પાલતુ હોય કે રખડતુ કૂતરુ માનવ જીવનનુ વફાદાર પ્રાણી
સુપ્રીમ કોર્ટ ખઈ ખપીને શ્વાન પાછળ પડી ગઈ છે
તંત્રી સ્થાનેથી…
૧૯૮૫ માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘તેરી મહેરબાનીયા’ અર્ધ સદી વટાવી ગયેલા મોટાભાગના લોકોએ જોઈ હશે. આ ફિલ્મમાં માલિક અને કૂતરાની વફાદારીની સ્ટોરી સાથે વણાયેલી હોવાથી હીટ થઈ હતી. ફિલ્મના કલાકાર જેકી શ્રોફને વિલનોએ મોતને ઘાટ ઉતારતા મોતીનો કિરદાર કરનાર કૂતરાએ બદલો લીધો હતો. કલાકાર કે હિરોઈન અને કૂતરા વચ્ચેનો પ્રેમ, વિશ્વાસ તથા વફાદારીને વર્ણવતી અનેક ફિલ્મો બની છે. પણ આતો લેખક દ્વારા લખવામાં આવેલી કાલ્પનિક સ્ટોરીની વાત છે. પરંતુ આ પ્રાણી માનવીના વિશ્વાસનો સાથી બને છે ત્યારે અચરજ પમાડે તેવા બનાવો જોવા અને સાંભળવા મળે છે. જમ્મુ કાશ્મિરના રાજૌરીમાં સપ્ટેમ્બર-૨૦૨૩ મા લેબ્રાડોર કૂતરાએ આતંકવાદી હુમલા દરમ્યાન પોતાના હેન્ડલરને બચાવવા જીવ આપી દીધો હતો. જુલાઈ-૨૦૨૨ માં બારામુલ્લામાં ગુનેગારોની શોધ કરી કૂતરાએ સૈનિકોને સલામત સ્થળે પહોચાડ્યા હતા. ઓક્ટોબર-૨૦૨૨ માં કૂતરાએ આતંકવાદી હુમલામાંથી સૈનિકોને બચાવ્યા હતા અને ઘાયલ થતા તેનુ મૃત્યુ થયુ હતુ. ૨૦૨૫ ના ઓગષ્ટમાં ઉત્તરાખંડમાં ભુકંપ અને ભૂસ્ખલનના બનાવમાં સુપર ટ્રેઈન્ડ છ કૂતરાઓએ ફસાયેલા અનેક લોકોને શોધીને જીવ બચાવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં ૩૦ જૂન ૨૦૨૫ માં શેરી ડોગ(રખડતુ કૂતરુ)એ ભૂસ્ખલન પહેલા ભસીને લોકોને ચેતવણી આપતા ૬૩ લોકોના જીવ બચ્યા હતા. દેશના નારકોટીક્સ વિભાગમાં સેવા આપતા ટ્રેઈન થયેલા કૂતરાઓએ દરીયા કિનારે, સરહદો ઉપર, એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનમાં ડ્રગ્સની હેરાફેરી પકડી છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં કૂતરાનુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ. તેણે ૧૭૫ ઉપરાંત્ત બોમ્બ અને ૬૦૦ ઉપરાંત્ત ડિટોનેટર્સ શોધીને પોલીસને મદદ કરી હતી. ટ્રેઈન કરવામાં આવેલ કૂતરાઓએ બોમ્બ ડિટેક્શન, ડ્રગ્સ ડિટેક્શન, ગુનેગારોને ટ્રેક કરવા જેવી કામગીરીમાં અદ્ભૂત યોગદાન આપ્યુ છે. કૂતરાની મદદથી હત્યા કે ચોરીના ભેદ ઉકેલવાના અનેક બનાવ જોયા છે. કારગીલ યુધ્ધ દરમ્યાન વિદુર નામના લેબ્રાડોર કૂતરાએ ખતરનાક માઈન્સ શોધીને સૈનિકોનો જીવ બચાવ્યો હતો. પોલીસ અને સૈન્ય વિભાગમાં ફરજ દરમ્યાન જીવ ગુમાવનાર કેટલાક કૂતરાને મરણોત્તર એવોર્ડ પણ મળ્યા છે. જાપાનના ટોક્યો શહેરમાં હિડેસાબુરો નામના પ્રોફેસર પાસે હચિકો નામનો પાલતુ કૂતરો હતો. પ્રોફેસર શિબુયા રેલ્વે સ્ટેશનથી ટ્રેન પકડીને યુનિવર્સિટી જતા ત્યારે આ કૂતરો સ્ટેશન સુધી મુકવા જતો. સાંજે પ્રોફેસર પરત ફરે ત્યાં સુધી કૂતરો તેમની રાહ જોઈને બેઠો હોય. એક દિવસ નોકરી ગયેલા પ્રોફેસરનુ કોઈ કારણસર મૃત્યુ થયુ. માલિક પ્રત્યેની લાગણી ધરાવતા કૂતરાને તેનો ખ્યાલ ક્યાંથી આવે. પ્રોફેસરના આવવાના ટાઈમે રોજ સાંજે રેલ્વે સ્ટેશન આવીને બેસી જતો. નવ વર્ષ સુધી આ સિલસિલો ચાલ્યો અને આખરે કૂતરાનુ પણ મૃત્યુ થયુ. રેલ્વે સ્ટેશન નિયમિત અવર જવર કરતા લોકોને કૂતરાની આ વફાદારી સ્પર્શતી ગઈ અને રેલ્વે સ્ટેશન બહાર હચિકો નામના આ કૂતરાની કાસ્ય પ્રતિમા સ્થાપિત કરવમાં આવી. ૧૯૨૦ થી ૩૫ વચ્ચેની આ ઘટના છે. ત્યારે આજે પણ વિશ્વભરના શ્વાનપ્રેમીઓ હચિકોને ભાવપૂર્વક યાદ કરે છે. કૂતરુ એ માનવજાત માટે વફાદાર પ્રાણી છે. અત્યારે રખડતા કૂતરાનો ભય અથવા ઉપદ્રવ રૂપે જોવામાં આવે છે. રસ્તાઓમાં ભસતા, ગલીઓમાં ઝુંડમાં ફરતા કૂતરાઓને અવગણવામાં આવે છે. પરંતુ આ એજ પ્રાણી છે તે ક્યારેક માનવીના જીવન માટે રક્ષક બનીને ઉભુ રહે છે. ક્યારેક ઘરના પાલતુ પ્રાણી તરીકે, ઘરમાં એકલા રહેતા વૃધ્ધોના રક્ષક અને પરિવાર માટે નિષ્ઠાવાન સાથી બની જાય છે. કૂતરુ એ માત્ર રખડતુ પ્રાણી નથી પરંતુ માનવ જાત માટે રક્ષક અને મિત્ર છે. વર્ષો જૂના ગ્રંથોમાં મનવી અને કૂતરા વચ્ચેના અતૂટ વિશ્વાસની કથાઓનુ વર્ણન છે. કૂતરાની વફાદારી અને પ્રમાણિકતાને અત્યારે એટલા માટે યાદ કરવી પડી છેકે સુપ્રીમ કોર્ટ ખઈ ખપીને તેની પાછળ પડી ગઈ છે. સુપ્રીમ કોર્ટ પ્રથમ રહેણાંક વિસ્તારોમાંથી તમામ રખડતા કૂતરાઓને પકડીને આશ્રય ગૃહોમાં મોકલવાનો આદેશ આપ્યો. જેનો દેશભરમાં શ્વાન પ્રેમીઓએ શેરીઓથી માંડીને સોશિયલ મીડિયા સુધી વિરોધ કરતા સુપ્રીમ કોર્ટે પોતાના આદેશને ઉલટાવી દીધો. કોર્ટે નિર્ણયમાં ફેરફર કરીને આદેશ આપ્યો કે આક્રમક અથવા હડકવા ઉપડ્યો હોય એવા કૂતરાઓ સીવાયના તમામ કૂતરાઓને નસબંધી કરવામાં આવે અને પછી જ્યાંથી પકડ્યા હોય ત્યાં પાછા છોડી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરા માટેના આદેશોની પ્રક્રિયામાં શ્વાન સમસ્યાને લઈને દેશનો સમાજ બે ભાગમાં વહેચાઈ ગયો છે. કૂતરુ હજ્જારો વર્ષથી માનવ સમાજ સાથે રહેતુ પ્રાણી છે. જેથી કરડવાના અને હડકવાના બનાવો વર્ષોથી બનતા હશે. પરંતુ અત્યારે અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા હોવાથી રખડતા કૂતરા પાછળ પડીને કરડતા હોવાના બનાવો કેમેરામાં કેદ થતા અને આવા બનાવો સોશિયલ મીડિયામાં ફરતા થતા અત્યારે શેરી ડોગ પ્રત્યે એક નફરતનુ વાતાવરણ ઉભુ થઈ રહ્યુ છે. દેશમાં રખડતા કૂતરાની જેમ રખડતી ગાયો અને આખલાઓનો પણ એટલોજ ત્રાસ છે. ગાયો અને આખલાના હુમલાથી ગંભીર ઈજા અને મૃત્યુના વર્ષે અનેક બનાવો બને છે. જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થાય છે. ત્યારે સુપ્રીમ કોર્ટ રખડતી ગાયો માટે કંઈ બોલતી નથી. ગાયને ભારતીય સંસ્કૃતિમાં પૂજનીય માનવામાં આવે છે. જેથી તેને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવા લાંબા સમયથી માગ થઈ રહી છે. રખડતી ગાયોના કારણે પણ લોકોના જીવ જોખમાય છે. ત્યારે રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવાની માગ હોવાથી સુપ્રીમ કોર્ટ રખડતા કૂતરાને પકડવા જેવા કડક આદેશ કરી શકતી નથી. ઝારખંડમાં હાથી એ તરખાટ મચાવતા નવ દિવસમાં ૧૯ ને મોતને ઘાટ ઉતાર્યા છતા સુપ્રીમ કોર્ટ ચુપ છે. શેરી, મહોલ્લા કે સોસાયટીમાં જઈને જુવો તો ખબર પડે કે કૂતરી વિવાય ત્યારે કૂતરી અને તેના ગલૂડીયાઓની કેટલી માવજત થતી હોય છે. પોશ વિસ્તારના સમાજથી અલગ રહેતા લોકોને માનવી અને કૂતરા વચ્ચેના જીવદયા પ્રેમનો ક્યાંથી ખ્યાલ હોય. દેશમાં રખડતા કૂતરાની સમસ્યા છે ત્યારે રસીકરણ અને ખસીકરણની પોલીસીનો અમલ નહી કરતા સુપ્રીમ કોર્ટને મેદાનમાં ઉતરવુ પડે છે અને હાલ કૂતરું જાણે સમાજનું દુશ્મન હોય તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે.