Select Page

બે-ત્રણ મહિના સુધી પગાર અને છ માસથી પ્રવાસી ભથ્થુ નહી મળતા
મહેસાણા જીલ્લાના એસ.બી.એમ.શાખાના કર્મચારીઓની મુખ્યમંત્રીને રજુઆત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર
મહેસાણા જીલ્લાના દશ તાલુકાના સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) શાખાના કરાર આધારિત તેમજ આઉટ સોર્સ કર્મચારીઓનો ઘણા સમયથી અનિયમિત પગાર થતા અને છ મહિના સુધી પ્રવાસી ભથ્થુ નહી મળતા તહેવારોમાં કર્મચારીઓની આર્થિક સ્થિતી કફોડી બની છે. આ બાબતે કર્મચારીઓએ મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત રજુઆત કરી ન્યાયની માગણી કરી છે.
સરકાર ચુંટણીઓ અને સરકારી કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાના ખર્ચા કરે છે. વિકાસકામો માટે હજ્જારો કરોડ રૂપિયાનુ બજેટ મંજુર કરે છે. પરંતુ સરકારી કચેરીઓમાં સામાન્ય પગારમાં નોકરી કરતા કરાર આધારિત તેમજ આઉટ સોર્સ કર્મચારીઓને દર મહિને નિયમિત પગાર મળે તે માટે કોઈ કડક કાર્યવાહી કરતી નથી. દર મહિને નિયમિત પગાર નહી મળતા કર્મચારીઓની આર્થિક સ્થિતિ કફોડી બને છે.
મહેસાણા જીલ્લાની કેટલીક આઉટસોર્સ એજન્સી પાંચ-છ મહિના સુધી કર્મચારીઓના પગારમાથી કાપેલા પી.એફના નાણાં જમા કરતી નથી

મહેસાણા જીલ્લાના સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) શાખાના કરાર આધારિત તેમજ આઉટ સોર્સ કર્મચારીઓનો બે-ત્રણ મહિના સુધી પગાર નહી થતા અને છ મહિનાથી પ્રવાસી ભથ્થુ નહી મળતા અત્યારે શ્રાવણ માસના તહેવારોમાં કર્મચારીઓની આર્થિક સ્થિતી કફોડી બની છે. અગાઉ રાજ્યના ગ્રામ વિકાસ એજન્સીના કમિશ્નરશ્રીએ કરાર આધારિત તેમજ આઉટસોર્સ કર્મચારીઓનો દર મહિને ૧ થી ૫ તારીખમાં પગાર ચુકવવા દરેક જીલ્લાના ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીઓને આદેશ કર્યો હતો. છતાં મહેસાણા જીલ્લામાં એસ.બી.એમ.શાખાના કર્મચારીઓને દર મહિને નિયમિત પગાર આપવામાં આવતો નથી. દર મહિને નિયમિત પગાર નહી મળતા સામાન્ય પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કેટલાક કર્મચારીઓને પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવવા સગા સબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લેવાની નોબત આવી છે. આજે રાજકીય છત્રછાયાના લીધે કેટલીક એજન્સીઓ આઉટસોર્સ કર્મચારીઓને દર મહિને નિયમિત પગાર ચુકવતી નથી અને પાંચ છ મહિના સુધી તેમના પી.એફ.ના કાપેલા નાણાં પણ જમા કરતી નથી. છતાં આઉટસોર્સ કર્મચારીઓ નોકરીની મજબુરીમાં આવી એજન્સીના સંચાલકની હેરાનગતી સહન કરે છે. ત્યારે સરકારે ગ્રામ વિકાસ એજન્સીના કરાર આધારિત તેમજ આઉટસોર્સ કર્મચારીઓને દર મહિને નિયમિત પગાર અને પ્રવાસી ભથ્થા બીલ મળે અને દર મહિને કર્મચારીઓના પગારમાંથી કાપેલા પી.એફ.ના નાણાં જમા થાય તેવી કડક કાર્યવાહી કરે તેવી કર્મચારીઓની માગણી છે. અત્યારે તો સ્વચ્છ ભારત મિશનના જીલ્લાના તમામ કર્મચારીઓએ સામુહિક સહીઓ કરી દર મહિને નિયમિત પગાર થાય અને પ્રવાસી ભથ્થુ મળે તે માટે મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી, ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગર, ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરી છે.