ગામતળમાં પાલિકા ભવન નહી બને તો ભારે વિરોધ થશે
પાલિકા જનરલમાં દંડક પ્રકાશભાઈ દાણીનો ઉવાચ
ગામતળમાં પાલિકા ભવન નહી બને તો ભારે વિરોધ થશે
પાલિકા સભ્ય પરેશભાઈ પટેલની ચીમકી પાલિકા ભવન અન્ય જગ્યાએ ખસેડવાનો નિર્ણય કરાશે તો, જોઈએ છીએ આગામી પાલિકાની ચુંટણીમાં મત લેવા કોણ આવે છે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની જનરલમાં પાલિકા ભવનનો વિવાદ ચમક્યો હતો. દંડક પ્રકાશભાઈ દાણીએ રોષ વ્યક્ત કર્યો હતો કે, પાલિકા ભવન અન્ય જગ્યાએ બનાવવાનો નિર્ણય કરાશે તો ૫૦૦૦ લોકોની વિરોધમાં જંગી રેલી નીકળશે. જ્યારે પરેશભાઈ પટેલે તો ચીમકી આપી હતી કે, અન્ય જગ્યાએ પાલિકા ભવન બનાવવાનો નિર્ણય કરાશે તો જોઈએ છીએ આગામી ચુંટણીમાં ગામતળમાં કોણ મત લેવા આવે છે.
વિસનગર પાલિકાની જનરલમાં પાલિકા ભવનના વિવાદને લઈને ભારે હોબાળો થયો હતો. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જૂની કોર્ટ બિલ્ડીંગની જગ્યાએ પાલિકા ભવન બનાવવામાં આવે તો, ગામતળમાં સાંકડા રસ્તા હોવાથી અવરજવરમાં ટ્રાફીકની સમસ્યા ઉભી થાય તેમજ વાહનો પાર્ક કરવામાં પણ અગવડતા પડે તેમ હોવાથી આદર્શ હાઈસ્કુલની સામે અગાઉ પાલિકાએ કરેલ ઠરાવ મુજબ જગ્યા ફાળવવા કલેક્ટરને પત્ર લખ્યો હતો. પાલિકાની જનરલમાં પ્રમુખનો કલેક્ટરને લખવામાં આવેલો પત્ર બાબતે ભારે હોબાળો થયો હતો. આ નિર્ણયને જનરલમાં વખોડતી રજુઆતની શરૂઆત સભ્ય પરેશભાઈ પટેલે કરી હતી. જેમણે જણાવ્યુ હતું કે, ગામનો વિકાસ પડી ભાગવા માટે આ નિર્ણય કરાયો છે. ત્યારે તુર્તજ જનરલમાં સ્ટેજ ઉપરથી ઉભા થઈ દંડક પ્રકાશભાઈ દાણીએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, પાલિકા ભવન આદર્શ હાઈસ્કુલ સામે બનાવવાનો નિર્ણય કરવામાં આવશે તો ગામતળમાંથી ૫૦૦૦ લોકોની વિરોધમાં રેલી નીકળશે. જૂની કોર્ટ બીલ્ડીંગની જગ્યામાં પાલિકા ભવન બનાવવા મહેનત કરી મંજુરીઓ મેળવી છે. ગામતળનો વિકાસ પડી ન ભાગે તે માટે ગામતળના વિસ્તારમાં પાલિકા ભવન બને તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે પાલિકા ભવન બનાવવા હવે જો નિર્ણય બદલવામાં આવશે તો ભારે વિરોધ થશે.
સભ્ય પરેશભાઈ પટેલે તો ચીમકી આપી હતી કે, આદર્શ વિદ્યાલય સામે પાલિકા ભવન બનાવવા નિર્ણય કરવામાં આવશે તો આગામી પાલિકાની ચુંટણીમાં ગામતળમાં મત માગવા ભારે પડશે. જૂની કોર્ટ બીલ્ડીંગમાં પાલિકા ભવન બનાવવાનો નિર્ણય નહી કરાય તો જોઈએ છે ગામતળમાં કોણ મત લેવા આવે છે. ગામતળના વિસ્તારમાં પાલિકા ભવન બનાવવા તેની તરફેણમાં એક બે સભ્ય નથી પરંતુ ગામતળ સાથે સંકળાયેલા પાલિકામાં ૨૫ સભ્ય છે. જે તમામ સભ્યો આદર્શ સામેની જગ્યામાં પાલિકા ભવન બનાવવાના નિર્ણય સામે ખુલ્લે ખુલ્લા બહાર આવશે.