Select Page

ભારતની પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઈક બાદ સાવચેતીના ભાગરૂપે વિસનગરમાં રૂા.૪૯૫ કરોડના ભૂમિપૂજન લોકાર્પણ કાર્યક્રમ મોકૂફ

ભારતની પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઈક બાદ સાવચેતીના ભાગરૂપે વિસનગરમાં રૂા.૪૯૫ કરોડના ભૂમિપૂજન લોકાર્પણ કાર્યક્રમ મોકૂફ

પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતની પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઈક બાદ સાવચેતીના ભાગરૂપે જાહેર કાર્યક્રમો ઉપર તંત્ર દ્વારા પાબંદી મુકવામાં આવી હોવાનુ જણાય છે. વિસનગરમાં રૂા.૪૯૫ કરોડના ખર્ચે લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાવાનો હતો. જેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ હતી. પરંતુ અચાનક કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવતા છેલ્લા ત્રણ દિવસની અધિકારીઓ તથા કર્મચારીઓની મહેનત એળે ગઈ હતી.
પાલડી ત્રણ રસ્તા એ.પી.એમ.સી. ગ્રાઉન્ડમાં ૧૧૦૦૦ પ્રેક્ષકો એકઠા કરવાનો ટાર્ગેટ કરાયો હતો
વિસનગરમા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી રૂા.૩૦ કરોડના ખર્ચે બનેલ સિવિલ હોસ્પિટલ, રૂા.૬.૭૦ કરોડના ખર્ચે બનેલ નગરપાલિકા ભવન તથા રૂા.૪.૪૭ કરોડના ખર્ચે બનેલ તાલુકા પંચાયત ભવન સાથે કુલ રૂા.૪૯૫ કરોડના વિકાસ કામોનુ ભૂમિપૂજન, ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કાર્યક્રમો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં થવાના હોઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. પાલડી ત્રણ રસ્તા પાસે એ.પી.એમ.સી.ના ગ્રાઉન્ડમાં ૧૧૦૦૦ પ્રેક્ષકો એકઠા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. તા.૮-૫-૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૯-૦૦ કલાકે કાર્યક્રમ હોઈ કાર્યક્રમના સ્થળે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા જિલ્લા કલેક્ટર એસ.કે.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસ્મીન વિગેરે અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમની વ્યવસ્થા માટે ચર્ચાઓ સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ આરોગ્ય મંત્રીએ જેનુ લોકાર્પણ કરવાનુ હતુ, તે નવી સિવિલ હોસ્પિટલ, પાલિકા ભવન અને તાલુકા પંચાયત ભવનની મુલાકાત લઈને તૈયારીઓનુ નિરિક્ષણ કર્યુ હતુ.
વિસનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારે તા.૬-૫-૨૦૨૫ ને મંગળવારની મોડી રાત્રે ભારતની પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઈક બાદ સાવચેતીના ભાગરૂપે કાર્યક્રમ મોકૂફ રહ્યો હોવાના બુધવારની બપોરે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા. ગુજરાતની હદ પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલી હોઈ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોઈ સાવચેતીના ભાગરૂપે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. યુધ્ધની પરિસ્થિતિ વણસતા હવે જ્યા સુધી સ્થિતિ નિયંત્રણમા ન આવે ત્યા સુધી લોકાર્પણ કાર્યક્રમ થશે નહી.