રીઓડીટની માગણી કરનાર અરજદારોને સંસ્થા સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવી હુકમ રદ કરવાના વિવાદમાં વિસનગર તાલુકા સંઘની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી
રીઓડીટની માગણી કરનાર અરજદારોને સંસ્થા સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવી હુકમ રદ કરવાના વિવાદમાં
વિસનગર તાલુકા સંઘની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘના રીઓડીટનો વિવાદ ગત જાન્યુઆરી માસથી ચાલી રહ્યો છે. કોરોના વાયરસની મહામારીના કારણે લોકમાનસમાંથી વિવાદ ભુસાઈ ગયો હતો. પરંતુ સંસ્થાના હોદ્દેદારો અને અરજદારો વચ્ચે હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટ સુધી ધમાસણ યુધ્ધ ચાલ્યુ હતુ. જેમાં સુપ્રીમ કોર્ટે તાલુકા સંઘની અપીલ ફગાવતા સંઘનુ રીઓડીટ નિશ્ચીત થઈ ગયુ છે. તાલુકા સંઘના પ્રમુખે રીઓડીટ માટે તૈયારી બતાવી હતી. ત્યારે રીઓડીટ ન થાય તે માટે આટલો સંઘર્ષ કેમ કર્યો તે બાબતે અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે.
તાલુકા સંઘના પ્રમુખે રીઓડીટ કરાવવા તૈયારી બતાવી હતી ત્યારે રીઓડીટ ન થાય તે માટે આટલો સંઘર્ષ કેમ?
વિસનગર સહકારી નગરી તરીકે ઓળખાય છે. પરંતુ આ સહકારી નગરીની કમનસીબી અને પરંપરા રહી છેકે જે પણ સહકારી સંસ્થાનો વડો બને છે તે પોતાનો જમાવડો કરવા મળતીયાઓને આસપાસ ગોઠવી દે છે અને પોતીકી પેઢી જેવો વહીવટ શરૂ કરી દે છે. ત્યારબાદ લાંબા સમય સત્તા ટકાવી રાખવા મળતીયાઓને લાભ અપાવવામાં, લાભ લેવામાં ગેરરીતી કર્યા વગર રહી શકતા નથી. તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કે.કે.ચૌધરીએ સંસ્થામાં લાંબો સમય ટકી રહેવા માટે આવીજ રીત રસમો અપનાવી હોવાની શંકાઓ પ્રબળ બની છે. વિસનગર તાલુકા સંઘ સાથે સંકળાયેલી ૮ મંડળીના ૮ સભાસદોએ સંઘમાં ગેરવહીવટ થયાના ૧૩ મુદ્દાઓ સાથે સંયુક્ત રજીસ્ટ્રાર અને ખાસ અન્વેષકશ્રી સહકારી મંડળીઓ(વિભાગીય) અમદાવાદ સમક્ષ તા.૨૩-૧-૨૦૨૦ ના રોજ અરજી કરી તા.૧-૪-૨૦૧૫ થી ૩૧-૩-૨૦૧૯ ચાર વર્ષના રીઓડીટની માગણી કરી હતી. જે અરજી અન્વયે સંયુક્ત રજીસ્ટ્રારે શરતોને આધીન તા.૩૧-૩-૨૦૨૦ સુધીમાં રીઓડીટ કરી અહેવાલ મોકલી આપવા હુકમ કર્યો હતો.
રીઓડીટનો હુકમ કરતાજ તાલુકા સંઘના પ્રમુખ સહીતના હોદ્દેદારો દોડતા થઈ ગયા હતા. તે વખતે સંઘના પ્રમુખ કે.કે.ચૌધરીએ જણાવ્યુ હતું કે, અમે રીઓડીટ માટે તૈયાર છીએ અને બીજી બાજુ રીઓડીટનો હુકમ રોકવા એડી ચોટીનુ જોર લગાવ્યુ હતુ. સંયુક્ત રજીસ્ટ્રારના હુકમ સામે તાલુકા સંઘના પ્રમુખે નાયબ સચીવ(અપીલ) સહકાર વિભાગ ગાંધીનગર સમક્ષ રીવીઝન અરજી કરી અરજદારોને સંસ્થા સાથે કોઈ લેવાદેવા ન હોઈ તેવો વાધો લઈ અરજી રદ કરવા અપીલ કરી હતી. આ સીવાય સંયુક્ત રજીસ્ટ્રાર દ્વારા ચાર વર્ષના રીઓડીટ માટે જે હુકમ કરાયો હતો તેની સામે સ્ટે લાવવા માટે પણ નાયબ સચીવ(અપીલ) સમક્ષ કેસ દાખલ કરાયો હતો. જે કેસમાં નાયબ સચીવ(અપીલ)એ તા.૨-૩-૨૦૨૦ ના રોજની મુદત આપી હતી. જે મુદત આપી હોવા છતાં અધીરા બની સંઘના પ્રમુખે નાયબ સચીવ(અપીલ)એ આપેલી મુદત સામે હાઈકોર્ટમાં દાદ માગી હતી. જેમાં તા.૨૦-૨ ના રોજ જસ્ટીસ એ.વાય.કોઝેએ દાદ માગનાર તાલુકા સંઘના પ્રમુખને તા.૨-૩-૨૦૨૦ ની જગ્યાએ ૨૭-૨-૨૦ સુધીમાં સાંભળી લેવા નાયબ સચીવ(અપીલ)ને હુકમ કર્યો હતો. અને નાયબ સચીવમાંથી ન્યાય મેળવ્યા બાદ હાઈકોર્ટમાં દાદ માગવી તેવી સુચના આપી અપીલ કાઢી નાખી હતી. હાઈકોર્ટના આદેશ પ્રમાણે નાયબ સચીવ(અપીલ)એ બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ રીઓડીટની માગણી કરનાર અરજદારોને પક્ષકાર તરીકે સમાવવા હુકમ કર્યો હતો.
નાયબ સચીવ(અપીલ)ના હુકમ સામે નારાજ થઈ સંઘના પ્રમુખે હાઈકોર્ટમાં અપીલ કરતા હાઈકોર્ટના જસ્ટીસ બીરેન વૈષ્ણવ સાહેબે નાયબ સચીવના હુકમને માન્ય રાખ્યો હતો. જે હુકમથી નારાજ થઈ હાઈકોર્ટની ડબલ બેચમાં અપીલ કરી હતી. જેમાં જસ્ટીસ આર.એમ.છાયા તથા જે.બી.પારડીયાની બેચે નાયબ સચીવનો હુકમ માન્ય ગણતો હાઈકોર્ટના હુકમને માન્ય રાખ્યો હતો. ગમે તે કારણોસર રીઓડીટની તારીખ લંબાઈ તે માટે તાલુકા સંઘ દ્વારા છેલ્લામાં છેલ્લા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટની ડબલ બેચના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા મુદત માગતા કોરોનાના કારણે ચાર વિકમાં સુપ્રીમમાં અરજી કરવા મુદત આપી હતી. કોરોના મહામારીના કારણે કામ નહી કરી શકતા બીજી મુદત માગવા પુનઃ અરજી કરી હતી. જેમાં તા.૬-૫-૨૦૨૦ સુધીમાં સુપ્રીમ કોર્ટમાં દાદ માગી લેવા મુદત આપી હતી અને મુદતમાં અપીલ કરવામાં ન આવે તો કોર્ટ અરજદારો તરફી આવેલો નિર્ણય માન્ય રાખવા જણાવ્યુ હતુ. તાલુકા સંઘના પ્રમુખે હાઈકોર્ટની ડબલ બેચના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં દાદ માગી હતી. જેમાં વિડીયો કોન્ફરન્સથી સુપ્રીમ કોર્ટમાં બન્ને પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી. જે દલીલો સાંભળી સુપ્રીમ કોર્ટે તાલુકા સંઘ દ્વારા કરવામાં આવેલ અરજી કાઢી નાખી હતી.
મહત્વની બાબત એ છેકે રીઓડીટની માગણી કરનાર અરજદારોએ ૧૩ મુદ્દામાં એવી તો કેવી વિગતો માગી છેકે, રીઓડીટ ન થાય તે માટે સુપ્રીમમાં જવુ પડ્યુ અને મોટો ખર્ચ કરવો પડ્યો. અરજદારો તરફી ચુકાદો આવ્યો છે ત્યારે કોર્ટ પાછળ કેટલો ખર્ચ કર્યો તેની આર.ટી.આઈ.આધારે માહિતી પણ માગવામાં આવશે તેવુ જાણવા મળ્યુ છે.