Select Page

વિસનગર ITIના સફાઈ કામદારોની પગાર માટે રઝળપાટ

વિસનગર ITIના સફાઈ કામદારોની પગાર માટે રઝળપાટ

મહેસાણા લેબર કોર્ટનો આદેશ હોવા છતાં

  • આઉટ સોર્સ એજન્સીના સંચાલકે પ્રિન્સીપાલ ઉપર આક્ષેપ કરતા કહ્યુ કે પ્રિન્સીપાલ દિનેશભાઈ કુગશિયા મારી સાથે લેતી-દેતીની વાત કરવા મારો મોબાઈલ ઓફિસની બહાર મુકાવતા હતા
  • સફાઈ કામદારોને નવ મહિનાનો પગાર નહી મળતા મળતા તેઓએ વિસનગર ધારાસભ્ય કાર્યાલયમાં રજુઆત કરી ન્યાયની માગણી કરી હતી

વિસનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા(I.T.I.)માં વર્ષોથી સામાન્ય પગારમાં કામ કરતા ૧૩ આઉટસોર્સ કર્મચારીઓને છેલ્લા નવ મહીનાથી પગાર નહી મળતા તેઓની આર્થિક સ્થિતી કફોડી બની છે. આ બાબતે સફાઈ કામદારોએ વિસનગર ધારાસભ્ય કાર્યાલયમાં રજુઆત કરતા સફાઈ કામદારોનો બાકી પગાર ચુકવવાની કાર્યવાહી કરવા આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલને ભલામણ કરી હતી. જોકે અગાઉ મહેસાણા લેબર કોર્ટે સફાઈ કામદારોનો દિન-૩૦ માં પગાર ચુકવવા પ્રિન્સીપાલ તથા નિયામકશ્રી ગાંધીનગરને આદેશ કર્યો હતો. છતાં કર્મચારીઓને પગાર ચુકવવાનો નહોતો.
આપણા દેશને સ્વચ્છ અને સુંદર બનાવવામાં વાલ્મીકી સમાજનું સૌથી મોટુ યોગદાન છે. વાલ્મીકી સમાજના આ યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તાજેતરમાં વિસનગરમાં બ્લડ બેંકના લાભાર્થે યોજાયેલ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે વાલ્મીકી સમાજની બહેનોને આમંત્રણ આથી તેમને ભોજન પીરસી ભોજન સમારંભનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત્ત વાલ્મીકી સમાજની બહેનોના પગના અંગુઠા ઉપર કુમ કુમ તિલક કરી લક્ષ્મીપૂજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે કેટલાક શિક્ષિત લોકો સત્તાના નશામાં વાલ્મીકી સમાજના સફાઈ કામદારોનું આર્થિક શોષણ કરે છે. જેમાં વિસનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (I.T.I.)ની વાત કરીએ તો અહી વાલ્મીકી સહિત અન્ય સમાજના ૧૩ જેટલા સફાઈ કામદારો આઉટ સોર્સ એજન્સી મારફતે વર્ષોથી સામાન્ય પગારમાં નોકરી કરે છે. જેમાં અગાઉની અમદાવાદ અને રાજકોટની આઉટસોર્સ એજન્સીઓ આ સફાઈ કામદારોને નિયમિત સમયસર પગાર ચુકવતી હતી. ત્યારબાદ કાનપુરની નવી એજન્સીનું ટેન્ડર મંજુર થતા ગમે તે કારણે ૧૩ સફાઈ કામદારોને છેલ્લા નવ મહિનાથી પગાર ચુકવાતો નહોતો. સફાઈ કામદારો એજન્સીના કોન્ટ્રાક્ટર અને આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલ બન્નેને પગારની રજુઆત કરીને થાકી ગયા હતા. છેવટે સફાઈ કામદારોએ ન્યાય માટે મહેસાણા લેબર કોર્ટનો આશરો લીધો હતો. આ કેસ લેબર કોર્ટમાં ચાલી જતા કોર્ટના જજશ્રી એમ.એન.અગ્રવાલે સમગ્ર કેસનું અવલોકન કરી તા.૧૯-૧૨-૨૦૨૫ ના રોજ ચુકાદો આપતા કહ્યુ કે આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલ અને રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગરના નિયામકશ્રીએ બાકી પગારની રકમ દરેક સફાઈ કામદાર(અરજદાર)ને ચુકવવા, આ પગાર ચુકવવા એ.એસ. એન્ટરપ્રાઈઝ કાનપુરની આઉટ સોર્સ એજન્સી તરફથી જમા થયેલ રકમ વાપરવા અને બાકી ચુકવેલ રકમ એજન્સી પાસેથી કાયદેસરની કાર્યવાહી કરી વસુલ કરવા તેમજ અરજદાર સફાઈ કામદારોને પડેલી મુશ્કેલીઓને ધ્યાને રાખી આઉટ સોર્સ એજન્સીએ અરજીના ખર્ચ પેટે રૂા.૫૦૦ દરેક સફાઈ કામદારને દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કર્યો છે.
જ્યારે કાનપુરની આઉટ સોર્સ એજન્સીના સંચાલકે પત્રકારને જણાવ્યુ હતું કે, મેં સફાઈ કામદારોને પગાર ચુકવવા વારંવાર આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલને રજુઆત કરી હતી. પગાર ચુકવવા બિલો પણ મોકલ્યા છે. પણ તેઓ લેતી-દેતીના વ્યવહારમાં સફાઈ કામદારના પગારના બિલોમાં સહી કરતા નથી. અને હું જ્યારે પ્રિન્સીપાલ કુગશિયા સાહેબને ઓફિસમાં મળવા જઉ ત્યારે તેઓ મારી સાથે લેતી-દેતીની વાતચીત કરવા મારો મોબાઈલ ફોન ઓફિસની બહાર મુકાવતા હતા તેવો એજન્સીના સંચાલકે આક્ષેપ કર્યો હતો. જ્યારે સફાઈ કામદારોએ વિસનગર ધારાસભ્ય કાર્યાલયમાં રજુઆત કરતા ત્યાંથી પ્રિન્સીપાલ કુગશિયાને ફોન કરી તમામ સફાઈ કામદારોનો બાકી પગાર ઝડપી ચુકવવાની કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. આમ સમગ્ર પ્રકરણમાં લેતી-દેતીના વ્યવહારના લીધે સફાઈ કામદારોનો નવ મહિનાથી પગાર અટવાયો હોવાનુ કમર્ચારીઓમાં ચર્ચાય છે. જોકે એજન્સીના સંચાલકે આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલ કુગશિયા ઉપર કરેલા આક્ષેપો સાચા કે ખોટા તેની તટસ્થ તપાસ થવી જરૂરી છે.