વિસનગર ટીડીઓની ગુલ્લીબાજ કર્મચારીઓ સામે લાલ આંખ
વિસનગર તાલુકા પંચાયતના નવનિયુક્ત ટીડીઓએ તાલુકા પંચાયતનો ચાર્જ સંભાળ્યાના ત્રીજા દિવસે તાલુકા પંચાયતના અનિયમિત અને ગુલ્લીબાજ કર્મચારીઓ માટે કડક વલણ અપનાવ્યું છે.જેમાં ટીડીઓએ તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓને સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ઃ૧૦ સુધી ફરજ ઉપર હાજર રહેવા તેમજ બપોરે ૧ થી ૨ વાગ્યા સુધીની રિશેષમાં જમવા જવાનો આદેશ કરતા સ્થાનિક ગુલ્લીબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.હવે ટીડીઓના આદેશનું કેટલા કર્મચારીઓ પાલન કરે છે તે જોવાનું રહ્યું?
વિસનગર ટીડીઓ સુચીબેન પટેલની બદલી કરી તેમની જગ્યાએ તાલુકા પંચાયતની વહીવટી કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા ગઢાના વતની ભૌમિકભાઈ ચૌધરીની નિમણુંક કરવામાં આવી છે. ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરીએ તાલુકા પંચાયતનો ચાર્જ સંભાળ્યા બાદ તાલુકા પંચાયતની વિકાસ શાખા અને આઈ.આર.ડી.શાખાના કર્મચારીઓ સાથે મીટીંગ કરી દરેક કર્મચારી પાસેથી કામગીરીનો તાગ મેળવ્યો હતો. કર્મચારીઓ સાથે મિટિંગ કર્યા બાદ ટીડીઓએ સવારથી સાંજ સુધી સતત ત્રણ દિવસ ઓફિસમાં બેસી કયા કર્મચારી ફરજ ઉપર અનિયમિત અને ગુલ્લી મારે છે તેની નોંધ કરી હતી.કર્મચારીઓ અને તલાટીઓ અરજદારો સાથે કેવું વર્તન કરે છે તેની પણ ગુપ્તરાહે તપાસ કરી હતી.જેમાં વિકાસ શાખાના સ્થાનિક બે કાયમી કર્મચારી રોજ બપોરે કોઈને કહ્યા વગર જમવા જતા રહેતા હતા અને આરામ કરીને શાંતિથી ઓફિસ આવતા હતા. ટીડીઓએ ડમી અરજદાર બની એક તલાટીને ફોન કરતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો.ત્યારે ટીડીઓએ તલાટીનો ફોન ઉપર ઉધડો લઈ કોઈપણ અરજદારને ધક્કા નહીં ખવડાવવા અને અરજદારો સાથે અસભ્ય વર્તન નહીં કરવા સૂચના આપી હતી.આ સાથે ટીડીઓએ તાલુકા પંચાયતના પટાવાળાથી લઈને દરેક કર્મચારીને કોઈપણ અરજદારને સંતોષકારક જવાબ આપવા,પીવાનું પાણી આપવા અને શક્ય હોય ત્યાં સુધી દરેક અરજદારનું કામ ઝડપી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત ટીડીઓએ ફરજ ઉપર અનિયમિત અને ગુલ્લી મારતા કર્મચારીઓને ફરજનું ભાન કરાવવા બુધવારના રોજ તાલુકા પંચાયતની વિકાસશાખા અને આઈ.આર.ડી શાખાના તમામ કર્મચારીઓને સવારે ૧૦-૩૦ થી સાંજે ૬-૧૦ સુધી ફરજ ઉપર હાજર રહેવા તેમજ બપોરે ૨-૦૦ થી ૨-૩૦ સુધી રિશેષના સમયમાં જમવા જવાનો કડક આદેશ કરતા અનિયમિત અને ગુલ્લીબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે ટીડીઓના આદેશથી હાલ તો પોતાની ખાનગી પેઢી હોય તેમ વર્ષોથી રોજ બપોરે ૧૨-૦૦ વાગે કોઈને કહ્યા વગર અથવા કોઈપણ બહાનું કાઢીને ઘરે જમવા જતા રહેતા વિકાસ શાખાના બે કાયમી કર્મચારીને પેટમાં ફાળ પડી છે.હવે ટીડીઓના આદેશનું તાલુકા પંચાયતના કેટલા કર્મચારી પાલન કરે છે તે જોવાનું રહ્યું?અત્યારે તો ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરીના કડક વલણથી નિયમિત સમયસર ફરજ બજાવતા નિષ્ઠાવાન કર્મચારીઓ ખુશ થયા છે.જ્યારે રોજ બપોરે ૧૨- ૦૦ ના ટકોરે જમવા જતા રહેતા સ્થાનિક ગુલ્લીબાજ કર્મચારી હવે બપોરે વહેલા જમવા જવા માટે ગુલ્લી કેવીરીતે મારવી તે વિચારતા થયા છે.બીજી તરફ તાલુકા પંચાયતના નિષ્ઠાવાન કર્મચારીઓ રોજ બપોરે ગુલ્લી મારવાની ટેવવાળા ગુલ્લીબાજ કર્મચારી હવે કેટલા વાગે ઘરે જમવા જાય છે અને આવે છે તેના ઉપર બાજનજર રાખી રહ્યા છે.