વિસનગર પાલિકાની વધેલી હદમાં સમગ્ર શહેરને આવરી લેતો ડ્રોન સર્વેથી નવીન વિકાસ નકશો બનાવવાની તજવીજ કરાઈ
નવીન ટેકનોલોજીના આધારે વિસનગર પાલિકાની વધેલી હદ સાથેનો ડેવલપમેન્ટ પ્લાન તૈયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડ્રોનના ઉપયોગથી ઉંચાઈથી વિવિધ વિસ્તારોનુ નિદર્શન કરીને વિવિધ ઝોન બનાવવાનો નિર્ણય કરવામાં આવશે. પાલિકાની જુની હદ અને સમાવેશ કરવામાંં આવેલ હદનો અભ્યાસ કરીને નવીન વિકાસ નકશો બનાવવામાં આવશે. ઘણા વર્ષ બાદ શહેરનો વિકાસ નકશો બની રહ્યો છે. ત્યારે ભવિષ્યમાં વસ્તી વધારો તથા વિકાસને લક્ષમાં રાખી ડેવલપમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
નવીન ડી.પી બનશે ત્યારબાદ ભવિષ્યમાં ટાઉન પ્લાનીંગ સ્કીમોની રચના કરવામાં આવશે-ચીફ ઓફીસર
નગરપાલિકા વિસનગરમાં નવી હદ વધારવા ૩૧ મે ૨૦૨૫ ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ થતાં નગરપાલિકા દ્વારા વધેલી હદનું વિસ્તાર વિકાસ સત્તા મંડળ જાહેર કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ભલામણ આધારે વધેલી હદને વિસ્તાર વિકાસ સત્તા મંડળ તરીકે જાહેર કરવામાં આવી હતી. જેમાં ઉત્તરાયણ બાદ તાજેતરમાં એલ એન્ડ ટી ની ટીમ દ્વારા એરિયલ ડ્રોન સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાંચ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારબાદ વિકાસ નકશાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેવુ ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ જણાવ્યું છે. નવિન હદના સર્વે નંબરોમાં બાંધકામ પરવાનગી મેળવવા અરજદારોને હાલાકી પડતી હતી. જેનું પણ સરકાર દ્વારા માર્ગદર્શક પરીપત્ર કરીને નિવારણ લાવવામાં આવેલ છે. જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગર શહેરમાં વિનામૂલ્યે વિકાસ નકશો બનાવવા સરકારમાં રજૂઆત કરતાં વિસનગર શહેરમાં અમૃત ૨.૦ માં સમાવેશ કરવમાં આવેલ હતો. આ યોજનામાં સમાવિષ્ટ શહેરોને સરકાર દ્વારા વિનામૂલ્યે નકશો બનાવી આપવામાં આવેલ આથી સરકાર દ્વારા વિસનગર શહેરનો નવિન વિકાસ નકશો તૈયાર કરવા ગુજરાત ટાઉન પ્લાનીંગ કન્સલ્ટન્સી લિમિટેડને કામગીરી સોંપવામાં આવેલ જે અન્વયે એલ એન્ડ ટી ની ટીમ દ્વારા એરિયલ ડ્રોન સર્વે ઉત્તરાયણ પછી શરૂ કરવામાં આવ્યો હતો. જેની સર્વેની કામગીરી પાંચ દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે. ત્યારબાદ વિકાસ નકશાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સરકારના અમૃત ૨.૦ અંતર્ગત ગુજરાતની ૫૫ પાલિકાની ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે માટેના સર્વેમાં પાલિકાએ કોઈ ખર્ચ કરવાનો આવતો નથી. એજન્સી મેળવેલા ડેટા આધારે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરીને સરકારને સુપરત કરશે અને સરકાર પ્રાથમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરીને પાલિકાને આપશે. ત્યારબાદ પાલિકા દ્વારા વાધા સૂચનો મંગાવવામાં આવશે. ચીફ ઓફીસર પાર્થ ત્રિવેદીના માર્ગદર્શનમાં પાલિકાના જુનિયર ટાઉન પ્લાનર સ્વાતીબેન મોદી, ટાઉન પ્લાનીંગના મયુરભાઈ મોચી, ટી.પી.ચેરમેન મેહુલભાઈ પટેલ તથા ટીપીના સભ્યો દ્વારા હદ વધારા સાથેના શહેરના વિકાસ નકશાની તકેદારી રાખવામાં આવી રહી છે.