Select Page

મામલતદાર ઈ-ધરા અને તલાટીઓની નિષ્કાળજીથી ૭/૧૨ માં પાણી પત્રકની વિગતોના અભાવે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

મામલતદાર ઈ-ધરા અને તલાટીઓની નિષ્કાળજીથી ૭/૧૨ માં પાણી પત્રકની વિગતોના અભાવે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

મામલતદાર ઈ-ધરા અને તલાટીઓની નિષ્કાળજીથી
૭/૧૨ માં પાણી પત્રકની વિગતોના અભાવે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
રવિ અને ખરીફ એમ બે સીઝનની પાણી પત્રકની વિગતો નમૂના ૭ અને નમૂના ૧૨ મા ઓનલાઈન ચઢાવવાની થાય છે. ત્યારે મામલતદાર ઈ-ધરા અને તલાટીઓની નિષ્કાળજીથી પાણી પત્રકની વિગતો આપવામાં નહી આવતા વિસનગર, વડનગર, ખેરાલુ સહીતના તાલુકા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. પાણી પત્રકની વિગતો આપવાનુ મહેસુલના કાયદામાં ઠરેલુ છે. ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓ મહેસુલના કાયદાને ઘોળીને પી ગયા છે.
ભારત કૃષિ પ્રધાન દેશ છે. ત્યારે સરકારી તંત્રની ખેડૂતો પ્રત્યેની સતત ઉપેક્ષાના કારણે ખેડૂતો કુદરતનો માર તો સહન કરી રહ્યા છે સાથે સાથે તંત્રની નિષ્ક્રીયતાનો માર પણ સહન કરી રહ્યા છે. જે તે તાલુકામાં તલાટીઓને દર વર્ષે પાણી પત્રકની વિગતો ઓનલાઈન કરવાની થાય છે. જેની જવાબદારી તલાટીઓને આપવામાં આવી છે. વર્ષના બે વખત રવિ અને ખરીફ પાકની વિગતો પાણી પત્રકમાં આપવાની થાય છે. તલાટીઓએ ઈ-ધરામાંથી પાણી પત્રકની સીટ લઈ ગામમાં દરેક સર્વેનંબરના ખેતરોમાં ફરી કયા સર્વેનંબરમાં કેટલા વિઘામાં કયા પાકનુ વાવેતર કરવામાં આવ્યુ તેની વિગતો પત્રકમાં ભરી તલાટીઓના અંગુઠાથી આ વિગતો ઓનલાઈન ચઢાવવાની થાય છે. કેટલીક વખત તલાટીઓ પાસે કામનુ ભારણ હોય તો ગ્રામ પંચાયતની ઓફીસમાં ખેડૂતોની મીટીંગ બોલાવી પાણી પત્રક માટેની વિગતો લેવામાં આવે છે. આવી રીતે પાણી પત્રકની વિગતો એકઠી કરી ઓનલાઈન ચઢાવવાનુ મહેસુલના કાયદામાં ઠરેલુ છે. પરંંતુ અન્ય કામગીરી કરવામાં તલાટીઓ આ મહત્વની પાણીપત્રકની કામગીરી કરતા નથી. મામલતદારનું સુપર વિઝન હોવા છતાં કામ કરતા નથી અને થતાં નથી.
અત્યારે કમોસમી વરસાદ અને બદલાતી ઋતુઓના કારણે પાક નિષ્ફળ જતા હોય છે. ખેડૂતોએ પાક ધિરાણ લીધુ હોય અને પાક નિષ્ફળ થાય ત્યારે પાક વિમાનો લાભ લેવા પાણી પત્રક રજુ કરવુ ફરજીયાત છે. ઈન્કમટેક્ષમાં રાહત લેવા માટે પણ પાણી પત્રકની વિગતો આપવી જરૂરી બને છે. ત્યારે પાણી પત્રકની કામગીરી થતી નહી હોવાથી આવા સંજોગોમાં તલાટીઓ પાસે દાખલા લેવા ધક્કા ખાવા પડે છે. ભ્રષ્ટાચારને પણ પોષણ મળે છે. તલાટીઓ પાણી પત્રકની વિગતો સમયસર ભરતા હોય તો ખેડૂતો ઓનલાઈન ઉતારા કાઢી પાણી પત્રક મેળવી શકે છે. હાલમાં મોટાભાગના તાલુકાઓમાં ઉતારા કાઢોનો પાણી પત્રકની વિગત નીલ આવે છે.
પાણી પત્રકની કામગીરી ન કરી હોય તે તલાટીને નોટીસ આપી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની મહેસુલ કાયદામાં જોગવાઈ છે. પરંતુ મહેસુલમાં અધિકારીઓ અને કર્મચારીઓ મોટે ભાગે ઢાંક પીછોડ કરતા હોવાથી ખેડૂતોનો જે મૂળભૂત હક્ક છે તે પાણી પત્રકની કામગીરી થતી નથી. કલેક્ટર સમક્ષની દર માસની મીટીંગમાં કલેક્ટર પોતે પાણી પત્રકની માહિતી અંગે પુછપરછ કરે છે ત્યારે મીટીંગમાં હાજર મામલતદાર ઉઠા ભણાવતા હોવાનુ જાણવા મળ્યુ છે. ખેડૂતનો પાક તૈયાર થઈ જાય અને વેચવાના સમયે બજારમાં ભાવ ન મળતો હોય ત્યારે ટેકાના ભાવે માલ ખરીદવા માટે પણ પાણી પત્રકની જરૂરીયાત ઉભી થતી હોય છે. આમ પાણી પત્રક એ ખેડૂતોની ખેતી માટેની ઓળખ પુરાવો છે. ત્યારે મામલતદાર, ઈ-ધરા નાયબ મામલતદાર તથા તલાટીઓની મીલીભગતથી પાણી પત્રકની કામગીરી નહી થતાં અત્યારે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us