થલોટા રોડની પાંચ સોસાયટીઓ કોરોન્ટાઈન કરવામાં મેઈન રોડ બ્લોક કરાતા વસંતનગર-તિરૂપતી બંગ્લોઝના રહીશો ઘરમાં કેદ થયા
થલોટા રોડની પાંચ સોસાયટીઓ કોરોન્ટાઈન કરવામાં મેઈન રોડ બ્લોક કરાતા
વસંતનગર-તિરૂપતી બંગ્લોઝના રહીશો ઘરમાં કેદ થયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં થલોટા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં કોરોનાનો પોઝીટીવ કેસ આવતા તંત્રએ આ રોડની પાંચ સોસાયટીઓ કોરોન્ટાઈન કરી જાહેર રોડ બ્લોક કરી દીધો હતો. જેના કારણે આ રોડની કોરોન્ટાઈન વગરની બે સોસાયટીના રહીશોનો કાયમી અવર- જવરનો મુખ્ય રસ્તો બંધ થતા તેમને રસ્તા માટે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને રજુઆત કરી હતી. જે રજુઆત બાદ રસ્તો ખોલવામાં નિષ્ફળ જતાં ભારે હોબાળો થયો હતો.
મામલતદાર આ રસ્તા બાબતે રાજકીય ઈશારે નિર્ણય લેતા હોવાનો રહીશોનો આક્ષેપ
વિસનગરના થલોટા રોડ ઉપર આવેલ સ્વરાજ સોસાયટીમાં રહેતી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા વહીવટીતંત્ર દ્વારા આજુબાજુની પાંચ સોસાયટીઓ કોરોન્ટાઈન કરી આ રોડને રેડઝોન જાહેર કર્યો હતો અને થલોટા જવાનો રોડ બ્લોક કરી દીધો હતો. જેના કારણે કોરોન્ટાઈન સિવાયની વસંતનગર સોસાયટી અને તિરૂપતી બંગ્લોઝના આશરે ૧૨૦ મકાનોના રહીશોને બહાર નિકળવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. આ બાબતે સોસાયટીના રહીશોએ ગત ગુરૂવારે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ સમક્ષ બહાર જવાના રસ્તા માટે કોઈ ઉકેલ લાવવા રજુઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, પ્રાન્ત અધિકારી સી.સી.પટેલ, મામલતદાર બી.જી.પરમાર, ચિફ ઓફીસર અશ્વિનભાઈ પાઠક સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચી બંન્ને સોસાયટીના રસ્તાનો ઉકેલ લાવવા કાર્યવાહી કરી હતી. જેમાં રહીશોના જણાવ્યા મુજબ ધારાસભ્ય અને મામલતદારે વસંતનગરથી શાહીબાગ તરફ જવાનો વિવાદીત રસ્તો ટેમ્પરરી ખોલી રસ્તો આપવાની વાત કરતા રહીશો સંમત થયા હતા. પરંતુ બીજા દિવસે મામલતદાર, પાલિકા ટીમ સાથે આવી વસંતનગર સોસાયટીના એક મકાનનો ગેટ અને વરંડો તોડી રસ્તો કરી આપવા જણાવ્યુ હતું. આ વરંડાથી રોડ આશરે પાંચ ફુટ નીચો હોવાથી વાહનોની અવર-જવરમાં ભારે મુશ્કેલી પડે તેમ હોવાથી રહીશોએ તેનો ઈન્કાર કર્યો હતો. રહીશોએ થલોટા રોડ ઉપરનો બ્લોક કરેલો રસ્તો ખુલ્લો કરવા માંગણી કરી હતી. રહીશોએ તંત્રના તમામ નિયમોનું પાલન કરવાની પણ તૈયારી બતાવી હતી. પરંતુ મામલતદારે ફક્ત મકાનનો વરંડો તોડી રસ્તો આપવાની વાત કરતા રહીશો અને મામલતદાર વચ્ચે ચકમક થતા ભારે હોબાળો થયો હતો. આ સમયે રહીશોએ મામલતદાર ધારાસભ્યના ઈશારે કામ કરતા હોવાનો આક્ષેપ કરી ધારાસભ્ય ઉપર રોષ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યએ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા શાહીબાગ સોસાયટીના એક રહીશના કહેવાથી આ નિર્ણય લીધો હોવાનો પણ આક્ષેપ થયો હતો. જોકે ધારાસભ્ય, પ્રાન્ત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસર આ બંન્ને સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલી દુર કરવા જી.આઈ.ડી.સી.માંથી રસ્તો આપવાનું અથવા મેઈન રોડ ખુલ્લો કરવાનુ વિચારતા હોવાનું જાણવા મળ્યુ છે.