાવત રાખવામાં આવ્યા. જેની દરખાસ્ત મન્જીતભાઈ પ્રજાપતિએ કરી હતી. મુદ્દા નં.પાંચમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વર્ષ ૨૦૨૩-૨૪ ના કામો રદ કરવાના હતા જેમાં વિરોધ થતા મુલત્વી રાખ્યા હતા. મુદ્દા નં.૬ મા સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં વર્ષ ૨૦૨૪-૨૫ ના કામો પુનઃ વિચારણા કરવા બાબતમાં મુકેશભાઈ દેસાઈએ વિરોધ કરતા કહ્યુ હતું કે, આ કામોનું હમણાજ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે તો પુનઃ વિચારણા કરવાનો પ્રશ્નજ નથી. જે સર્વાનુમતે પુનઃ વિચારણા મુલત્વી રાખી હતી. મુદ્દા નં.૭ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ ના કામો નક્કી કરવા બાબતે પ્રમુખ સ્થાનેથી ૬૦ લાખની વોર્ડ વાઈઝ દરખાસ્ત કરવા જણાવતા ઉપપ્રમુખ દ્વારા ૧૦ સભ્યોની સહી વાળો કાગળ આપેલ. જેમાં રૂા.૧ કરોડની દરખાસ્ત રજુ કરી હતી. જેમાં પ્રમુખ ગૃપ અને ઉપપ્રમુખ ગૃપ વચ્ચે ચડસાચડસી થઈ હતી. જેમાં મુકેશભાઈ દેસાઈએ મધ્યસ્થી કરી રૂા.૮૦ લાખની રજુઆત માન્ય રાખવામાં આવી હતી.
ખેરાલુ નગરપાલિકાના ભાજપના સભ્યોના બે ભાગલા સ્પષ્ટ જોવા મળ્યા
કોંગ્રેસે શહેરના હિતમાં ભાજપના બે ભાગલાના વિરોધમાં મધ્યસ્થી કરી એજન્ડાઓ મંજુર કરાવ્યા
ભાજપના ૧૦ સભ્યોનો જનરલમાં ભારે વિરોધ
મુદ્દા નં.૮ રોડ રીસર્ફેસિંગની રીપેરીંગ ગ્રાન્ટના રૂા.૬૦ લાખ બાબતે મન્જીતભાઈ પ્રજાપતિએ કહેલ કે રીપેરીંગની ગ્રાન્ટ રીપેરીંગમાં વાપરવામાં આવે તેવો આગ્રહ કરતા સર્વાનુમતે મંજુર કરાયો હતો. મુદ્દા નં.૯ માં રૂપેણ નદીમાં ભુગર્ભજળ ઉંચુ લાવવા ચેકડેમના સ્થળ બાબતે વિવાદ થતા સ્થળ તપાસ કરીને દરખાસ્ત કરાશે તેવુ નક્કી કરાયુ. મુદ્દા નં.૧૦ મા લેગસી વેસ્ટના નિકાલ કરવા માટેની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી. મુદ્દા નં.૧૧ મા સ્પોર્ટસ કોમ્પલેક્ષ સ્થળ સ્થિતિ જોઈને નિર્ણય લેવો તેવુ નક્કી કરાયુ. મુદ્દા નં.૧૨ સ્વચ્છ અને સુંદર શહેર માટે પાલિકા ચિફ ઓફીસરને ગાઈડલાઈનમાં આવતા કામો નક્કી કરવા સત્તા અપાઈ. મુદ્દા નં.૧૩ MP-MLA કામોના વધારાની ગ્રાન્ટનું કામ કરવાનું સર્વાનુમતે નક્કી કરાયુ. મુદ્દા નં.૧૪ પાલિકામાં હંગામી સફાઈ કર્મચારીઓ ભરતી કરવા ચિફ ઓફીસરને ભલામણ કરવા જણાવાયુ. મુદ્દા નં.૧૫ બાયપાસ માટે ઉપલી કોર્ટમાં જવા ચિફ ઓફીસરને અધિકાર અપાયો. મુદ્દા નં.૧૬ પાલિકામાં એ.સી લગાવવા તેમજ સોલાર માટે મંજુરી અપાઈ. મુદ્દા નં.૧૭ પાલિકામાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓના વેતનમાં વધારો કરવા સરકારશ્રીના નિયમ મુજબ દરખાસ્ત કરી બોર્ડને જાણ કરવા જણાવાયુ. મુદ્દા નં.૧૮ સબ ફાયર સ્ટેશન બનાવવા બાબતે સર્વાનુમતે મંજુર કરાયુ. મુદ્દા નં.૧૯ ડ્રેનેજ કનેક્શન ચાર્જ અને વાર્ષિક ફી નક્કી કરવા, જેના કનેક્શન ચાલુ હોય તેની ફી નક્કી કરવા મંજુરી અપાઈ. મુદ્દા નં.૨૦ વડનગર-વલસાડ ટ્રેનને ખેરાલુ લંબાવવા સર્વાનુમતે ઠરાવ કરાયો. મુદ્દા નં.૨૧ નગરપાલિકામાં સ્વખર્ચે તળાવો ઉંડા કરવા ઠરાવ કરાયો.
આમ જનરલમાં પ્રમુખ-ઉપપ્રમુખના બે ગૃપ હતા. જેમાં ૧૦ સહિયો સાથે ઉપપ્રમુખ ગૃપે વારંવાર વિવાદો ઉભા કરાતા ઉપપ્રમુખ ગૃપે ધાર્યા ઠરાવો કરાવ્યા હતા.