Select Page

વિદ્યાર્થીઓની એકાગ્રતા તથા માનસિક વિકાસમાં વાંચનની ટેવ જરૂરી અખબાર એટલે એક સાથે અનેક વિષયો પીરસતુ માધ્યમ

વિદ્યાર્થીઓની એકાગ્રતા તથા માનસિક વિકાસમાં વાંચનની ટેવ જરૂરી અખબાર એટલે એક સાથે અનેક વિષયો પીરસતુ માધ્યમ

તંત્રી સ્થાનેથી…
ડિજિટલ અને સોશિયલ મીડિયાના અત્યારના યુગમાં અભ્યાસ કરતા બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનો એકાગ્રતા કેળવવામાં તેમજ અનેક વિષયોની માહિતી આપવામાં જેનુ મહત્વ છે તે અખબારથી અળગા થતા જાય છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને સોશિયલ મીડિયાની આદતના કારણે જે ભયસ્થાનો રહેલા છે તેના અનેક સર્વે થયા છે. જ્યારે અખબારના નિયમિત વાંચનથી તેના અનેક ફાયદા છે. બાળકો અને યુવાનોને અભ્યાસક્રમની બહાર પુસ્તકો વાંચવાની ટેવ પાડવી એ અત્યારના સમયમાં ખુબજ જરૂરી છે. એક નહી પરંતુ અસંખ્ય સર્વેક્ષણો દર્શાવે છેકે અખબારો હજુ પણ માહિતી આપતુ વિશ્વસનીય સ્ત્રોત છે. અખબારના સંપાદકો તથા સંપાદકીય મંડળ અહેવાલો પ્રકાશિત કરતા પહેલા તેની કાળજીપૂર્વકની તપાસ કરે છે. જ્યારે સોશિયલ મીડિયા અનેક માહિતી આપતુ હોવા છતા સંપાદકની ગેરહાજરી આવી માહિતીની વિશ્વસનીયતા ઉપર અનેક શંકા ઉભી કરે છે. સોશિયલ મીડિયામાં ખોટા અહેવાલો મળતા હોવાના એક નહી પરંતુ અનેક વખત બનાવ બન્યા છે. સોશિયલ મીડિયા ઉપર સરકારનો કોઈ અંકુશ નથી. જ્યારે સંપાદક જવાબદાર હોવાના કારણે અખબારો દ્વારા તથ્ય વગરના અહેવાલો પ્રકાશિત થતા હોવાના બનાવ ક્યારેકજ જોવા મળે છે. બાળકો તથા યુવાનોને સોશિયલ મીડિયાથી કેમ કરી દૂર કરી શકાય તે માટે સરકાર પણ પ્રયત્નશીલ છે. જેમાં બાળકો વાંચન કરવા ટેવાય અને સોશિયલ મીડિયાથી દૂર કરી શકાય તે માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આવકારદાયી અભિગમ અપનાવ્યો છે. યુપી સરકારે શાળાઓમાં અખબાર વાંચન ફરજીયાત કરવાનો નિર્ણય કર્યો છે. શાળામાં સવારની પ્રાર્થના દરમ્યાન દસ મિનિટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર તથા સંપાદકીય વાંચન ફરજીયાત કરવામાં આવ્યુ છે. બ્લેક બોર્ડ ઉપર દરરોજ પાંચ મુશ્કેલ શબ્દો તેના અર્થ સાથે લખવામાં આવશે. યુપી સરકારની આ પહેલ બાળકોની વાંચન આદતો, શબ્દભંડોળ અને સામાન્ય જ્ઞાનમાં વધારો કરશે. જેની સાથે બાળકોની મોબાઈલ સ્ક્રીન સમયમાં પણ ઘટાડો કરશે. સોશિયલ મીડિયામાં એવી ઘણી કન્ટેઈન પીરસવામાં આવે છે, જે બાળકો તથા યુવાનોને માનસિક વિકૃતિ તરફ લઈ જાય છે. જ્યારે અખબાર વાંચનથી સંસ્કૃતિ સાથે જોડાઈને બાળકો ભાવનાત્મક, બૌધ્ધિક અને સામાજીક રીતે સમૃધ્ધ બનશે. ઉત્તરપ્રદેશની સરકારના અભિગમથી પ્રેરાઈને રાજસ્થાન સરકાર પણ શાળામાં બાળકોને ફરજીયાત અખબાર વાંચન માટે નિર્ણય કરી રહી છે. શાળામાં શિક્ષકોની હાજરીમાં અખબારો દ્વારા મેળવેલી અધિકૃત માહિતી સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપશે. આ વાંચન ટેવ વધુ વિકસિત ત્યારેજ થશે જ્યારે માતા-પિતા પણ તેમના બાળકોને ઘરે વાંચવા માટે પ્રોત્સાહિત કરશે. ચિંતાની વાત તો એ છેકે માતા-પિતા બાળકોની હઠ આગળ નમી ૧૫ થી ૨૦ હજારની કિંમતનો મોબાઈલ ખરીદી આપે છે. જ્યારે જેનાથી બાળકની સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન મળે છે તે અખબાર ઘરે મંગાવતા નથી કે તેના વાંચન માટે પ્રેરતા નથી. બાળકો માટે શાળાઓમાં શરૂ કરાયેલ આ અભિયાન અવિરત ચાલુ રહે તે પણ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની જેમ દરેક રાજ્યોએ બાળકોને મોબાઈલ સ્ક્રીનથી દૂર રાખવા અખબાર વાંચન માટે ફરજ પાડવી જોઈએ અને આ કામ શાળાઓ દ્વારા જ શક્ય છે. ખરેખર તો કેન્દ્ર સરકારે સમગ્ર દેશની સરકારી અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ફરજીયાત અખબાર વાંચનની ફરજ પાડી તેનો કડક અમલ કરાવવો જોઈએ. અખબાર વાંચીને જે પેઢી તૈયાર થશે તે મોબાઈલને બદલે વાંચનપ્રિય બનશે. અખબાર વાંચનની ટેવ હશે તોજ આ પેઢી વિકસિત ભારતનો સંકલ્પ પુરવાર કરવામાં મદદરૂપ બનશે. બાળકો અખબાર વાંચન કરવા પ્રેરાશે ત્યારે વિજ્ઞાન, ટેકનોલોજી, કલા, સંસ્કૃતિ, ઈતિહાસના જાણકાર બની પોતાનો દ્રષ્ટિકોણ વિકસાવશે. વાંચનથી શબ્દ ભંડોળના અનુભવી થશે અને ભાષા પણ સમૃધ્ધ થશે. વિડંબણા એ છેકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાળકોની નિર્દોષતા છીનવી રહ્યુ છે અને બાળકોને અકાળે પુખ્ત બનાવી રહ્યુ છે. અત્યારના સમયમાં ઘરે અખબાર મંગાવતા પરિવારો ઘણા ઓછા છે. નવરાશના સમયે હાથમાં મોબાઈલ લઈને બેસી જતા માતા-પિતાએ પણ આ કટેવ સુધારીને તેમના બાળકને વાંચન તરફ પ્રેરવા પડશે. યુપીએસસી કે જીપીએસસી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોબાઈલ કે સોશિયલ મીડિયાના આધારે નહી પરંતુ સંદર્ભ પુસ્તકો અને અખબાર વાંચનથી સફળતા પ્રાપ્ત કરી શકે છે. અખબાર વાંચનથી વ્યક્તિગત વિકાસ, જ્ઞાન સંપાદન અને વિશ્વ વિશે મહિતગાર રહેવાના અનેક લાભ મળે છે. અખબાર સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ બાબતે અદ્યતન માહિતી પ્રદાન કરે છે. રાજકારણ, અર્થશાસ્ત્ર, સામાજીક મુદ્દાઓ, રમતગમત, મનોરંજન સહિતની અનેક વિષયોના જાણકાર બની શકાય છે. અખબારો દ્વારા આપવામાં આવતા અહેવાલોથી લેખન શૈલીઓ, ભાષાની રચનાઓ અને શબ્દભંડોળથી પરિચિત થવાય છે. અખબારો મોટાભાગે સમાચાર અને ઘટનાઓ ઉપર જુદા જુદા દ્રષ્ટિકોણ રજૂ કરતા હોવાથી વિવેચનાત્મક વિચાર કૌશલ્ય વિકસાવી શકાય છે. બાળકોની એકાગ્રતા તથા માનસિક વિકાસમાં અખબાર વાંચનની ટેવ ખુબજ જરૂરી છે.