શાકભાજી લેતા હતા અને પાછળથી અચાનક શિંગડુ ભરાવ્યુ દરબાર રોડ શાક માર્કેટમાં આખલાએ મહિલાને ફંગોળી
વિસનગરમા રખડતી ગાયો અને આખલાના હુમલાથી લોકો ગંભીર ઈજાનો ભોગ બની રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર શહેરના રખડતા ઢોરથી મુક્ત કરવા કોઈ કાર્યવાહી કરતુ નથી. દરબાર રોડ શાકમાર્કેટમા આખલાએ એક મહિલાને ૧૦ ફુટ ઉંચે ફંગોળતા ગંભીર ઈજા થઈ હતી. આ મહિલા અત્યારે અમદાવાદ એપોલો હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા છે.
વિસનગર દરબાર રોડ શાક માર્કેટમા શાકભાજીના વેપારીઓ સડેલા શાકભાજી નાખતા હોવાના કારણે રખડા આખલા અને ગાયોનો ખુબજ ત્રાસ વર્તાય છે. શાક માર્કેટમા રોજ આઠથી દશ આખલા ફરતા જોવા મળે છે. આ વિસ્તારમા આખલા અડફેટે લેતા હોવાના આંતરે દિવસે બનાવ બને છે. વિજાપુરના મનીષાબેન ઈશ્વરભાઈ પટેલ ગુજરાત ઈન્ફ્રાની ઓફીસ આગળ શાકભાજી લારીમાથી શાક ખરીદતા હતા. ત્યારે પાછળથી એક આખલો આવી સિંગડે ભરાવી ઉછાળતા મહિલા લગભગ ૧૦ ફુટ ઉંચે ફંગોળાઈ પટકાતા હતા. આ વિસ્તારમાં આખલા વારંવાર હુમલા કરતા હોવાથી નજીકના લોકો તાત્કાલિક લાકડીઓ લઈ દોડી આવી આખલાને ખદેડ્યો હતો. ૧૦૮ દ્વારા મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમા સારવાર્થે દાખલ કરાયા હતા. થાપાના ભાગે ક્રેક થઈ હોવાથી અને પગની આંગળીઓમા ફ્રેકચર હોવાથી સારવાર માટે અમદાવાદ એપોલો હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવના બે દિવસ પહેલા પણ એક મહિલાને આખલાએ સિંગડે ભરાવ્યા હતા. આ શાક માર્કેટમા સાત થી આઠ આખલા ફરે છે. શાકભાજીના વેપારીઓ વધેલા અને સડેલા શાકભાજી નાખતા હોવાથી આખલા આ વિસ્તારમાજ અડ્ડો જમાવીને બેઠા હોય છે. બપોરના એક વાગ્યા પછી આ બજાર બંધ હોય છે. ત્યારે બંન્ને બાજુનો રસ્તો બંધ કરી આખલા પકડી શકાય તેમ છે. દિવસના સમયેજ અહી આખલા ફરતા હોય છે. ત્યારે પાલિકા તંત્ર બપોરે રખડતા આખલાને પકડે તો આ વિસ્તાર આખલાના ત્રાસમાથી મુક્ત થાય તેમ છે.
થાપાના ભાગે ક્રેક થતા અને આંગળીઓમા ફ્રેક્ચર થતા મહિલાને અમદાવાદ હોસ્પિટલમા દાખલ કરાયા
બીજુ એ પણ જાણવા મળ્યુ છે કે આસપાસના ગામડાના લોકો રાત્રે વિસનગરની ભાગોળે આખલા ઉતારી જાય છે. તા.૨૦-૧-૨૦૨૬ના રોજ આખલાએ મહિલાને ઉછાળ્યા તેના બીજાજ દિવસ એટલે કે તા.૨૧-૧-૨૦૨૬ની મોડી રાત્રે કડા દરવાજા વિજાપુર રોડ ઉપર મંગલ સિરામીક આગળ એક આયશર આઠથી દશ આખલા ભરીને આવી હતી. આયશર ટ્રકમાથી આખલા ઉતારવાની તૈયારી હતી તે સમયે આ વિસ્તારના કેટલાક યુવાનો જોઈ જતા પાછળ પડતા આઈશર ટ્રક લઈને નાસી ગયા હતા. જેથી પોલીસ પણ નાઈટ પેટ્રોલીંગમા તકેદારી રાખે તો આખલા ઉતારતા રોકી શકાય.