પાકિસ્તાન સામે ક્રિકેટ નહી યુધ્ધ ખેલાય-ર્ડા.પ્રવિણ તોગડીયા
વિસનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ર્ડા.પ્રવિણ તોગડીયાની મુલાકાત
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ર્ડા.પ્રવિણ તોગડીયાએ ગત રવિવારના રોજ વિસનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમને એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના મુદ્દે બી.સી.સી. આઈ.ની ઝાટકણી કાઢતા કહ્યુ કે, જે પાકિસ્તાનના લીધે પહેલગામ આતંકી હુમલામાં આપણા હિન્દુ ભાઈઓએ જીવ ગુમાવ્યા છે તે પાકિસ્તાન સાથે ક્રિકેટ ખેલાય નહી. પાકિસ્તાન સામે યુધ્ધ ખેલી તેનું નામોનિશાન મિટાવી દેવાય.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ર્ડા.પ્રવિણ તોગડીયાએ ગત રવિવારના રોજ બપોરે વિસનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમને શહેરની ઈન્દ્રલોક અને રાજહંસ સોસાયટીમાં પાયાના કાર્યકરો સાથે મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં ર્ડા.પ્રવિણ તોગડીયાએ હિન્દુ સમાજને એક તાંતણે બાંધવા માટે શુ કરવુ જોઈએ તેની ચર્ચા કરી હતી. જેમાં શસ્ત્ર પૂજન, કન્યા પૂજન, લક્ષ્મી પૂજન, ગરીબોને કપડા અને મિઠાઈ જેવા સેવાના કાર્યો કરવા તેમજ ગરીબ હિન્દુ પરિવારોને અનાજ, દવા, રોજગારી તથા સુરક્ષા પુરી પાડવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત્ત દરેક કાર્યકરે પોતાના વિસ્તારમાં અઠવાડીયામાં એક થી બે વખત હનુમાન ચાલીસા કરવા અને હિન્દુ સંગઠનને મજબુત બનાવવા હાકલ કરી હતી. વિસનગરમાં હિન્દુ સમ્રાટ ર્ડા.પ્રવિણ તોગડીયાનું આગમન થવાનું છે તેવી હિન્દુ ભાઈ-બહેનોને જાણ થતા તેઓ ર્ડા.પ્રવિણ તોગડીયાને આવકારવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ મુલાકાતમાં ર્ડા.પ્રવિણ તોગડીયાએ મહેસાણા રોડ ઉપર ઈન્દ્રલોક સોસાયટીમાં રહેતા પટેલ પ્રકાશભાઈ અમૃતભાઈ, ધરોઈ કોલોની રોડ ઉપર રાજહંસ સોસાયટીમાં રહેતા પટેલ વિનોદભાઈ નરોત્તમભાઈ (વિનુકાકા) તથા હિતેશભાઈ લીમ્બાચીયાના ઘરે કાર્યકરો સાથે મીટીંગ કરી દેશમાં હિન્દુઓની જનસંખ્યા અને હિન્દુઓની તાકાત વિશે માહિતી પુરી પાડી હતી. દેશના હિન્દુ સમ્રાટ ર્ડા.પ્રવિણ તોગડીયાની મુલાકાતથી હિન્દુ ભાઈ-બહેનોમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો.