Select Page

ITI ફાટક ખોલવામાં આવે તો ટ્રાફીકમાં ઘણી રાહત થાય

ITI ફાટક ખોલવામાં આવે તો ટ્રાફીકમાં ઘણી રાહત થાય

ભાદરવી પૂનમના મેળાની જેમ નાના વાહનો માટે

  • ફાટક ખોલવામાં આવતા શહેર ૧૦ દિવસ ટ્રાફીક મુક્ત રહ્યુ

ભાદરવી પૂનમના મેળામાં વિસનગરમાંથી અસંખ્ય પદયાત્રા સંઘ તથા લાખ્ખોની સંખ્યામાં પદયાત્રી પસાર થશે તો શહેરમાં ટ્રાફીકની શુ હાલત થશે તેવો લોકોના મનમાં ભય હતો. પરંતુ ૧૦ દિવસ આઈટીઆઈ ફાટક ખોલવાનુ જાહેરનામુ પાડી ફાટક ખોલવામાં આવતા આ દિવસોમાં શહેર ટ્રાફીક મુક્ત જોવા મળ્યુ હતુ. હાલમાં જે ટ્રાફીક જોવા મળે છે તેવો ટ્રાફીક પણ થયો નહોતો. ત્યારે શહેરના લોકોની લાગણી છેકે નાના વાહનો માટે આઈટીઆઈ ફાટક ખોલવામાં આવે તો ટ્રાફીકમાં ઘણી રાહત થાય.
વિસનગરમાં આઈટીઆઈ ફાટક ઓવરબ્રીજ નિર્માણના કારણે ભૂતકાળમાં ક્યારેય ન અનુભવેલો અને ન જોયેલા ટ્રાફીકનો લોકો સામનો કરી રહ્યા છે. વર્ષ-૨૦૨૪ ની દિવાળી બાદ બ્રીજ નિર્માણનુ કામ શરૂ થયુ ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા.૯-૧૧-૨૦૨૪ ના રોજ તા.૩૦-૨-૨૦૨૬ સુધી મહેસાણા ચાર રસ્તાથી આઈટીઆઈ ચાર રસ્તા સુધીનો હાઈવેનો માર્ગ બંધ કરવા જાહેરનામુ બહાર પાડ્યુ હતુ. આ રસ્તો બંધ થતાની સાથેજ શહેરમાં ટ્રાફીકની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ હતી. જે ટ્રાફીક હાલમાં પણ અનુભવાઈ રહ્યો છે.
ભાદરવી પૂનમના મેળામાં વિસનગરમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રી અંબાજી તરફ જાય છે. પદયાત્રા સંઘોની સાથે માતાજીના રથ અને વાહનો પણ હોય છે. શહેરમાં પહેલેથીજ ટ્રાફીક રહેતો હોવાથી અંબાજી મેળા દરમ્યાન શુ હાલત થશે તેવી લોકોને ચિંતા હતી. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની સૂચનાથી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડીને તા.૨૮-૮-૨૦૨૫ થી તા.૧૦-૯-૨૦૨૫ સુધી નાના વાહનોને અવરજવરમાં મુક્તી આપવામાં આવી હતી. ૧૪ દિવસ સુધી આઈ.ટી.આઈ. ફાટક ખુલતા શહેરના લોકોને પણ નાના વાહનો સાથે અવરજવરમાં સાનુકુળતા રહી હતી. ભાદરવી પૂનમના મેળા દરમ્યાન ફાટક ખોલવામાં આવતા ટ્રાફીકનો જે ભય હતો તેમાં રાહત મળી હતી. આ ઉપરાંત્ત શહેરના નાના વાહનો પણ આઈટીઆઈ ફાટકના માર્ગોથી પસાર થતા આ દિવસો દરમ્યાન એમ.એન.કોલેજ ફાટક, એમ.એન.કોલેજ રોડ, સવાલા દરવાજા વિગેરે વિસ્તારો ટ્રાફીક મુક્ત રહ્યા હતા. ભાદરવી પૂનમના મેળા માટે ૧૪ દિવસ ફાટક ખોલવામાં આવતા શહેરના લોકોએ ટ્રાફીકમાંથી ખુબજ રાહત મળી હતી.
બ્રીજ નિર્માણના કારણે આઈ.ટી.આઈ. ફાટક બંધ હોવાથી અત્યારે બન્ને તરફના વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ફાટકની બાજુમાંજ સોમનાથ હાઈસ્કુલ આવેલી છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફરીને અવરજવર કરવી પડે છે. ત્યારે આ વિસ્તારના લોકોની લાગણી છેકે નાના ફોર વ્હીલર વાહનો માટે નહી તો ટુ વ્હીલર માટે પણ ફાટકના રસ્તેથી અવર જવરની સંમતી આપવી જોઈએ. ફાટકના રસ્તા ઉપરથી ટુ વ્હીલર વાહનચાલકોને જાહેરનામામાંથી મુક્તી મળે તે માટે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે પણ પ્રયત્ન કરવો જોઈએ તેવી લોકોની લાગણી છે.
વાહનોની અવર જવર માટે શહેરમાં બીજો કોઈ વૈકલ્પીક માર્ગ નથી. બાયપાસ હાઈવે શરૂ થતા હજુ ઘણો સમય થાય તેમ છે. મોટા શહેરમાં આવા બ્રીજ નિર્માણનુ કામ થતુ હોય ત્યારે બન્ને બાજુ પતરાની રેલીંગ લગાવીને ટ્રાફીક માટે માર્ગ ખુલ્લો રાખવામાં આવે છે. આઈટીઆઈ બ્રીજની એમ.એન.કોલેજના વરંડા તરફ કેનાલ પસાર થતી હોવાથી એ બાજુનો માર્ગ ખોલી શકાય તેમ નથી. પરંતુ ક્રિષ્ણા હોસ્પિટલ બાજુ નાના ટુ વ્હીલર વાહનો અવર જવર કરી શકે તેટલી પહોળાઈનો રસ્તો મળે તેમ છે. વહીવટી તંત્ર આ બાબતે વિચાર કરીને ટુ વ્હીલર માટે અવરજવર શરૂ કરે તો પણ ટ્રાફીકમાં ઘણી રાહત થાય તેમ છે.