દીપરા દરવાજાથી રામદેવપીર મંદિર સુધીના ખાડાઓથી ભારે હાલાકી
વિસનગર નગરપાલિકાના સત્તાધીશો સત્તાના નશામાં લોકોને પડતી હેરાનગતિનો તમાશો જોઈ રહ્યા છે
વિસનગર શહેરના દીપરા દરવાજા રોડથી વિજાપુર રોડ ઉપર આવેલ રામદેવપીર મંદિર સુધીનો રોડ છેલ્લા એક વર્ષથી ઉબડખાબડ બિસ્માર બની જતા આ રોડ ઉપરથી રોજે રોજ પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.છતાં નગરપાલિકા દ્વારા આ રોડ બનાવવા કે પેવરકામ કરવા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા વાહનચાલકોમાં ભારે રોષ ઉભો થયો છે. વિસનગર નગરપાલિકા આ વિસ્તારનો રોડ ઝડપી બનાવે તેવી શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાહનચાલકોની માગણી છે.
વિસનગર શહેરના રોડના ખાડા એક મોટી સમસ્યા બની ગઈ છે. શહેરના દરેક રોડ ઉપર મસમોટા ખાડાઓ પડ્યા છે.ખાડાઓના કારણે રોડ ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી રોડની આજુબાજુમાં પસાર થતા રાહદારીઓ અને દુકાનદારો પણ પરેશાન થઈ ગયા છે. વાહનચાલકો ખાડામાં પટકાતા ઘણીવાર તેમના વાહનોને પણ નુકસાન થાય છે.જેમાં વિસનગર થી વિજાપુર રોડ ઉપર આવેલ ગામડાઓમાંથી રોજે રોજ વાહન લઈને અવર જવર કરતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વાહનચાલકોના કમરના મણકાને અસર થાય તેટલા મોટા ખાડા પડ્યા છે.છતાં વિસનગર નગરપાલિકા આ વિસ્તારના રોડના ખાડા પૂરવાની કોઈ કાર્યવાહી કરતી નથી. પાલિકાના સત્તાધીશો સત્તાના નશામાં લોકોને પડતી હેરાનગતિનો તમાશો જોઈ રહ્યા છે. અગાઉ વિસનગર શહેરના હાઈવે ઉપરથી મુખ્યમંત્રીનું આગમન થતા લોકો ખાડાના ત્રાસમાંથી મુક્ત થયા હતા.પરંતુ હજુ પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મસમોટા ખાડાની સમસ્યા છે.આજે વિસનગર શહેર અને ગ્રામ્યના વાહનચાલકો દીપરા દરવાજા રોડથી રામદેવપીર મંદિર સુધીના રોડના કમરતોડ ખાડા પુરવાની માગણી કરી રહ્યા છે.જો નગરપાલિકા આ વિસ્તારના રોડના ખાડા પૂરવાની કામગીરી નહીં કરે તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના મતદારો ભાજપને જડબાતોડ જવાબ આપે તો કઈ નવાઈ નહીં.