વિસનગરમાં જુના કપડામાંથી વિનામુલ્યે થેલીઓ બનાવી આપશે
નગરપાલિકાના સહયોગથી સખી મંડળના બહેનો
સ્વચ્છ ભારત મિશન અર્બન અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત પ્લાસ્ટિકની થેલીઓથી થતા પ્રદુષણને અટકાવવા માટે વિસનગર નગર પાલિકા દ્વારા તા.૩ જુન થી ૩૧ ઓક્ટોબર-૨૦૨૫ સુધી “MY THELI” અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં સ્વ.સહાય જુથની સખી મંડળની બહેનો સવારે ૧૦ થી ૨ અને ૩ થી ૬ વાગ્યા સુધી દર ગુરુવાર અને શુક્રવારના રોજ જુના કપડામાંથી વિનામુલ્યે સ્થળ ઉપર થેલી બનાવી આપશે. ત્યારે સરકારના વેસ્ટમાથી બેસ્ટ વસ્તુ બનાવવાના આ અભિયાનનો લાભ લેવા પાલિકાના ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી દ્વારા નાગરિકોને જાહેર અપીલ કરવામાં આવી છે.
સરકારે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. સરકારની વિવિધ યોજનાના માધ્યમથી આજે મહિલાઓ ઘરકામ સાથે આર્થિકરીતે પરિવારને મદદરૂપ બની રહી છે. જેમાં સખી મંડળની કેટલીક મહિલાઓ જુની સાડીઓ માંથી અવનવી ચણિયાચોળી, લેંગા, પગલુછણીયા સહિત અન્ય ‘વેસ્ટ માથી બેસ્ટ’ વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બની છે. જેમાં સ્વચ્છ ભારત મિશન અર્બન અને રાષ્ટ્રીય શહેર આજીવિકા મિશન અંતર્ગત વિસનગર નગરપાલિકા દ્વારા તા.૩-૬ થી ૩૧-૧૦-૨૦૨૫ સુધી “MY THELI” અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. આ અભિયાનમાં સખી મંડળની બહેનો સવારે ૧૦ થી ૨ અને ૩ થી ૬ વાગ્યા સુધી દર ગુરૂવાર તથા શુક્રવારના રોજ શહેરના ફત્તેહ દરવાજા પાસે આવેલ નગરપાલિકા હોલ, જુની નગરપાલિકા તથા કાંસા એન.એ. ગ્રામ પંચાયતમાં જુના કપડામાંથી વિનામુલ્યે સ્થળ ઉપર કપડાની થેલીઓ બનાવી આપશે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આ અભિયાનમાં સરકાર સખી મંડળની બહેનોને રોજના રૂા.૪૪૯ મહેનતાણા પેટે રોજગારી આપે છે. ત્યારે વેસ્ટમાથી બેસ્ટ બનાવવાના આ અભિયાનનો લાભ લેવા માટે પાલિકાના ઉત્સાહી ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી દ્વારા નાગરિકોને જાહેર અપીલ કરવામાં આવી છે.