Select Page

આશાબેન પ્રજાપતિ ત્રીજા બાળકના મુદ્દે સભ્યપદેથી સસ્પેન્ડ

આશાબેન પ્રજાપતિ ત્રીજા બાળકના મુદ્દે સભ્યપદેથી સસ્પેન્ડ

સભ્યપદ બચાવવા બાળક દત્તક આપ્યાનો કીમિયો નિષ્ફળ

આશાબેન પ્રજાપતિ ત્રીજા બાળકના મુદ્દે સભ્યપદેથી સસ્પેન્ડ

સભ્યપદ બચાવવા કમીટમેન્ટ લઈ ધારાસભ્યની નિશ્રામાં જોડાયા પણ કાયદાએ કાયદાનુ કામ કર્યુ-પરેશભાઈ પટેલ
સભ્યપદ રદ થતાંજ બાગ સમિતિનુ ચેરમેન પદ અને અન્ય ત્રણ સમિતિઓનુ સભ્યપદ આપોઆપ રદ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના બાગ સમિતિના ચેરમેન આશાબેન પ્રજાપતિએ ત્રીજા બાળકનો જન્મ આપતાજ નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા પાલિકા સભ્ય પરેશભાઈ પટેલ દ્વારા અરજી કરવામાં આવી હતી. સભ્યપદેથી સસ્પેન્ડ થતાં બચવા આ મહિલા સભ્યએ તેમની એક દિકરી દત્તક વિધાન લેખથી તેમની બહેનને દત્તક આપી હતી. પરંતુ મહિલા સભ્ય કુખે જન્મેલા ત્રણેય સંતાનોના જીનેટીક મધર હોવાનુ જણાવી કલેક્ટર એચ.કે.પટેલે મહિલા સભ્યને સભ્યપદેથી રદ કરવા હુકમ કર્યો હતો. કલેક્ટરના આ હુકમથી ધારાસભ્ય વિરોધી જુથમાં વિજયની લાગણી જોવા મળી રહી છે.
વિસનગર પાલિકામાં ભાજપનો જુથવાદ એટલી હદે વકર્યો છેકે એક જુથ બીજા જુથને પાડવા કોઈ તક છોડવા માગતુ નથી. જોકે પાલિકામાં વિકાસમંચ અને કોંગ્રેસનુ ગઠબંધન હતુ તે સમયથીજ જુથવાદ વકર્યો છે. વિસનગર પાલિકામાં વોર્ડ નં.૬ ના વિકાસમંચના સભ્ય અને બાગ સમિતિના ચેરમેન આશાબેન જયેશભાઈ પ્રજાપતિએ જ્યારે પાલિકાની ચુંટણીમાં ઉમેદવારી નોધાવી તે વખતે ઉમેદવારી ફોર્મમાં રજુ કરેલ સોગંદનામામાં કાવ્યા અને પ્રીશા એમ બે દિકરીઓ હોવાનુ જાહેર કર્યુ હતુ. જેમના સભ્યપદ દરમ્યાન ત્રીજા બાળકને જન્મ આપ્યો હતો. મહિલા સભ્ય આશાબેન પ્રજાપતિએ ત્રીજા બાળકને જન્મ આપતા પાલિકા સભ્ય પરેશભાઈ એસ.પટેલે મહિલા સભ્યને સભ્યપદેથી સસ્પેન્ડ કરવા જીલ્લા કલેક્ટર તથા પાલિકા ચીફ ઓફીસરને અરજી આપી હતી. જે અરજી સંદર્ભે કલેક્ટરે વિસનગર પ્રાન્ત ઓફીસરને અને પ્રાન્ત ઓફીસરે પાલિકા ચીફ ઓફીસરને તપાસ કરી અહેવાલ મોકલી આપવા જણાવ્યુ હતુ.
જે બાબતેની તપાસ અને અહેવાલ બાદ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ના સુધારેલા અધિનિયમ ૨૦૦૫ મુજબ તા.૨૩-૩-૨૦૦૫ થી દાખલ કરાયેલ કલમ ૧૧(૧)(ઝ) મુજબ એક વર્ષની મુદત પછીની નિર્દિષ્ટ તારીખ બાદથી અમલી કરાયેલ જોગવાઈ મુજબ તેવી નિર્દિષ્ટ તારીખ પછી બે થી વધુ સંતાનો ધરાવતા સભ્ય કલમ -૩૮(૧)માં થયેલ જોગવાઈ મુજબ નગરપાલિકાના સભ્ય તરીકે રહેવા ગેરલાયક ઠરતા હોઈ તેઓને વિસનગર નગરપાલિકાના વોર્ડ નં.૬ ના સભ્યપદેથી કેમ દુર ન કરવા? તે અંગે રજુઆત કરવા નોટીસ ઈશ્યુ કરી હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કલેક્ટર સમક્ષ સુનાવણી દરમ્યાન મહિલા સભ્યના વકીલ હાજર રહી લેખીત જવાબ રજુ કરી જણાવેલ કે, મહિલા સભ્ય વર્ષ ૨૦૧૫ ની ચુંટણી દરમિયાન બે સંતાનોના માતા હતા. બન્ને સંતાન દિકરીઓ હોઈ તેમની બહેનને કોઈ સંતાન ન હોઈ મોટી દિકરી કાવ્યાને દત્તક લેવાની માગણી કરતા તા.૨૯-૧૨-૨૦૧૭ ના રોજ દત્તક વિધાન લેખથી મોટી દિકરીને દત્તક આપી છે. દિકરીના કાયદેસરના માતા પિતા દત્તક લેનાર માતા પિતા થતા હોઈ અમારી દિકરી કાયદાનુસાર મટી જાય છે. દિકરી દત્તક આપ્યા બાદ દોઢેક વર્ષ એક દિકરાનો જન્મ થયો છે. જેથી હાલમાં બે જ સંતાનો છે. જે અરજી કરવામાં આવી છે તે રાજકીય હરિફ જુથની અદાવતમાં કરેલ છે. જેથી આ અરજી ફાઈલે કરવી. જે જવાબમાં કલેક્ટરે ચુકાદામાં ટાંક્યુ હતું કે, સામાવાળા(મહિલા સભ્ય) તેઓની કુખે જન્મેલ ત્રણેય સંતાનોના જીનેટીક મધર હોવાનુ નકારી શકાય નહી.
પ્રાન્ત અધિકારીના અહેવાલમાં મહિલા સભ્યએ તા.૨૨-૬-૧૯ ના રોજ જીવનયોગ નર્સીંગ હોમમાં ત્રીજા બાળકનો જન્મ આપ્યો હતો અને જન્મનુ સર્ટીફીકેટ નગરપાલિકા વિસનગરનુ નોધણી નં.૧૭૮૭ તા.૨૬-૬-૨૦૧૯ નુ રજુ કર્યુ હતુ. જે ઓન રેકર્ડ પુરવાર થયુ હતુ. સુનાવણી દરમ્યાન પુરાવાઓ અને દલીલો બાદ ત્રીજા બાળકના જન્મના કારણે નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓનો ભંગ થતો હોઈ કલેક્ટર એચ.કે.પટેલે આશાબેન પ્રજાપતિનુ સભ્યપદેથી સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે મહિલા સભ્ય ૧૫ દિવસમાં કમિશ્નરશ્રી, મ્યુનિસિપાલ્ટી, એડમિનિસ્ટ્રેશન કર્મયોગી ભવન ગાંધીનગરને અપીલ કરી શકશે.
ત્રીજા બાળકના મુદ્દે આશાબેન પ્રજાપતિ સભ્યપદેથી સસ્પેન્ડ થતા તેઓ બાગ સમિતિનુ ચેરમેન પદે તથા વોટરવર્કસ, ટાઉન પ્લાનીંગ અને ભૂગર્ભ ગટર યોજનાના સભ્યપદ આપોઆપ ગુમાવ્યુ છે.

કાયદા આગળ કોઈનુ ચાલતુ નથી-પરેશભાઈ પટેલ

પાલિકા સભ્ય આશાબેન પ્રજાપતિ ત્રીજા બાળકના મુદ્દે સભ્યપદેથી સસ્પેન્ડ થતાં તેમના વિરુધ્ધ અરજી કરનાર પાલિકા સભ્ય પરેશભાઈ પટેલે જણાવ્યુ છેકે, ગોવિંદભાઈ પટેલ પ્રમુખ પદ બચાવવા અને ત્રીજા બાળકને જન્મ આપ્યા બાદ આશાબેન પ્રજાપતિ સભ્યપદ બચાવવા ધારાસભ્યની નિશ્રામાં ભાજપમાં જોડાયા હતા. જેમનુ સભ્ય પદ રદ નહી થાય તેવુ ધારાસભ્ય ઋષિભાઈ પાસેથી કમીટમેન્ટ મેળવ્યુ હોવાનું જાણવા મળ્યુ હતુ. પરંતુ કોઈ બચાવી શક્યુ નહી. કાયદાએ કાયદાનુ કામ કર્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us