ગેરકાયદેસર કનેક્શન પકડાયુ તેની અધિકારીએ અદાવત રાખીવિસનગરમાં આંતરા દિવસે પાણીકાપની વિકટ સ્થિતિ
નર્મદા આધારીત વિસનગર જુથ યોજના અસ્તિત્વમાં હોવા છતા શહેર અનિયમિત પાણી વિતરણના અભિશાપમાંથી મુક્ત થયુ નથી. દસ દિવસ અગાઉ નર્મદા લાઈનમાં ભંગાણ સર્જાતા બે દિવસ પાણી બંધ રહ્યુ હતુ. ત્યારબાદ કૃષ્ણનગર સંપમાં ધરોઈનુ પાણી અચાનક બંધ કરવામાં આવતા શહેરીજનોએ આંતર દિવસે પાણી કાપની મુશ્કેલી સહન કરવી પડી હતી. પાલિકાએ ગેરકાયદેસર કનેક્શન પકડતા તેની અદાવતમાં નર્મદાના એક અધિકારીની સૂચનાથી ધરોઈનુ પાણી બંધ કરવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. શહેરીજનોને હેરાન કરતી આ અધિકારી સામે કેબીનેટ મંત્રી પગલા ભરે તેવી પાલિકા સભ્યોની માગણી છે.
નર્મદા યોજના આધારીત વિસનગર જૂથ યોજના વાલમ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ગંજબજારમાં આયોજીત લોકાર્પણ કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે હવે વિસનગર શહેરને ક્યારેય પીવાના પાણીની તકલીફનો સામનો કરવો પડશે નહી. નર્મદા યોજનાના અધિકારીઓની મનમાનીથી કેબીનેટ મંત્રીએ આપેલુ વચન ખોટુ સાબીત થઈ રહ્યુ છે. વાલમ પ્લાન્ટ શરૂ થયા બાદ અત્યાર સુધી ઘણી વખત નર્મદા યોજનાના અધિકારીઓની નિષ્કાળજીથી શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. દિવાળી બાદ પાઈપલાઈન રીપેરીંગના બહાને પાલિકાને આગવી કોઈ સુચના આપ્યા વગર અચાનક વાલમ પ્લાન્ટમાંથી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. એક અઠવાડીયા સુધી નર્મદાનુ પાણી બંધ રહ્યુ હતુ. કેબીનેટ મંત્રીના પ્રયત્નોથી ધરોઈનુ પાણી શરૂ થતા પાણીની વિકટ સમસ્યાથી શહેર ઉગર્યુ હતુ. ત્યારબાદ ઘણી વખત પાણી બંધ કરવામાં આવ્યુ છે. છેલ્લે તા.૨૮-૨ ના રોજ પાલિકાને જાણ કર્યા વગર વાલમ પ્લાન્ટનો પુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો. મોઢેરાથી મોટી દઉ વચ્ચેની લીકેજ પાઈપ લાઈન રીપેરીંગ કરવામાં આવતા પાણી બંધ કરાયુ હતુ. પાલિકા તંત્ર દ્વારા નર્મદાના અધિકારીનો સંપર્ક કરવામાં આવતા આવી મહત્વની બાબતમાં ફોન રીસીવ થતો નહોતો. ખુદ પાલિકા ચીફ ઓફીસરે જણાવ્યુ હતું કે ૨૯-૨ ના રોજ મોબાઈલ ઉપર સંપર્ક કરવામાં આવતા ફોન રીસીવ થયો નહોતો.
ધરોઈનુ પાણી બંધ થતા કૃષ્ણનગર સંપમાં નર્મદાનુ પાણી આપતા શહેરની વિતરણ વ્યવસ્થા ખોટવાઈ
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના શહેરમાં કોઈ તકલીફ પડે નહી તે માટે અધિકારીઓ ચોકન્ના રહેવા જોઈએ. ત્યારે નર્મદા યોજનાના આ અધિકારીને જાણે કોઈની પડી ન હોય તેમ પોતાની મનમાની કરી રહ્યા છે. ધરોઈ કોલોની રોડ કૃષ્ણનગર સંપમાં ધરોઈની ગામડાની લાઈનમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. ત્યારે પીવાના પાણી બાબતે શહેરીજનોને હેરાન કરવા ટેવાયેલા નર્મદાના અધિકારીએ કોઈ સૂચના વગર ૧ લી માર્ચથી પાણી બંધ કર્યુ હતુ. કૃષ્ણનગર સંપમાં સવારથીજ સાંજ સુધી ૧૦ લાખ લીટર ધરોઈ પાણી મળતુ હતુ. આ સંપ અને ઓવરહેડ ટાંકીથી મહેસાણા ચાર રસ્તા શુકન સોસાયટીથી ધરોઈ કોલોની રોડ ઉપર આઠ થી દસ ઝોનમાં પાણી આપવામાં આવે છે. ધરોઈનુ પાણી બંધ થતા સર્વે નં.૩૦૫ માંથી નર્મદાનુ પાણી પહોચતુ કરવામાં આખા શહેરની વિતરણ વ્યવસ્થા ખોટવાઈ હતી. લગભગ ચાર થી પાંચ દિવસ આતરે દિવસે પાણી આપવામાં આવ્યુ હતુ. નર્મદાના અધિકારીની હેરાનગતીનો મુદ્દો કેબીનેટ મંત્રી સુધી પહોચ્યો હતો. પરંતુ હજુ સુધી શહેરીજનોને હેરાન કરનાર નર્મદાના અધિકારી સામે કોઈ પગલા લેવામા આવ્યા હોવાનુ જણાયુ નથી. એટલે ઉનાળામાં પણ આ અધિકારીની ખોટી કનડગતથી પાણીકાપની પુરતી શક્યતા રહેલી છે.
જાણવા મળ્યા પ્રમાણે દિવાળી પહેલા પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે નર્મદા યોજનાના આ અધિકારીની દોરવણીમાં અપાયેલ ગેરકાયદેસર કનેક્શનનુ કૌભાંડ પકડ્યુ હતુ. આ અધિકારીના આશિર્વાદથી રોજનુ લાખ્ખો લીટર પાણી મફતમાં અપાતુ હતુ. પાલિકા તંત્રએ આ કનેક્શન પકડતા તેની અદાવત રાખી નર્મદા યોજનાના અધિકારી દ્વારા કેબીનેટ મંત્રીનો પણ ડર રાખ્યા વગર ખોટી રીતે વારંવાર પાણી કાપ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે.