કેબિનેટમંત્રીના પ્રયત્નોથી કોમ્યુનિટી હોલ અને વહીવટી ભવન માટે એમ.એન.માં રૂા.૧૨ કરોડના વધારા સાથે રિવાઈઝ વહીવટી મંજુરી
કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પાસે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગનો હવાલો હતો ત્યારે વિસનગરની એમ.એન.કોલેજના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. સમયની સાથે ડિઝાઈનમા ફેરફાર થતા કોમ્યુનિટી હોલ અને વહીવટી ભવન માટે વધુ ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે કેબિનેટમંત્રીના પ્રયત્નોથી એમ.એન.કોલેજના આ બંન્ને વિભાગ માટે વધુ રૂા.૧૨ કરોડની વહીવટી મંજુરી મળી છે.
કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ જે વિભાગનો હવાલો સંભાળ્યો તે વિભાગનો વિસનગર શહેર અને તાલુકાને ઘણો લાભ મળ્યો છે. ઋષિભાઈ પટેલ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી હતા ત્યારે ઐતિહાસિક એમ.એન.કોલેજના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમા કોલેજના કોમ્યુનિટી હોલમા પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ, પડઘા ન પડે તે માટે એકોસ્ટીક વોલ પેનલીંગ, સીલીંગ, ફર્નિચર વર્ક, સેન્ટ્રલ એર કંન્ડીશનીંગ સીસ્ટમ, સાઉન્ડ સીસ્ટમ, હોલનુ રીપેરીંગ વિગેરે કામ માટે વર્ષ ૨૦૨૩-૨૪મા અંદાજપત્રમા રૂા.૪.૦૫ કરોડની વહીવટી મંજુરી મળી હતી. કોમ્યુનિટી હોલને વધુ સુવિધાજનક બનાવવા ડિઝાઈનમા ફેરફાર થતા તેમજ નવા એસઓઆર અમલમા આવતા રૂા.૪.૦૫ કરોડની જગ્યાએ રૂા. ૧૦.૯૫ કરોડની સુધારેલી વહીવટી મંજુરી માટે દરખાસ્ત કરવામા આવી હતી. જે વહીવટી મંજુરી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
એમ.એન.કોલેજમા ચાર માળના વહીવટી ભવન માટે રૂા.૫.૯૦ કરોડની વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમા વહીવટી મંજુરી મળી હતી. જેમા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્રિન્સીપાલ ઓફીસ અને ક્લેરીકલ સ્ટાફની બેઠક વ્યવસ્થા, બીજા માળે કોમ્પ્યુટર સેન્ટર અને અધ્યાપક બેઠક વ્યવસ્થા, ત્રીજા માળે પરીક્ષા ભવન અને ચોથા માળે રેકર્ડ રૂમ બનશે. આ વહીવટી ભવનની ડિઝાઈનમા ફેરફાર થતા સાથે સાથે નવીન એસઓઆર અમલમાં આવતા રૂા.૫.૯૦ કરોડની જગ્યાએ રૂા.૧૧.૧૭ કરોડની સુધારેલી વહીવટી મંજુરી માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આમ આ બંન્ને વિભાગમા રૂા.૧૨ કરોડના વધારા સાથે રિવાઈઝ વહીવટી મંજુરી મળી છે.